Wednesday, November 9, 2011

‘શિકારગાહ’ને ૧૧-૧૧-૧૧ના દિને ૧૦૦ વર્ષ પૂરાં થશે.


Source: Jirendra Mandaviya, Talala | Last Updated 1:43 AM [IST](09/11/2011)
 
- ગીર જંગલની મધ્યે જુનાગઢના નવાબ મહાબતખાનજી બાબીએ બનાવેલ બંગલો આજે સિંહ સદનના નામે ઓળખાય છે
- સિંહોના શિકાર માટે આરામ કરવા બનાવેલો બંગલો આજે પણ અદભુત શાહી ઠાઠ ધરાવે છે
ગીર જંગલમાં વહિરતા એશિયાટીક સાવજોનાં પ્રતિક ગણાતા અને જુનાગઢ સ્ટેટના નવાબ મહોબતખાનજી બાબીએ ગીરનાં જંગલમાં પોતે શિકાર કરવા આવે ત્યારે રોકાણ કરવા ૧૦૦ વર્ષ પૂર્વે બનાવેલ બંગલો શિકારગાહ એવા ‘સિંહ સદન’ને આગામી ૧૧-૧૧-૧૧નાં ૮૦૦ વર્ષે આવેલા સંયોગદિને ૧૦૦ વર્ષ પુરા થશે. ૧૦૦ વર્ષથી ગીરમધ્યે સાવજ સમા ઉભેલા સિંહ સદને શિકાર માટે આવતા અંગ્રેજોથી લઈ નવાબોને શાહી મહેમાનગતી પુરી પાડી છે.
બ્રિટીશ શાસનકાળ દરમિયાન ગીરજંગલનો મહત્તમ વિસ્તાર સોરઠ સ્ટેટ (જુનાગઢ રાજ્ય)ના તાબા હેઠળ હતો, નવાબ રાજવીઓ શિકારના શોખીન હતા અને ગીર જંગલમાં શિકારે નીકળતા ત્યારે તંબુઓ લગાડી પડાવ નાંખતા. જુનાગઢ સ્ટેટનાં નવાબ મહોબતખાનજી બાબી ગીર જંગલમાં શિકારે આવતા ત્યારે જંગલમાં તંબુઓ લગાડી પડાવ કરવામાં તેમને અગવડતાઓ જણાતી તેથી પડાવ-ઉતારા માટે જંગલની મધ્યે પાકા આવાસનું બાંધકામ કરવાનું વિચાયું. સને ૧૯૧૦ના ડીસેમ્બર મહિનામાં જંગલ મધ્યે એક શિકારગાહ બંગલાનું બાંધકામ શરૂ કર્યું માંગરોળનાં સલાટ અને જુનાગઢના કડીયા સમાજનાં કારીગરોએ શિકારગાહનું મજબુત પથ્થરો વાળુ બાંધકામ બનાવવાનું ચાલુ કર્યું સને ૧૯૧૧ના ઓકટોમ્બર માસમાં ૧૧ મહિના ચાલેલું બાંધકામ પૂર્ણ થયું.
શિકારગાહ બંગલો બનીને તૈયાર થઈ જતાં નવાબ મહોબતખાનજી બાબીએ ૧૧ નવેમ્બર ૧૯૧૧નાં રોજ શિકાર માટે આવી શિકારગાહમાં પ્રથમ મુકામ કરેલ તે દિવસથી હાલનાં ‘સિંહ સદન’નો જન્મ થયો. શિકારગાહમાં નવાબના ઉતારા માટે બે વિશાળ કક્ષ સાથે નવાબ સાથે આવતા મહેમાનો માટે ૧૮ ઓરડા તેમજ માલ સામાન માટેનો વિશાળ કક્ષ બનાવેલ તેની સામેના ભાગે રસોડું બનાવવામાં આવેલ અને ડાઈનીંગ હોલ બનાવાયેલ. શિકારગાહમાં રોકાણ દરમિયાન નવાબ મહેમાનો સાથે ચાંદીના વાસણોમાં ‘ફોર મેજ ડીનર’ થતુ. જંગલમાંથી વિવિધ તૃણભક્ષી પ્રાણીઓ સસલા, સાબર, ચિતલના શિકાર કરી બનાવાયેલ ભોજન માણતા.
ગીરજંગલમાં નવાબ શિકારે નીકળે ત્યારે વિસામા સાથે કસુંબાની મોજ માણવા ૨૦ માઈલ દૂર જામવાળામાં વિશ્રામગૃહ બનાવેલ જ્યાં શિકાર પ્રવૃતિથી થાકી આરામ ફરમાવતા. આમ, નવાબે શિકાર પ્રવૃતી દરમિયાન જંગલમાં રોકાણ માટે બનાવેલ શિકારગાહ એ સિંહ સદનના રૂપમાં આપણી સમક્ષ અત્યારે સાવજની જેમ ઉભુ છે.
નવાબનો ‘શિકારગાહ’ વનવિભાગનું સિંહ સદન -
આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયા બાદ સિંહ સદન બંગલો જંગલ ભાગમાં હોઈ લોકશાહીની સ્થાપનાકાળથી સિંહ સદનનો વહીવટ વનખાતા હેઠળ આવ્યો. આ બંગલાની સમયાંતરે જાળવણી-સમારકામ થતુ રહે છે. નવાબના ઉતારા માટે બનાવાયેલા વિશાળ કક્ષ આજે વીઆઈપી ‘ગીર સ્યુટ’બરડો સ્યુટ ગીરનાર સ્પુટ તરીકે ઓળખાય છે. માલસામાનના ઉતારા વાળો હોલ આજે સેમીનાર હોલ બન્યો છે નવાબ દ્વારા બનાવેલ શિકારગાહ આજે શિકારને બદલે સંરક્ષણ ગાહ બની વનવિભાગનું હેડક્વાર્ટર બની ગૌરવ બની ઉભો છે. ૧૦૦ વર્ષે પણ આ ઈમારત અડીખમ રહેવા પામી છે. ૧૧-૧૧-૧૧ના સિંહ સદનને ૧૦૦ વર્ષ પુરા થતાં હોય વનવિભાગમાં ખુશી જોવા મળી રહી છે.
શિકારગાહ જૂનાગઢના નવાબનું થાણું ગણાતું -
સાસણના જંગલ સમીપ બનતી ઘટનાઓને નિહાળનાર સાસણના પોપટભાઈ જીવાભાઈ ચાવડા ભૂતકાળને વાગોળતા જણાવે છે કે, સાસણના હાલ બસ સ્ટેન્ડ થી જ જંગલ ચાલુ થઈ જતુ. જુનાગઢથી નવાબ શીકાર કરવા આવે એટલે સર સામાન ઘોડા ઉપર લાદી લવાતો. નવાબ મોટરમાં આવતા જંગલમાં શિકારીઓ સાથે જતાં ઝાડ ઉપર માંચડા બનાવી જાનવરો (સિંહો)નો શિકાર કરતા શિકારગાહ (સિંહ સદન) નવાબનું થાણું ગણાતું.
શિકારગાહનું નામ ‘સિંહ સદન’ અને ગામનું નામ સાસણ કેવી રીતે પડ્યું !
નવાબ મહોબતખાનજીએ બનાવેલા શિકારગાહમાં તમામ સવલતો હોય સાથે શિકાર પ્રવૃતિનો જબરો શોખ હોવાથી નવાબ રાજવી ધણો સમય અહીં વિતાવતા અને પોતાના રાજ્યનું સંચાલન અહીંના મુકામ દરમિયાન ખેપીયા-વહીવટદારો મારફતે કરતા. આમ રાજ્ય વહીવટ એટલે કે ‘શાસન’ અહીંથી થતા ગામનું નામ ‘શાસન’ થયું અને સમય જતાં નામ અપભ્રંશ થઈ ‘સાસણ’ થયેલ અને આ ગામના ભાગમાં સિંહોની વસ્તી વધારે રહેતી હોય શિકારગાહનું નામકરણ પણ ‘સિંહ સદન’ થયેલ.
શિકારગાહમાં વી.આઈ.પી. રૂમનું ૨૦ રૂપિયા ભાડુ –
સાસણમાં લાંબો સમય વનખાતામાં ફરજ બજાવી વયમર્યાદાથી નિવૃત્ત થયેલા અને સમગ્ર ફોરેસ્ટ સ્ટાફ અને અધિકારી વર્ગમાં આદરભયું માન ધરાવતા મનુબાપા સોલંકીએ શિકારગાહ અંગે જણાવેલ કે મારા પિતા પણ નવાબનાં વખતમાં જંગલમાં ગાર્ડ તરીકે હતા. ૧૯૭૭માં જન્મેલા મનુબાપાના પિતાએ તેમના અનુભવો કહેલા તે મુજબ નવાબે જંગલમાં પગી તરીકે રાખેલા શિકારીઓ વિરમમામદ, વાલા વારી, લાખાભાઈ કોળી, ઈસ્માલ શાદત, હેદુ ઉમર, હમીર જેરામ, લખમણ માણસુર આ બધા શિકારીઓ નવાબ સાથે અને ગોરા અમલદારો સાથે શિકાર માટે જંગલમાં જતા. મનુબાપા નોકરીએ લાગ્યા ત્યારે સિંહ સદનમાં વીઆઈપી રૂમનું ૨૦ રૂપિયા, બી કલાસનું ૧૦ રૂપિયા અને સી કલાસરૂમનું ૬ રૂપિયા ભાડુ હતું. જમવાની થાળી ૬ રૂપિયામાં અને ચા આઠ આનામાં મળતી. રાજા-રજવાડાઓએ ગીર જંગલને ખુબ માણ્યું હોવાનું તેમણે જણાવેલ.
સાસણની મુલાકાતે આવેલા ઈન્દિરા ગાંધીએ લાયન શો બંધ કરાવ્યા હતા –
ગીર જંગલની મુલાકાતે આવી સિંહ સદનની મહેમાનગતી દેશ-વિદેશની હસ્તીઓ માણી ચુકી છે. જવાહરલાલ નહેરૂ, એસ.વેંકટરામન, પ્રતિભા પાટીલ, ધીરૂભાઈ અંબાણી, અમિતાભ બચ્ચન સહિતની હસ્તીઓ અહી આવી ચુકી છે. સિંહ જોવા આવતી હસ્તીઓને લાયન શો (મારણ મુકી) સિંહો દેખાડાતા પરંતુ તત્કાલીન વડાપ્રધાન સ્વ. ઈન્દીરા ગાંધીને લાયન શો થી સિંહો દેખાડાતા સિંહો જોવા માટે કરાતી હત્યાથી નારાજ થઈ તેમણે લાયન શો બંધ કરાવેલ ત્યાર બાદ લોકો જંગલમાં જાય અને જોવા મળે તેવી સિંહ દર્શન કરવાની પ્રથા અમલી બની.

No comments: