Thursday, November 17, 2011

ગીર અભ્યારણ્યમાં પાંચ વર્ષમાં માત્ર ૮૦ દિપડાનો જ વધારો!

તાલાલા - ગીરના અભ્યારણ્ય સહીત સમગ્ર રાજયમાં દિપડાની વસ્તી ગણતરી પુરી થયા બાદ જંગલ ખાતાએ દિપડાની સંખ્યાના જાહેર કરેલ વસ્તી વધારાના આંકડામાં જુનાગઢ અને અમરેલી જીલ્લામાં માત્ર ૮૦ દિપડાની વસ્તી વધી હોવાનું જણાવેલ છે, જે ખરેખર દિપડાની વસ્તી ગણતરીના સાચા આંકડા નથી. જંગલ ખાતુ દિપડાની વસ્તીની સાચી વિગતો છુપાવી રહ્યું હોવાનો તાલાલા પંથક સહિત ગીરની બોર્ડર ઉપરની ગ્રામ્ય વસ્તીમાં વસવાટ કરતા અનુભવી અને જાણકાર લોકોએ આક્ષેપ કર્યો છે.
છેલ્લી વસ્તી ગણતરી ૨૦૦૬માં થઇ હતી ત્યારે જુનાગઢ જીલ્લામાં ૩૧૧- અમરેલી જીલ્લામાં ૯૯ મળી બંને જીલ્લામાં ૪૧૦ દિપડાની વસ્તી સાથે સમગ્ર રાજયમાં ૧૦૭૦ દિપડા હોવાનું જંગલ ખાતાએ જાહેર કર્યું હતું. પાંચ વર્ષ બાદ દિપડાની થયેલ છેલ્લી વસ્તી ગણતરીમાં જુનાગઢ જીલ્લામાં ૩૮૫- અમરેલી જીલ્લામાં ૧૦૫ મળી બંને જીલ્લામાં ૪૯૦ દિપડાની વસ્તી સાથે ૧૧૬૦ દિપડા હોવાનું જાહેર કર્યુ છે.
જંગલ ખાતાએ જુનાગઢ અને અમરેલી જીલ્લાની દિપડાની વસ્તીના બહાર પાડેલ આંકડામાં બંને જીલ્લામાં પાંચ વર્ષમાં દિપડાની વસ્તી ૮૦ વધી હોવાનું જણાવ્યું છે. વસ્તી ગણતરીના આ આંકડા જાણકારોના ગળે ઉતરતા નથી. જાણકારોના જણાવ્યા પ્રમાણે તાલાલા- કોડીનાર- સુત્રાપાડા અને વેરાવળ તાલુકામાં જ ૪૦૦થી વધુ દિપડા માનવવસ્તી આજુબાજુમાં રહે છે.
જુનાગઢ અને અમરેલી જીલ્લામાં દિપડાની વસ્તીમાં ૮૦નો જે વધારો બતાવ્યો છે તેનાથી વધુ દિપડાની વસ્તી એકલા તાલાલા તાલુકામાં વધી હોવાનુ કહેવાય છે. તાલાલા, કોડીનાર, સુત્રાપાડા અને વેરાવળ તાલુકામાં કેસરકેરીના બગીચા તથા શેરડીના વાડ વચ્ચે આરામથી રહેવા માટે અનુકુળ જગ્યા દિપડાને મળતી હોય આ ત્રણેય તાલુકામાં એક અંદાજ મુજબ ૪૦૦થી વધુ દિપડા વસવાટ કરી રહ્યા છે.
તાલાલા પંથક સહિત આજુબાજુના તાલુકામાં માનવ વસ્તી વચ્ચે દિપડાઓનો વસવાટ ખૂબ જ વધી ગયો છે. જેને કારણે માનવ વસ્તી ઉપર દિપડાઓના હુમલા વધી રહ્યા છે. દિપડાઓ માનવ વસ્તી વચ્ચે આવી ૧૨થી ૧૫ ફૂટ સુધીની ઉંચી દિવાલ કુદી લોકોના ફળીયામાં પ્રવેશ કરી ત્યાંથી ખેડૂતોના કિંમતી અને દુધાળા પશુઓના મારણ કરી રહ્યા છે.
દિપડાના રોજીંદા બની ગયેલા બનાવોથી જંગલખાતુ પણ ધુ્રજી ઉઠયું છે અને દિપડાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર અને જંગલ વિસ્તારમાં નિર્દોષ પશુ અને માનવી ઉપર થતાં હુમલા રોકવામાં જંગલ ખાતુ સંપૂર્ણ નિષ્ફળ ગયું હોય તેમ દિપડાની વસ્તીના સાચા આંકડા છુપાવી દિપડાની વસ્તીમાં પાંચ વર્ષ દરમિયાન ખાસ્સો વધારો થયો નથી તેવી એક જ પ્રકારની કેસેટ વગાડે છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે દિપડાની વસ્તી કેટલી ઝડપે વધી રહી છે તેને અંકુશમાં લેવા જંગલ ખાતુ સંપૂર્ણ નિષ્ફળ ગયું છે. દિપડાની અવિરત વધી રહેલ વસ્તીને કારણે માનવ વસ્તી ઉપર દિપડાના એટેકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે જેને પણ જંગલ ખાતુ અંકુશમાં રાખી શકતું નથી જે જંગલ ખાતાના સૌ અધિકારીઓ જાણે છે. જંગલ ખાતુ દિપડા દ્વારા થતાં હુમલા બંધ કરાવવા નિષ્ફળ જતાં દિપડાની વસ્તીની સાચી વિગતો જાહેર કરતું નથી તેવા ખુલ્લા આક્ષેપ સાથે તાલાલા પંથકના લોકો જંગલ ખાતાની દિપડાની વસ્તી ગણત્રીની થયેલ કામગીરી સામે કચવાટ સાથે ભારે રોષ વ્યકત કરવા લાગ્યા છે.
Source: http://www.gujaratsamachar.com/20110608/gujarat/sau2.html

No comments: