Wednesday, July 31, 2013

જૂનાગઢમાં ૧ અને ગિરનાર જંગલ વિસ્તારમાં ૪ ઇંચ વરસાદ ખાબક્યો .


Bhaskar News, Junagadh | Jul 30, 2013, 02:25AM IST
દિવસે ચોમાસું માહોલ વચ્ચે છુટાછવાયાં ઝાપટાં,સાંજે ધીમીધારે અડધો ઇંચ પાણી પડયું
 
છેલ્લા એક પખવાડિયા કરતાં વધુ સમયથી મેઘરાજાનાં મુકામને પગલે સર્જા‍યેલા ચોમાસામાં ક્યારેક દિવસે માત્ર છાંટા પડી જાય છે. તો ક્યારેક ધોધમાર વરસાદ થકી પાણી-પાણી થઇ જાય છે. બાકી રોજબરોજ ધીમી ધારનાં ઝાપટાં દિવસમાં કમસેકમ એક વાર તો પડી જ જાય છે. આજે પણ શહેરમાં ૧ ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે જંગલમાં ૩ થી ૪ ઇંચ વરસાદ થયાનો અંદાજ છે.
 
જૂનાગઢ જિલ્લા ફ્લડ કંટ્રોલમાં આજે સત્તાવાર રીતે ૧પ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે ફ્લડ કંટ્રોલનું માપ યંત્ર નથી એવા વિસ્તારોમાં મળી આજે દિવસ દરમ્યાન અંદાજે એકાદ ઇંચ વરસાદ પડી ગયાનો અંદાજ છે. દિવસ દરમ્યાન ધીમી ધારે ઝાપટાં પડયા હતા. એ સિવાય ચોમાસુ માહોલ વચ્ચે વરસાદ અટકી પણ જતો હતો. લોકોનું જનજીવન પરિણામે ધબકતું જ રહ્યું હતું. વરસાદી માહોલને લીધે શહેરમાં જોકે, ઘણાં સ્થળોએ કાદવ કીચડનું સામ્રાજ્ય પથરાયું છે ખરું. એકધારા ભેજવાળા વાતાવરણને લીધે તાવ-શરદીનાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. તો શહેરમાં જ્યાં ત્યાં ખાબોચિયાં પણ જોવા મળે છે. ભેજવાળા વાતાવરણને લીધે રસ્તાઓ પણ તંત્ર રીપેર કરી શકતું નથી.
 
પરિણામે વાહનચાલકોની હાલાકી પણ વધી છે. જોકે, ગત વર્ષે દુકાળ સહન કર્યો હોઇ લોકો હજુયે વધુ વરસાદ આવે એવું જ ઇચ્છે છે. શહેરી વિસ્તાર કરતાં ગિરનારનાં જંગલમાં વધુ વરસાદ થયો હતો. આજે બપોર બાદ જંગલમાં આશરે ચારેક ઇંચ વરસાદ થઇ જતાં શહેરની સોનરખ નદીમાં પુર આવ્યું હતું. જેને જોવા લોકો સક્કર બાગ પાસે આવેલા સોનરખ નદીનાં પુલ ખાતે ઉમટી પડયા હતા. હિ‌લોળા લેતા પાણીને જોઇ લોકો ભારે રોમાંચિત થઇ ઉઠયા હતા.
 
હસ્નાપુર ઓવરફ્લો થવામાં ૭ ફૂટ બાકી
 
જૂનાગઢ શહેર માટે જીવાદોરી સમાન હસ્નાપુર ડેમમાં આ વર્ષે થયેલા વરસાદે સારું એવું પાણી આવ્યું છે. તેની ઉપરવાસનાં જંગલમાં સારો વરસાદ થતાં છેલ્લા ૨૪ કલાકમાં તે ૨ ફૂટ ભરાયો છે. અને હવે ઓવરફ્લો થવામાં ૭ ફૂટ બાકી હોવાનું જાણવા મળ્યું છે. તેની કુલ સપાટી ૩૪ ફૂટની છે. જ્યારે હાલ તેમાં ૨૭.પ૩ ફૂટ પાણીની સપાટી હિ‌લોળા લે છે.

No comments: