Saturday, November 19, 2011

લીલિયા પંથકમાં વધુ એક સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:47 AM [IST](18/11/2011)
અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા ધીમે ધીમે વધતી જ જાય છે. ખાસ કરીને લીલીયા તાલુકામાં પાછલા ત્રણ મહિનાના ગાળામાં ત્રણ સિંહણોએ બચ્ચાને જન્મ આપ્યા બાદ હવે વધુ એક સિંહણે બવાડી ગામની સીમમાં બે સિંહ બાળને જન્મ આપ્યાનું બહાર આવતા સિંહ પ્રેમીઓ ખુશ થયા છે.
લીલીયા પંથકમાં સાવજોની વસતી કુદકેને ભુસકે વધી રહી છે. અહિં વસતા વિશાળ સાવજ ગૃપમાં હવે વધુ બે સિંહ બાળનો ઉમેરો થયો છે. ગીર જંગલમાંથી નીકળતી શેત્રુંજી નદીના કાંઠે આગળ વધતા વધતા સાવજો છેક લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તાર સુધી પહોંચી ગયા છે. પાછલા એક દાયકાથી અહિં સાવજોનો વસવાટ છે અને તેવી વસતીમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. આ વિસ્તારમાં હવે ૨૫થી પણ વધુ સાવજો હોવાનું કહેવાય છે.
ક્રાંકચ તથા આજુબાજુના વિસ્તારમાં બાવળની કાંટનું વિશાળ જંગલ આવેલુ છે. આ ઉપરાંત શેત્રુંજી નદીના કોતરો સાવજોને માફક આવી ગયા છે. અહિં શિકાર, પાણી અને આશ્રયસ્થાનની ભરમાર હોય સાવજોને આ નવું ઘર ખુબ જ પસંદ પડયુ છે. જેને પગલે અહિંનો સાવજ પરિવાર સતત વિસ્તરતો જાય છે. લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં થોડા દિવસ પહેલા એક સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો હતો. સિંહ પરિવારમાં બે સભ્યોના ઉમેરાથી સિંહ પ્રેમીઓ ભારે ખુશખુશાલ છે.
બચ્ચાં સાથે સિંહણ ખાલપરની બીડમાં પહોંચી -
આ સિંહણના બચ્ચા હાલમાં ૨૫ દિવસ જેટલી ઉંમરના કહેવાય છે. બવાડી ગામની સિમમાંથી બન્ને બચ્ચા સાથે આ સિંહણ હાલમાં ખાલપર ગામની સીમમાં બીડ વિસ્તારમાં સ્થળાંતર કરી ગઇ છે. આ અંગે જાણકારી મળતા વનતંત્રએ આ સિંહણને શોધવા તજવીજ હાથ ધરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-more-one-lioness-born-two-baby-lion-in-liliya-2572839.html

No comments: