![](http://i3.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2013/07/03/3750_5.jpg)
Bhaskar News, Talala
| Jul 03, 2013, 01:05AM IST
- ફોરેસ્ટ સેટલમેન્ટનાં નીયમ હેઠળ જમીન કોર્ટે ખાલસા કરી: મૂળ માલીકને જાણ કર્યા વગર વન વિભાગે ખેતર ખેદાન-મેદાન કરતાં લોકરોષ
તાલાલા તાલુકાનું અમૃતવેલ (ગીર) ગામ ફોરેસ્ટ સેટલમેન્ટ હેઠળ આવે છે. આ ગામનાં કડવા પાટીદાર પરિવારની આવેલી ૪૫ વિઘા જમીનમાં વાવેલા કપાસનાં પાકને ઉખાડી કાઢી વન વિભાગે જમીનમાં રોપાનું વાવેતર કરી નાંખ્યું. અને ખેતરમાં આવેલા બોરમાંથી પાણીની મોટરો કાઢી લઇ ગયા. જમીનનું ભાગીયું કરતી વ્યક્તિ પાસેથી વન વિભાગે કબ્જો લઇ ખેતરમાં ખેદાન-મેદાન કરી નાંખતા જંગલખાતાનાં જડ વલણથી વન વિભાગ સામે લોકરોષ ઉઠ્યો છે.
અમૃતવેલ (ગીર) માં રામજી દેવદાસ ગોથીની માલિકીની સર્વ નં. ૪૧/૪૨ મળી કુલ ૪૫ વિઘા જમીન આવેલી છે. જમીનનાં મુળ માલીક રામજીભાઇ અને તેનાં પુત્ર જેઠાભાઇનું ઘણા સમય પહેલાં મૃત્યુ થયું છે. આથી આ જમીનમાં સીધી લીટીનાં વારસદાર તરીકે મૃતક જેઠભાઇનાં વિધવા પત્ની રાધાબેન બહારગામ રહે છે. પરિણામે જમીનનું ખેડ કામ ગામનાં બાવાજી ત્રીકમભાઇ સંભાળે છે.
વન વિભાગનાં સેટલમેન્ટ હેઠળનાં નિયમો મુજબ સેટલમેન્ટ ફોરેસ્ટ એરીયામાં આવતી જમીન જેમને મળી હોય એ જમીનનું ખેતીકામ કરી રોજી રોટી પ્રાપ્તકરે. આ જમીનનું ભાગીયું આપી શકાયું નથી. જમીનનું ખેતીકામ સંભાળતા ત્રીકમભાઇએ હાઇકોર્ટમાં જમીન પોતાના નામે કરવા અરજી કરી હતી. પરંતુ કોર્ટે જમીન ત્રીકમભાઇનાં નામે ન થઇ શકે તેમ જણાવી જમીન ખાલસા કરવાનો હુકમ કર્યો હતો.
બીજી તરફ જમીનનાં મુળ માલીકનાં સીધી લીટીનાં વારસદાર વિધવા રાધાબેને જમીન ઉપર પોતાનો કાયદેસરનો હક્ક થતો હોઇ જમીન તેમના નામે કરવા માલીકી હક્ક પ્રાપ્તકરવા વેરાવળ કોર્ટમાં અરજી કરી હતી. અને ગીર પશ્ચિમ વિભાગનાં નાયબ વન સંરક્ષકને લેખિત જાણ કરી હતી.
પરંતુ વન વિભાગનાં અધિકારીઓએ મુળ માલીક વિધવા રાધાબેનને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના ગઇકાલે જેસીબી, ટ્રેકટરો અને મજૂરોના કાફલા સાથે સાસણનાં ઇન્ચાર્જ આરએફઓ ગોઢાણીયાએ અમૃતવેલ આવી જમીનમાં ઉગેલો ૪૫ વિઘાનો કપાસનો પાક ઉખેડી ફેંકી દીધો. ખેતરમાં આવેલા બોરમાંથી ઇલેકટ્રીક મોટરો કાઢી લીધી. અને કુવો પુરવાની કામગીરી અધુરી રાખી વાડીમાં બનાવેલું ઝુંપડુ તોડી નાખ્યું હતું. જંગલખાતાનાં આવા જડ વલણથી અમૃતવેલ ગામ ઉપરાંત ગીર પંથકનાં ખેડૂતોમાંથી ભારે રોષ ઉઠયો છે.
- મૂળ માલીકનાં વારસને જમીન મળશે ?
અમૃતવેલની સર્વે નં. ૪૧/૪૨ ની જમીન ખેતીકામ કરતા ત્રીકમભાઇએ માલીક જેઠાભાઇએ જમીન દાનમાં આપી હોવાની રજૂઆત સાથે કોર્ટમાં અરજી કરી હતી. એ અરજી ફગાવી કોર્ટે જમીન ખાલસા કરી. પરંતુ જમીનનાં વારસદાર વિધવા રાધાબેનએ જમીન તેમનાં પતિએ કોઇને દાનમાં આપી હોઇ તેની પોતાને કશી જાણ નથી.
આ જમીન ઉપર પોતે સીધી લીટીનાં વારસદાર હોઇ જમીન તેમની થવા વેરાવળ કોર્ટમાં અરજી કરી છે. ત્યારે વન વિભાગે મૂળ માલીકનાં વારસદારને કશી જાણ કર્યા વગર જમીનમાં રહેલ પાક ઉખેડી જમીનનો કબ્જો લઇ લીધો હોય વારસદાર વિધવા રાધાબેનને જમીન મળશે કે કેમ તે જોવું રહ્યું.
No comments:
Post a Comment