Tuesday, November 29, 2011

ગીર જંગલમાં ૧૭ કિ.મી.ની સફાઇ કરતા છાત્રો.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:50 AM [IST](29/11/2011)
 - ‘દિવ્ય ભાસ્કર’ આયોજીત અભિયાનમાં મેલડી આઇ ચેકપોસ્ટથી કનકાઇ સુધીમાં પ્લાસ્ટીકનો કચરો દૂર કરાયો
વિસાવદર ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આયોજીત સફાઇ અભિયાનમાં મેલડી આઇ ચેકપોસ્ટથી કનકાઇ મંદિર સુધી ૧૭ કિ.મી. નાં જંગલની સફાઇ કરવામાં આવી હતી. આ અભિયાનમાં વિસાવદર નગરપાલિકા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વન વિભાગનાં કર્મચારીઓ જોડાયા હતાં.
વિસાવદર ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આજે જંગલ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં વિસાવદર નગરપાલિકા હાઇસ્કૂલનાં શિક્ષકો અને ૫૫ વિદ્યાર્થીઓ સાથે વનવિભાગનાં કર્મચારીઓ પણ જોડાયા હતાં. આ અભિયાન અંતર્ગત જંગલનાં પ્રવેશ દ્વાર મેલડી આઇ ચેક પોસ્ટથી ગીર મધ્યમાં આવેલા કનકાઇ મંદિર સુધીનાં ૧૭ કિ.મી. જંગલમાં પડેલા વેફર્સ, પાણી, પાન-માવા અને ગુટખાનાં પાઉચ સહિત વન્ય પ્રાણીઓને હાનિકર્તા ૩૦ કિલો જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
જે નગરપાલિકાની સતાધાર રોડ પર આવેલી ડમ્પીંગ સાઇટ પર નાંખવામાં આવ્યો હતો. આજે સવારનાં ૮:૪૫ વાગ્યાથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે બપોરે ૧૨:૧૫ વાગ્યાનાં અરસામાં કનકાઇ મંદિર સુધી સફાઇ કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કનકાઇ મંદિરનાં સંચાલક દેવાંગભાઇ ઓઝા દ્વારા બપોરે સફાઇ અભિયાન દરમિયાન ન.પા. બરોનાં પ્રમુખ મનિષભાઇ રબિડીયાએ છાત્રોને બિસ્કીટ, પીપરમેન્ટ આપી તેમને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
તમામને ભોજન - પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકા હાઇસ્કૂલનાં શિક્ષક રમેશભાઇ હરખાણી, ડૉ. મયુરભાઇ ઉંધાડ, ડોબરીયા સાહેબ અને વાળા સાહેબ સહિત આર.એફ.ઓ. એન.એમ. જાડેજા તેમજ વર્માભાઇ, ભાલિયાભાઇ, મકવાણાભાઇ, ભટ્ટીભાઇ, પઠાણભાઇ અને મોરીભાઇ સહિત વન વિભાગનાં કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
એ.સી.એફ.નું માર્ગદર્શન મળ્યું -
‘દિવ્ય ભાસ્કર’ આયોજીત અભિયાનનાં આમંત્રણને માન આપી જામવાળા રેન્જનાં એ.સી.એફ. ડૉ. અંશુમન પણ ઉપસ્થિત રહ્યા હતાં. ડૉ. અંશુમને વિદ્યાર્થીઓને જંગલમાં રહેલા કચરાથી વન્ય સૃષ્ટિને થતાં નૂકશાન અંગે માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને વ્યસનથી થતા રોગો અંગે માર્ગદર્શન આપી વ્યસન મૂકત થવાની સલાહ પણ આપી હતી. જ્યારે ‘દિવ્ય ભાસ્કર’નાં આ અભિયાનને અભિનંદન પાઠવી આ પ્રવૃતિ કરવા બદલ આભાર પણ માન્યો હતો.

No comments: