Monday, November 7, 2011

ગમા પીપળીયામાં જંગલી મધમાખીના હુમલામાં બે ઘાયલ.

Source: Bhaskar News, Amreli | Last Updated 12:55 AM [IST](05/11/2011)
બે બળદને પણ ઝપટે લીધા : મધમાખીના હુમલાના વધતા બનાવો
અમરેલી જીલ્લામાં પાછલા એક સપ્તાહથી જંગલી મધમાખીઓનો અચાનક જ ઉપદ્રવ શરુ થયો છે. મધમાખીઓના આ ઝુંડ વિના કારણે જ માણસો તથા પશુઓ પર હુમલો કરે છે. પાછલા બે દિવસમાં બગસરા અને ખાંભામાં નવ વ્યક્તિને મધમાખીએ ઘાયલ કરી દીધા બાદ આજે બાબરા તાલુકાના ગમા પીપળીયામાં બે ખેડૂત અને તેના બે પશુઓને મધમાખીએ અસંખ્ય ડંખ મારી દીધા હતા. હવે ખેડૂતો મધમાખીઓના ડરથી ફફડે છે.
બાબરા તાલુકાના ગમા પીપળીયા ગામે આજે સવારે આઠેક વાગ્યાના સુમારે મધમાખીઓના ઝુંડે આ હુમલો કર્યો હતો. અહિંના પટેલ મધુભાઇ વલ્લભભાઇ પાનસેરીયા (ઉ.વ. ૪૨) તથા તેના ભાઇના પ"ી સંગીતાબેન વિનુભાઇ (ઉ.વ. ૩૦) વાડીએ ખેતીકામ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઝેરી મધમાખીઓનું ઝુંડ ઝાડ પરથી ઉડયુ હતુ અને સીધુ જ બન્ને પર તુટી પડયુ હતુ. મધમાખીઓએ તેમને આંખ, પીઠ અને હાથ પર અનેક ડંખ માર્યા હતા. મધમાખીના હુમલાથી બચવા માટે મધુભાઇએ પાણીની કુંડીમાં ઝંપલાવી દીધુ હતુ.
મધમાખીઓએ તેમના બે બળદને પણ અનેક ડંખ માર્યા હતા. મધુભાઇ અને સંગીતાબેને સારવાર માટે બાબરાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. અમરેલી જીલ્લામાં પાછલા થોડા સમયથી મધમાખીઓના હુમલાનો આંતક વધ્યો છે. ગઇકાલે ખાંભામાં અને આગલા દિવસે બગસરામાં જંગલી મધમાખીઓએ હુમલો કરી નવ વ્યક્તિને ઘાયલ કરી દીધા હતા.
પંદર દિવસ પહેલા પણ મધમાખી ત્રાટકી હતી
ગમા પીપળીયાના રાઘવભાઇ નારણભાઇ પાનસેરીયાએ જણાવ્યુ હતુ કે અહિં ઝેરી મધમાખીનું ઝુંડ છેલ્લા વીસ દિવસથી ઝાડ પર બેઠુ છે. પંદરેક દિવસ અગાઉ આ મધમાખીઓએ તેમના પરિવારના ત્રણ સભ્યો ઉપરાંત ચાર બળદ અને એક ભેંસને ડંખ મારી ઘાયલ કરી દીધા હતા. ગામના સરપંચ છગનભાઇએ વનખાતાને આ અંગે જાણ કરી યોગ્ય પગલા લેવા જણાવ્યુ હતુ.

No comments: