Thursday, November 24, 2011

લીલીયા પંથકમાં વસતા હરણોને ખતરો.

Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:47 AM [IST](24/11/2011)
- ૧૫ વર્ષ પહેલા આ વિસ્તારને હરણના અભ્યારણ તરીકે જાહેર કર્યો હતો
- પીવાના પાણી સહિત કોઇપણ પ્રકારની સુવિધા નથી
આમ તો અમરેલી જીલ્લાના લગભગ તમામ રેવન્યુ વિસ્તારમાં હરણનો વસવાટ છે. પરંતુ લીલીયા તાલુકાના અંટાળીયા, સાજણટિંબા વગેરે ગામની સીમમાં એક સાથે ૧૫૦ થી ૧૬૦ જેટલા હરણ કાયમી ધોરણે વસી રહ્યા છે.
સરકારે પંદર વર્ષ પહેલા આ વિસ્તારને હરણના અભ્યારણ્ય તરીકે જાહેર કર્યો હતો પરંતુ અહિં હરણ માટે પિવાના પાણીથી લઇને કોઇ જ પ્રકારની સુવિધા નથી. આ અંગે વન પ્રકૃતપિ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
લીલીયા તાલુકાના અંટાળીયા, સાજણટિંબા, લુવારીયા અને જાત્રુડા ગામની સીમમાં દાયકાઓથી નાજુકડા હરણોનો વસવાટ છે. આ વિસ્તાર હરણને માફક આવી ગયો હોય તેની વસ્તી ફુલીફાલી રહી છે. અહિંથી થોડાક કી.મી. દુર સાવજોનો પણ વસવાટ છે. પરંતુ સાવજો મહદ અંશે હરણના વિસ્તારમાં આવતા ન હોય તેઓ નિર્ભયપણે ફુલીફાલી રહ્યા છે.
હાલમાં આ વિસ્તારમાં ૧૫૦ થી ૧૬૦ જેટલા હરણનો વસવાટ છે. નિર્દોષ ભાવે આમથીતેમ ઉછળકુદ કરતા હરણોને નિહાળવા તે પણ અદભુત લ્હાવો છે. રાજ્ય સરકાર દ્વારા દોઢેક દાયકા અગાઉ અહિં અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ ત્યારબાદ તેના વિકાસ માટે કોઇ પગલા લેવાયા નથી. અહિં હરણને પિવાનું પાણી મળી રહે તે માટે પવનચક્કી બનાવવામાં આવી હતી. પરંતુ આજે આ પવનચક્કીનું નામોનિશાન પણ નથી.
અહિં વસતા હરણો સલામત રહી શકે અને કોઇ જ પ્રકારના ખલેલ વગર તેની વસતી વધતી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચીત પગલા લેવામાં આવે તેવી પ્રકૃતિ પ્રેમીઓએ માંગ ઉઠાવી છે. અન્યથા માણસોની સતત ખલેલ વચ્ચે આ હરણો અહિં સલામત નહી રહે તે નક્કી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-danger-to-deer-who-is-lived-in-liliya-2587326.html

No comments: