Tuesday, July 16, 2013

૧૧૪ સિંહોએ ગીર અભયારણ્યની બહાર સામ્રાજ્ય તૈયાર કરી લીધું છે.

સરકાર હવે ગીર બહાર સિંહોના આવાસ માટે વિચારી રહી છે પણ

વનરાજો સરકારી વ્યવસ્થાના મહોતાજ નથીઃ સરકાર વૈકલ્પિક રહેણાંક તૈયાર કરે કે ન કરે સ


અમદાવાદ, સોમવાર
સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં કેટલાક સિંહોને ખસેડવાના હુકમ આપી દીધા પછી ગુજરાત સરકાર સિંહ મુદ્દે થોડી-ઘણી સક્રિય બની છે. ગીરની બહાર નીકળી રહેલા સિંહો માટે વૈકલ્પિક આવાસ તૈયાર થશે એવુ આશ્વસન સરકારે વધુ એક વખત આપ્યું છે. જોકે સિંહોને કદાચ સરકાર પર વિશ્વાસ રહ્યો નથી કેમ કે અત્યાર સુધીમાં સિંહોના સંવર્ધન માટે બહુ સરળતાથી લઈ શકાય એવા પગલાં પણ લેવાયા નથી. અલબત્ત, સિંહો સરકારી વ્યવસ્થાના મોહતાજ નથી. વનરાજોએ સરકારી સહાયની રાહ જોયા વગર પોતાનો મારગ અને સામ્રાજ્ય ઉભુ કરી લીધુ છે.
ગીર નેશનલ પાર્ક (રાષ્ટ્રીય ઉદ્યાન) ૨૫૮ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે, જ્યારે ગીર અભયારણ્ય ૧૪૧૨ ચોરસ કિલોમીટરનું છે. ૪૧૧ સિંહો માટે આ જગ્યા ઘણી ઓછી છે. આટલા વિસ્તારમાં વધુમાં વધુ ૩૦૦ સિંહો રહી શકે. જોકે સિંહોએ સમજદારી દાખવીને ગીર બહારના વિસ્તારમાં પોતાનો નવો વિસ્તાર શોધી લીધો છે. મિતિયાળા, ગિરનાર, પાણિયા, ઉના-કોડિનારની દરિયાઈ પટ્ટી, અમરેલી-સાવરકુંડલા વગેરે વિસ્તારોમાં સવાસો જેટલા સિંહોએ સ્વયંભૂ રહેણાંકો તૈયાર કરી લીધા છે.
વન વિભાગે તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે ગીરના સિંહો ફેલાઈને ૧,૦૫૨ ગામડા સુુધી પહોંચ્યા છે. સિંહોની હાજરી હોય એવો કુલ વિસ્તાર ૧૬ હજાર ચોરસ કિલોમીટર કરતા વધી ગયો છે. ફરતી બાજુ ફેલાતા સિંહો ગોંડલ, વેળાવદર, ભાવનગર.. વગેરે મથકોની ભાગોળ સુધી પહોંચી ગયા છે. જૂનાગઢ અને જેતપુરને જોડતા સ્ટેટ હાઈવે પર સતત વાહનોની અવર-જવર વચ્ચે પણ સિંહો ડોકાતા રહે છે. ૨૦૧૦માં તો એક સિંહણ છેક ધોરાજી તાલુકાના નાની પરબડી ગામની સીમ સુધી પહોંચી હતી. ગિરનારનુ જંગલ ત્યાંથી ખાસ્સુ દુર છે.
ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સજીવ તેની આસપાસના વાતાવરણ-સંજોગોને અનુકૂળ થાય તો જ ટકી શકે. સિંહોએ પણ પોતાની આસપાસના વાતાવરણને અનુકૂળ થવાનું શરૃ કરી દીધું છે. પરિણામે ગીરના સિંહો એશિયાઈ સિંહો હોવા છતાં તેના પેટા પ્રકારો પાડી શકાય એટલી હદે અલગ પડી ગયા છે. સાવરકુંડલા-અમરેલી-લિલિયા વિસ્તારમાં રહેતા સિંહોનો ગીરના સિંહો સાથે કોઈ લેવા-દેવા નથી. એ રીતે ગીરના જ વિવિધ વિભાગોમાં વિસ્તરેલા સિંહોએ પોતપોતાનું નાનું એવુ પણ અલગ રજવાડુ ઉભું કરી લીધું છે. સિંહોને ટકી રહેવા માટે પાણી, પાંખુ જંગલ, બચ્ચાંઓ માટે સલામતી અને સ્થાનિક લોકોનો સહકાર એટલી ચીજોની જરૃર પડે છે. ગીર બહાર નીકળેલા બધા સિંહોને આ બધુ જ મળી રહેતા ગીર બહાર પણ તેમની વસતી વધી રહી છે.
ગુજરાત સરકાર હવે આ બધા મુદ્દાઓ સુપ્રીમમાં રજુ કરવા જઈ રહી છે. હકીકતે પહેલેથી જ સિંહોની સમસ્યાને ગંભીરતાથી લઈ આ મુદ્દાઓની રજુઆત થઈ હોત તો કદાચ સિંહોને ગીર બહાર મોકલવા સુધી વાત પહોંચી ન હોત.
છેલ્લી ગણતરી પ્રમાણે સિંહોની સંખ્યા ૪૧૧ છે. એ પૈકીના ૨૯૭ સિંહો ગીર અભયારણ્ય અને અભયારણ્ય વચ્ચે આવેલા નેશનલ પાર્કમાં રહે છે. ૧૧૪ જેટલા સિંહોએ ગીર બહાર પોતાની રીતે જંગલની 'શાખા'ઓ ખોલી લીધી છે. સિંહ જ્યાં પહોંચ્યા છે એ સિંહોના નવા રહેણાંકો નથી. વર્ષો પહેલા સિંહો આ બધા વિસ્તારમાં વિચરતા હતાં. પણ ઘટતા જંગલોને કારણે સિંહોનું ગીરમાં કેન્દ્રિયકરણ થયુ હતું. હવે ફરી સિંહો પોતાના જુના આવાસોમાં રહેવા લાગ્યા છે.
http://gujaratsamachar.com/index.php/articles/display_article/amdavad-gir-sanctuary-has-been-developed-out-of-the-empire

No comments: