Wednesday, July 17, 2013

ખાંભા તાલુકાના મોટા સમઢીયાળામાં દીપડાએ બે વર્ષની બાળકીને ફાડી ખાધી.

Jul 14, 2013

ખાંભા/અમરેલી: ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામની સીમમાંમ ગઈ રાત્રે પરિવારની વચ્ચે સુતેલી બે વર્ષની બાળકીને બીલીપગે આવેલા એક દીપડાએ મોં અંદર દબોચી ગંભીર રીતે ઘાયલ કરી દેતા બાળકીને સારવાર માટે અમરેલી દવાખાને લઈ આવેલ પરંતુ બાળકીનું વહેલી સવારે મોત થયું હતું.
  • આદિવાસી પરિવાર મધ્યપ્રદેશથી મજૂરી કામ માટે આવ્યો હતો
ખાંભાના મોટા સમઢીયાળા ગામના ખેડૂત રમેશભાઈ કેશુભાઈની વાડીમાં શીંગ ભાગીયું વાવવા રાખેલ મધ્ય પ્રદેશના સરદારપુર ગામના આદિવાસી ભરતભાઈ ખેલસીંગ વસુનીયા પોતાના પરિવાર સાથે અહી વાડીએ જ રહે છે. ગઈ રાત્રે આખો આદિવાસી પરિવાર વાડીના ગોડાઉનમાં દરવાજા ખુલ્લા રાખીને સુતો હતો.
દરમિયાન રાત્રીના ૧.૩૦ વાગ્યા આસપાસ બીલીપગે એક દીપડો ગોડાઉનમાં ઘૂસ્યો હતો અને પરિવારની વચ્ચે માતાના પડખામાં સુતેલી બે વર્ષની સીલસીલા નામની બાળકીને ગરદનેથી દબોચી મોંમાં ભરાવી ચાલતો થયો જે અવાજથી જાગી ગયેલા આદિવાસી પરિવારે દીપડાના મુખમાંથી બાળકીને છોડાવવા દોટ મુકી ને દીપડો ભાગ્યો. રસ્તામાં અંધારામાં ખાડામાં દીપડો પડી જતા મોં અંદર દબોચાયેલી બાળકી છુટી ગઈ અને દીપડો ભાગી ગયો.
 દીપડાના મુખમાંથી બચેલી બાળકીના ગરદન અને માથાના ભાગે દીપડાના દાંત ઘૂસી જવાથી ગંભીર રીતે લોહીલોહાણ બનતા રાતે વાડીના માલિકને ફોન કરી જાણ કરી હતી. વાડીમાલિક રમેશભાઈ કારમાં બાળકીને સારવાર માટે અમરેલીના ખાનગી દવાખાને ખસેડી,પરંતુ ટુંકી સારવાર દરમિયાન બાળકીનું આજે વહેલી સવારે સાત વાગ્યે મોત થયું હતું. તેનું પી.એમ.અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
 આ ઘટનાથી ખાંભા પંથકમાં ફફડાટ ફેલાયો છે.નરભક્ષી દીપડાને પકડવા વન વિભાગે પાંજરા મુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ ગઈ કાલે બપોરે ખાંભાના દામાગાળા વિસ્તારમાં એક સિંહણે ૪પ વર્ષના કોળી યુવાન ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો ત્યારે મોડી રાત્રે દીપડાએ હુમલો કરી બાળકીને મારી નાખતા રાની પશુઓથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં હુમલાઓની આ ત્રીજી ઘટના છે. છેલ્લા એક વર્ષ દરમિયાન અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, ઉના,ધારી, ચલાલા અને ગીરના રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાના હુમલાના ૩૮ બનાવો બનવા પામ્યા છે, જેમાંથી પાંચના મોત થયા છે.

No comments: