Thursday, November 17, 2011

ગીર જંગલ બહાર ગ્રામ્ય પંથકમાં ‘સિંહ દર્શન’ની મોજ.


 Source: Bhaskar News, Talala   |   Last Updated 12:22 AM [IST](16/11/2011)
 - તાલુકાનાં માધુપુર (ગીર) પાસે સાત સાવજોનાં ધામા
તાલાલા પંથકમાં મોટાભાગનાં ગામડાઓ આસપાસ ‘સાવજો’ ફરતા હોય છે. ગીરનાં લોકોને સિંહ દર્શન કરવા જંગલમાં જવુ પડતુ નથી. સાવજો સામા ગ્રામ્ય પંથક તરફ શિકાર માટે આવી પહોંચતા હોય છે અને લોકો આસપાસનાં વાડી વિસ્તારોમાં મોજથી સિંહ દર્શન કરતા હોય છે.
તાલાલાનાં માધુપુર (ગીર) ગામની પાછળ આવેલા સ્મશાન વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સાત વનરાજોએ ધામા નાખ્યા છે. શુક્રવારે રાત્રે સાવજો સીમમાં હોવાની જાણ થયેલ પણ ક્યાંય જોવા મળ્યા ન હતાં. ત્યાં શનિવારે સાવજોએ રેઢીયાળ ફરતી બે ગાયોનાં શિકાર કર્યાનાં સમાચાર મળતા તાલાલા અને આસપાસનાં ગામોમાંથી વન્યપ્રાણીપ્રેમીઓ સાવજોને મારણ ખાતા જોવા પહોંચી ગયા હતાં અને સાવજોને રાજા જેવી અદાથી મારણની મિજબાની માણતા જોઇ મોજમાં આવી ગયા હતાં.
આ સાવજોનાં ગૃપે રવિવાર અને સોમવારે રાત્રે બકરાનાં શિકાર કરેલ હતાં.
માધુપુર (ગીર) અને જાંબુર (ગીર) ની સીમમાં સરસ્વતી નદીનાં કાંઠા આસપાસ ચાર દિવસથી ટહેલતા સાવજો આસપાસનાં શેરડીનાં ખેતરો અને વાડી વિસ્તારમાં આરામ ફરમાવતા હોય સમીસાંજ થાય એટલે શિકારની શોધમાં નીકળેલા સાવજો શિકાર કરે અને ગીરનાં લોકો સાવજોને મારણની મીજબાની માણતા સિંહ દર્શન કરી રોમાંચીત બને છે.

No comments: