Friday, November 4, 2011

ધારી: માતાની બાજુમાં માસૂમ સૂતો હતો, દીપડાએ કર્યો હુમલો.

Source: Bhaskar News, Amreli | Last Updated 12:55 AM [IST](02/11/2011)
- ખેતીકામ કરતાં કમીકેરાળા ગામના શ્રમિક પરિવારના કૂળદીપકે રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

ધારી તાલુકાના ભરડ ગામની સીમમાં ગઇરાત્રે માતાની બાજુમાં ઘોડીયામાં સુતેલા ચાર વર્ષના બાળકને દીપડો ગળેથી પકડી નાસ્યો હતો. દેકારો થતા માબાપે પીછો કરી પુત્રને દીપડાના મુખમાંથી છોડાવ્યો હતો પરંતુ આ માસુમ બાળકનું રાજકોટ દવાખાને સારવાર દરમિયાન મોત થયું હતું.

ધારી તાબાના ભરડ ગામની સીમમાં જોરૂભાઇ જગુભાઇ વાળાના ખેતરમાં ખેતીકામ કરતા કમી કેરાળા ગામના ખેત મજુર ભુપતભાઇ ધીરૂભાઇ સોલંકીના ચાર વર્ષના પુત્ર બાલાને દીપડાએ પોતાનું નિશાન બનાવ્યો હતો. ભુપતભાઇ અને તેમનો પરિવાર ગઇરાત્રે ઝુંપડામાં સુતો હતો ત્યારે મધરાત્રે સાડા બારેક વાગ્યાના સુમારે એક દીપડો ત્રાટકયો હતો અને માતાની બાજુમાં ઘોડીયામાં સુતેલા બાલાને ગળામાંથી પકડી નાસ્યો હતો.

બાળકના રડવાનો અવાજ આવતા માતાપિતા પુત્રને બચાવવા દોડયા હતા. જેને પગલે દીપડો ચાર વર્ષના આ બાળકને છોડીને નાસી ગયો હતો. માસુમ બાળકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે પ્રથમ ધારી દવાખાને બાદમાં અમરેલી સિવીલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રફિર કરવામાં આવ્યો હતો.

નાયબ વન સંરક્ષક અને માહિતીખાતાના જણાવ્યા અનુસાર આ બાળકનું રાજકોટ દવાખાને સારવાર દરમિયાન મોત થયું હતું. વનતંત્ર દ્વારા આ બાળકના પરિવારને સરકારના નિતીનિયમ મુજબ સહાય ચુકવવા ગતિવીધી હાથ ધરાઇ છે.

ભરડમાં દીપડાએ બીજો ભોગ લીધો -

ધારીના ભરડમાં એક વર્ષ અગાઉ પણ દીપડાએ એક દેવીપુજક બાળાને ફાડી ખાધી હતી. ત્યારબાદ આજે દીપડાએ બીજા બાળકનો ભોગ લીધો હતો. વીસ દિવસ પહેલા ભરડથી સાત કિમી દુર આંબરડીની સીમમાં પણ એક બાળકને દીપડાએ ઘાયલ કર્યો હતો. માણસનું લોહી ચાખી ગયેલા આ દીપડાને તાકિદે પાંજરે પુરવા માંગ ઉઠી છે.

No comments: