Friday, November 4, 2011

કેસર કેરીનાં સંશોધન કેન્દ્ર માટે ૫૦ કરોડ ફાળવાયા.


Source: Bhaskar News, Talala | Last Updated 2:09 AM [IST](21/10/2011)
વિકાસ અને પ્રોત્સાહન માટે ગોષ્ઠી ફળી : તાલાલા પંથકનાં ઉત્પાદક ખેડૂતોને સરકાર દ્વારા દિવાળીનાં પર્વની ભેટ

તાલાલા માર્કેટિંગ યાર્ડમાં વિચાર ગોષ્ઠીનાં કાર્યક્રમમાં કૃષિ મંત્રી દિલીપભાઈ સંઘાણીની મહત્વપૂર્ણ ઘોષણા


ગીર પંથકનાં ખેડૂતોને રાજ્ય સરકારે દિવાળીની ભેટ આપી હોય તેમ તાલાલામાં કેસર કેરી સહિત બાગાયતી પાકોનાં સંશોધન માટે કૃષિ સંશોધન કેન્દ્ર બનાવવા ૫૦ કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરતા ગીર પંથકનાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઇ છે.

માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ગુજરાત એગ્રો ઇન્ડ. કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ અને તાલાલા એ.પી.એમ.સી. દ્વારા યોજાયેલા કેસર કેરીનાં વિકાસ અને પ્રોત્સાહન માટે ગોષ્ઠીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યનાં કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણીએ ગીર પંથકનાં ખેડૂતોને રાજ્ય સરકારે દિવાળીની ભેટ મોકલાવી હોય તેવી તાલાલામાં કૃષિ સંશોધન કેન્દ્ર સ્થાપવા ૫૦ કરોડની જાહેરાતને તાળીઓથી વધાવી લીધી હતી.

કૃષિ મંત્રી દિલીપભાઇ સંઘાણીએ પોતાનાં પ્રવચનમાં જણાવેલ કે કેસર કેરીનાં ગઢ ગણાતા આ ગીર પ્રદેશમાં ખેડૂતો અને ખેતમજૂરોની કાયાપલટ કરવા સાથે ‘ગીર કેસર કેરી’ ને મળેલા ભૌગોલિક ઉપદર્શન માપદંડ - ૧૮૫ ના પ્રમાણને અનુરૂપ મુલ્યવર્ધક બેસ્ટ કવોલીટીની કેસર કેરીનું ઉત્પાદન કરવા તાલાલામાં કૃષિ સંશોધન કેન્દ્ર સ્થાપવાનું સરકારે નક્કી કરેલ કૃષિ સંશોધન કેન્દ્રથી થનારા ફાયદા અંગે કૃષિ નિષ્ણાંતોએ વિસ્તૃત વિગતો ખેડૂતોને સમજાવ્યું હતું.

ગુજરાત એગ્રો ઇન્ડ. ના ચેરમેન મનસુખભાઇ માંડવીયાએ એક્ષપોર્ટ લાયક કવોલીટીની કેસર કેરીનું ઉત્પાદન કઇ રીતે થઇ શકે અને ગીર કેસર કેરી પ્રમાણ મળવાથી કેરી ઉત્પાદક ખેડૂતો તેનો શું ફાયદો લઇ શકે તેની વિગતો આપેલ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ડૉ. એન.સી. પટેલે કૃષિ સંશોધન કેન્દ્રથી સારી જાતનાં બીયારણો, ફળ-ફળાદીનું ઉત્પાદન થઇ શકશે.

તેમજ કેરીનાં પાક પહેલા અને કેરી ઉતરવાનાં સમયે ખેડૂતોએ શું - શું બાબતો ધ્યાને રાખવી તેની સમજણ આપેલ, કાર્યક્રમમાં મંત્રી કનુભાઇ ભાલાળા, સંસદીય સચીવ એલ.ટી. રાજાણી જિલ્લા ભાજપ પ્રમુખ માધાભાઇ બોરીયા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર સહિતનાં અગ્રણીઓ હાજર રહ્યા હતાં. ગીર પંથકનાં ખેડૂતો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં.

સાત તાલુકાને સીધો ફાયદો

તાલાલામાં સ્થપનારા બાગાયત સંશોધન કેન્દ્રનો સીધો લાભ તાલાલા ઉપરાંત મેંદરડા, માળીયા, વિસાવદર, ગીરગઢડા, કોડીનાર, ઊના, વેરાવળને થશે. કારણ કે તાલાલા દરેક વિસ્તારોની વચ્ચે હોય અન્ય તાલુકામાં ખેતીવાડી કે બાગાયત ને લગતા કોઇ રોગ આવશે તો તેના નિરાકરણ માટે અનુભવી કૃષિ તજજ્ઞો સીધા તાલાલાથી નજીકનાં સ્થાને પહોંચશે. લેબોરેટરી પણ તાલાલા થઇ શકશે. જેથી સોરઠનાં સાત તાલુકાને સીધો ફાયદો થશે.

યાર્ડનાં ચેરમેન અને ડિરેક્ટરોની મહેનત ફળી

તાલાલામાં કૃષિ બાગાયત સંશોધન કેન્દ્ર અપાવવા છેલ્લા બે વર્ષથી મહેનત કરતાં માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન વલ્લભભાઇ ચોથાણી સહિત યાર્ડનાં ડિરેક્ટરોની મહેનત રંગ લાવી સરકાર દ્વારા યોજાયેલા સરકારે ગત વર્ષે ગરીબ કલ્યાણ મેળામાં અને થોડા માસ પહેલા તાલાલામાં યોજાયેલા ‘ચલો તાલુકે’ કાર્યક્રમમાં ગીરનાં પ્રતિનિધિ તરીકે યાર્ડનાં ચેરમેન વલ્લભભાઇ ચોથાણી અને સરકારનાં મંત્રીઓ સમક્ષ સંશોધન કેન્દ્ર આપવાની કરેલી રજૂઆતો સરકારે સ્વીકારી સંશોધન કેન્દ્ર આપતા ગીરનાં ખેડૂતો ચેરમેન વી.એસ. ચોથાણી સહિત માર્કેટિંગ યાર્ડની ટીમ ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે. બાગાયત સંશોધન કેન્દ્ર માર્કેટિંગ યાર્ડની નજીક આવેલા જીલ્લા પંચાયત હસ્તકની સાસણ રોડ ઉપર આવેલ જમીન જે પડતર હતી તેના ઉપર આકાર લેશે.

No comments: