Wednesday, November 9, 2011

સોરઠવાસીઓમાં છે સિંહ પ્રત્યે અનોખો પ્રેમ-લાગણી.

Source: Jayesh Gondhiya, Junagadh | Last Updated 1:42 AM [IST](09/11/2011)

- સાવજ વિષે વાત કરવામાં ગીરવાસીઓના અવાજનાં તરંગ બદલાઈ જાય છે
‘સિંહણનું દૂધ ઝીલવું હોય તો સોનાનું પાત્ર જોઈએ’ એવી લોકવાયકા પ્રચલીત છે. તેવી રીતે સિંહને સાચવવા માટે ગુજરાતી જેવું જીગર જોઈએ. એશિયાખંડમાં ગીરની ઓળખ સિંહ છે. આ સાવજોની સંભાળમાં સોરઠવાસીઓએ એક કદમ પણ પીછેહઠ કરી નથી. સાવજ વિષે વાત કરવામાં ગિરવાસીઓનાં અવાજનાં તરંગ બદલાઈ જાય છે. સિંહ પ્રત્યે એક અનોખો પ્રેમ-લાગણી જોવા મળે છે.
ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પ્રત્યેની લાગણી છલકતી જોવા મળે છે. ગીર જંગલ અને સિંહની વાત કરવા સમયે ગીરવાસીઓના અવાજના તરંગો બદલાય જાય છે. ગીર જંગલ અને સિંહ દર્શનની મુલાકાતે આવતાં પ્રવાસીઓના દીમાગમાં ગીરની છાપ હંમેશ માટે અંકીત થઈ જાય છે. જંગલ બોર્ડરના ગામોમાં તો સિંહ દર્શન રોજીંદા જોવા મળે છે. ગામનાં વડિલો ગામની સીમમાં સિંહણ આવે અને તે તરફ જાવ તો બાજુમાંથી હાલજો, કોઈ કાંકરી ચારો ન કરે તેનું ધ્યાન રાખજો તેમ કહેતા જોવા મળે છે. આ એક-એક શબ્દમાં સિંહ પ્રત્યેની લાગણી છલકતી જોવા મળે છે. ગુજરાતની પ્રજા જંગલનાં રાજાને એક પ્રાણી તરીકે નહી પરંતુ પોતાના અભિન્ન હિસ્સા તરીકે નિહાળે છે. સિંહના અસ્તિત્વમાં ગુજરાતની પ્રજા અને ગીરવાસીઓનો સિંહફાળો છે. એવું કહેવાય છે કે, સિંહનો રાજવી મીજાજ અને ગુજરાતીઓનું જોમવંતુ ખમીર એક-બીજાને મેળ ખાય છે.
ઊના પંથકના ગીર બોર્ડર નજીકના જુડવડલી, ઈટવાયા, ફાટસર, ખીલાવડ, દ્રોણ, કોદીયા, જેવા ગામોમાં લોકોને સાવજ વિષે પુછો તો હમણા આવશે, કાં હમણા ગયા તેવા જવાબ મળશે. આ રોમાંચ-લાગણીનાં દર્શન કરવા હોય તો એક વખત ગીરમાં આવો તો ખ્યાલ આવે કે ‘યહા હૈ ખુશ્બુ ગુજરાત કી’.
માલધારીઓ સાવજોને પોતાનો પરિવાર માને છે -
જંગલમાં વસવાટ કરતા માલધારીઓ સિંહને પોતાનો પરિવાર માને છે. તેમને પોતાનાં માલઢોરની ચિંતા નથી. પરંતુ ગીરનો સાવજ સલામત રહેવો જોઈએ તેની વધુ ચિંતા છે.
સિંહ જોવા ન મળે તો ગીરવાસીઓ ચિંતિત બને છે - ગીર પંથકમાં સિંહ દર્શન અને સિંહ માટે માનવદર્શન રોજીંદો ક્રમ બની ગયો છે. જો આ ક્રમમાં ફેરફાર થાય તો ગીરવાસીઓ ચિંતીત બની જાય છે.

No comments: