Monday, November 28, 2011

ગિરનારમાંથી ૪૦ હજાર કિલો પ્લાસ્ટીક મળ્યું.


 જૂનાગઢ, તા.૨૬
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમામાં આવેલા લાખો પરિક્રમાર્થીઓએ જંગલમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યો હતો. પરિક્રમા પુરી થયાના ૧પ દિવસ બાદ પણ હજુ અડધુ જંગલ જ સાફ થઈ શક્યુ છે. પરિક્રમા બાદ વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા પ્લાસ્ટીક એકત્ર કરવાનું સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. આશરે ૧પ દિવસના સફાઈ અભિયાન બાદ ગિરનાર જંગલમાંથી આશરે ૪૦ હજાર કિલો પ્લાસ્ટીક એકત્ર કરાયું છે. જો કે આ સફાઈ અભિયાનમાં હજૂ અડધો કચરો જ સાફ થયો છે. ત્યારે બહાર કઢાયેલા પ્લાસ્ટીકના કચરા જેટલો જ કચરો જંગલમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
  • કામદારોએ ગિરનાર જંગલની સફાઈ કરી ચાર ટ્રેક્ટર કચરો એકત્ર કર્યો : હજૂ શુદ્ધિકરણ અભિયાન શરૂ જ રહેશે
પરંપરાગત યોજાતી ગિરનાર પરિક્રમામાં આવતા યાત્રિકોને પ્લાસ્ટીક લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આમ છતા દર વર્ષે પરિક્રમા બાદ જંગલમાંથી ઢગલા મોઢે પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવે છે. જંગલના પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિને પ્લાસ્ટીક નુકશાન કર્તા હોવાથી વનવિભાગ પરિક્રમા બાદ વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓને સાથે રાખી સફાઈ અભિયાન હાથ ધરે છે.
ચાલુ વર્ષે દેશ-વિદેશ અને દુર-સુદુરથી પરિક્રમામાં આશરે ૮ લાખ ભાવિકો જોડાયા હતાં. આ પરિક્રમાર્થીઓએ પરિક્રમા દરમિયાન જંગલમાં બેફામ પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યો હતો. અને ટન મોઢે પ્લાસ્ટીકનો કચરો જંગલમાં જ છોડીને ચાલ્યા ગયા હતાં. ત્યારે પરિક્રમા બાદ તરત જ અનેક સ્વૈચ્છીક સંસ્થાઓએ પરિક્રમા રૂટ પર સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં સૌ પ્રથમ ભારત સાધુ સમાજે કરેલા સફાઈ અભિયાનમાં ૩ ટ્રક, સર્વોદય નેચર ક્લબે ૪ ટ્રેકટર અને ગઈકાલે સીટુ સહિતની વિવિધ સંસ્થાઓ કરેલા સફાઈ અભિયાનમાં બીજા ૪ ટ્રેકટર પ્લાસ્ટીક એકત્ર કરાયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર ૧ ટ્રકમાં આશરે ૬ થી ૭ ટન અને ૧ ટ્રેકટરમાં આશરે ર ટન જેવું પ્લાસ્ટીક સમાઈ શકે છે. આ ગણતરી અનુસાર ૩ ટ્રકના ર૧ ટન અને ૮ ટ્રેકટરના ૧૬ ટન એટલે કે, ૩૭ ટન પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવ્યું છે.ગઈકાલે સીટુ સહિતની સંસ્થાઓએ મેકસ કામદાર યુનિયન, ક્રિએટીવ કાસ્ટીંગ યુનિયન, ઓસ્ટીન, ગુજરાત કિસાન સભા, ખેતમજદુર યુનિયન અને નૌજવાન સભાના આશરે ૧૦૦ જેટલા કામદારોએ સુરજકુંડ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી ૪ ટ્રેકટર પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી બીજી ગંદકી પણ સાફ કરી હતી. આ અભિયાનમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત ગોપાલાનંદજી, અંબાજી મહંત તનસુખગીરીબાપુ, મુક્તાનંદગીરીબાપુ, બટુકભાઈ મકવાણા, જીસાન હોલેપોત્રા વગેરે આગેવાનો જોડાયા હતાં.
ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ દ્વારા પાણીના પાઉચ, પાન-માવા, ગુટખા, પાણીની બોટલ, સાબુના રેપર સહિત વિવિધ રીતે પ્લાસ્ટીક જંગલમાં પહોંચાડે છે. વર્ષોથી યોજાતી પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ જંગલમાં પ્લાસ્ટીક છોડીને ચાલ્યા જવાથી એક તબક્કે જંગલનો નાશ થવાની ભીતી પર્યાવરણપ્રેમીઓ વ્યકત કરી રહ્યા છે.
૧૮ કી.મી.ના કેડી માર્ગમાં હજુ પણ સેંકડો ટન પ્લાસ્ટીકનો પથારો
પરીક્રમા બાદ છેલ્લા ૧પ દિવસથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પરીક્રમા રૂટ ઉપર સફાઈ અભિયાન હાથ ધરાયુ છે. આમ છતા પરિક્રમા રૂટના ૩૬ કી.મી વિસ્તારમાંથી માત્ર ૧૮ કી.મી. રૂટ જ સાફ થયો છે. અત્યાર સુધી કરાયેલ સફાઈ અભિયાન માત્ર વ્હીકલ જઈ શકે તેવા જ વિસ્તારોમાં સફાઈ કરાઈ છે. જ્યાં વાહનો જઈ શકે તેમ નથી તેવા જીણાબાવાની મઢીથી બોરદેવી સુધીના ૧૮ કી.મી.ના કેડી માર્ગમાં પ્લાસ્ટીક એકત્ર કરવાનું બાકી છે. માત્ર ૧૮ કી.મી.માં જ ૪૦ ટન પ્લાસ્ટીક એકત્ર કરાયું છે. ત્યારે અન્ય ૧૮ કી.મી. વિસ્તારમાં બીજુ ૪૦ ટન પ્લાસ્ટીક હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગિરનાર પરિક્રમા માર્ગ પર બાકી રહેલા પ્લાસ્ટિકના કચરાને સત્વરે દૂર કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વનવિભાગ દ્વારા દર વર્ષે દાખવાતી જાગૃતિના કારણે પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આ દૂષણ નાબુદ નથી થયું.
કેવા કેવા વન્ય જીવો અને વનસ્પતિઓ ગિરનારમાં છે ??
ગરવા ગિરનારમાં ૬પ૦ વનસ્પતિ છે. જેમાં ૧પ૮ ઔષધિય વનસ્પતિ છે. તેમજ ર૮ જાતના સસ્તન પ્રાણીઓ, ૩ર જાતના પેટે ચાલતા પ્રાણીઓ, રપ સિંહ અને ગિરનાર જંગલમાં પ૧ તેમજ રેવન્યુ વિસ્તારમાં ૩૦ દિપડાઓ છે. ત્યારે પરિક્રમા દરમિયાન ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટીક વન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે નુકશાનકર્તા હોવાનું આર.એફ.ઓ. જે.ડી.ગોજીયાએ જણાવ્યું છે.
પ્લાસ્ટીકથી પ્રાણીઓ અને પર્યાવરણને શુ નુકશાન થશે ?
પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓ દ્વારા જંગલમાં છોડાતું પ્લાસ્ટીક જંગલની વનસ્પતિઓ અને વન્ય પ્રાણીઓને નુકશાન કર્તા હોવાનું જણાવી પર્યાવરણ વીદ આર.કે.દેસડીયાના જણાવ્યા અનુસાર જે તે જમીનમાં પ્લાસ્ટીક દટાઈ રહેવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. જમીનમાં વરસાદનું પાણી ઉતરી શકતુ નથી. અને જમીન રીચાર્જ થઈ શકતી નથી. પ્લાસ્ટીક ૧૦૦ વર્ષ સુધી સડતું ન હોવાથી જે જમીનમાં પ્લાસ્ટીક દટાયેલુ રહેવાથી ત્યાં વવાતા બીજ ઉગી શકતા નથી. પરિણામે વનસ્પતિનો નાશ થાય છે. તેમજ વન્ય પ્રાણીઓ પ્લાસ્ટીકમાં ફેંકાયેલી ખાદ્ય સામગ્રી ખાવા જતા પ્લાસ્ટીક પણ તેના પેટમાં જાય છે. જેનાથી વન્ય પ્રાણીઓની હોજરીમાં ગઠા જમા થાય છે. અને કયારેક આ કારણે વન્ય પ્રાણીઓની જાન પણ જોખમમાં મુકાય શકે છે. તેમજ જંગલમાં રહેતા પ્લાસ્ટીકને કારણે ઝેરી વાયુ ઉત્પન થાય છે. આ વાયુ પ્રાણીઓ અને વનસ્પતિ માટે હાનિકારક છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=12299

No comments: