Saturday, November 19, 2011

અમરેલી જિલ્લામાં યાયાવર પક્ષીઓનું આગમન વિલંબમાં


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:22 AM [IST](18/11/2011)
- દર વર્ષની તુલનામાં જૂજ પંખીડાં આવ્યાં
અમરેલી જીલ્લાના દરીયાકાંઠે તથા વિવિધ જળાશયોમાં દરવર્ષે લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. અડધો નવેમ્બર પસાર થાય ત્યાં સુધીમાં તો ખુબ મોટી સંખ્યામાં અહિં પક્ષીઓ આવી ચુક્યા હોય છે પરંતુ ચાલુ સાલે આ પ્રવાસી પક્ષીઓની સંખ્યા ઓછી રહી છે. હજુ આકરી ઠંડી પડી ન હોય આ પક્ષીઓ આવ્યા ન હોવાનું કહેવાય છે. જેવો કડકડતી ઠંડીનો માહોલ શરૂ થશે તે સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષી આવશે અને જીલ્લાનો દરીયાકાંઠો તથા જળાશયો પક્ષીના કલરવથી ગુંજી ઉઠશે.
દર શિયાળામાં અમરેલી જીલ્લામાં રાજુલા, જાફરાબાદ પંથકનો દરીયાકાંઠો પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે. પરંતુ ચાલુ સાલે પ્રવાસી પક્ષીઓની સંખ્યા ઘણી પાંખી જોવા મળી રહી છે. દર વર્ષે પીપાવાવના દરીયાકાંઠા ઉપરાંત ચાંચ બંદર, જાફરાબાદ વગેરેના દરીયાકાંઠે લાખોની સંખ્યામાં પેલીકન, કુંજ, કરકરા વગેરે પ્રવાસી પક્ષીઓ લાખોની સંખ્યામાં આવે છે અને અહિં શિયાળો ગાળી ઉનાળાની શરૂઆત થતા પરત ઉડી જાય છે.
ચાલુ સાલે ઠંડી મોડી છે. હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી જેને પગલે પુરતી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ પણ હજુ સુધી આવ્યા નથી. જેવું ઠંડીનો મોજુ ચાલુ થશે તે સાથે જ બે-ત્રણ દિવસમાં જ લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ દરીયાકાંઠે તથા જુદા જુદા જળાશયોમાં ઉતરી આવશે. હાલમાં ખાંભાના મોભનેશ ડેમ ઉપર ડુંગર નજીકના તળાવમાં રાયડી ડેમ પર અમરેલીના વડી ડેમ પર વગેરે સ્થળે થોડી થોડી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવ્યા છે.
ક્યાં ક્યાં પ્રવાસી પક્ષીઓ આવશે -
અમરેલીના પર્યાવરણ પ્રેમી જીતેન્દ્રભાઇ તળાવીયા તથા પ્રવિણભાઇ ગોહિલે જણાવ્યુ હતુ કે અહિં પેલીનક, કુંજ અને કરકરા ઉપરાંત વૈયા, ૩૫ થી ૪૦ જાતની બતકો, ધોમડા, વાબગલી, કીચડીયા, ગડવાલ, પોચાડ વગેરે પક્ષીઓ આવશે.
કાશ્મીર અને ઉત્તર ભારતના પ્રવાસી પક્ષીઓ પણ આવશે -
સૌરાષ્ટ્રના સાગર કાંઠે સાયબીરીયાના પક્ષીઓ ઉપરાંત કાશ્મીર તથા ઉત્તર ભારતમાંથી પણ પેલીકન, ચાતક, કાશ્મીરી રોલર, હુંપો વગેરે પક્ષીઓ અહિં શિયાળો ગાળવા આવે છે. ઠંડી શરૂ થતા આગામી દિવસોમાં આ પ્રવાસી પક્ષીઓ પણ દેખાશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-wandering-birds-came-in-amreli-districts-2572757.html

No comments: