Monday, November 7, 2011

જંગલમાં ધમધમતા ૬પ અન્નક્ષેત્રો, નિઃશુલ્ક ભોજન.

જૂનાઢ, તા.૫:

ગિરનારની પરિક્રમામાં ઉમટતા લાખ્ખો ભાવિકોને પ્રેમ પૂર્વક ભોજન કરાવવા માટે જંગલના દૂર્ગમ માર્ગ પર ૬પ જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રોટલા-રોટલી, શાક, ઓળો અને દાળ-ભાત, કઢી-ખિચડી જેવા સાત્વિક ભોજન સાથ પંજાબી શાક, લાઈવ ઢોકળા, ઉત્તપમ જેવી વાનગીઓની સાથે ચોખ્ખા ઘીના લાડવા અને શીરો ભાવિકોને પિરસવામાં આવી રહ્યા છે. પાંચ-છ દિવસ દરમિયાન સાત લાખથી વધુ લોકોને ભોજન કરશે.
પંજાબી શાક, ઢોકળા, પાંઉ-ભાજી, ભજીયા, વણેલા ગાંઠીયા, ઉત્તપમ વગેરેનું ચટાકેદાર મેનું તૈયાર

પ્રસંગોમાં ૬૦૦ કે, ૭૦૦ લોકોની ભોજન વ્યવસ્થા ગોઠવવી હોય તો પણ અનેક પ્રકારના આયોજનો કરવા પડે છે. પરંતુ ગિરનારની પરિક્રમામાં લાખ્ખો યાત્રિકો માટે આપોઆપ ભોજન વ્યવસ્થા ગોઠવાઈ જાય છે. વનવિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ વખતે પરિક્રમાના ૩૬ કિ.મી.ના માર્ગ પર યાત્રિકોને ભોજન કરાવતા ૬૦ થી ૬પ જેટલા અને ચા-પાણી પિવડાવતા ૩પ થી ૪૦ જેટલા અન્નક્ષેત્રોને મંજૂરી આપવામાં આવી છે. એકાદ દાયકા પહેલા સુધી અન્નક્ષેત્રોમાં યાત્રિકોને પંગતમાં બેસાડીને ભોજન પિરસવામાં આવતું હતું. પરંતુ હવે, બૂફેની માફક વ્યવસ્થા હોય છે. જેથી, ભોજનનો બગાડ પણ ઓછો થાય છે. સફાઈની વ્યવસ્થામાં સરળતા રહે છે. જો કે, આજે પણ કેટલાક અન્નક્ષેત્રોમાં પરંપરાગત રીતે ભાવિકોને બેસાડીને ભોજન કરાવવામાં આવે છે.

પરિક્રમા માર્ગ પર જીણાબાવાની મઢી અને બોરદેવી ખાતે વધુમાં વધુ પ્રમાણમાં અન્નક્ષેત્રો હોય છે. રાજકોટ, સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી સેવાભાવી કાર્યકરોની ફૌજ સાથે જુદી જુદી સંસ્થાઓ આવીને લાખ્ખો યાત્રિકોને ભોજન કરાવે છે. પોતાના કામ-ધંધા, નોકરી છોડીને આવતા સ્વયંસેવકો પરિક્રમા કરવા કરતા પણ, યાત્રિકોને ભોજન કરાવવામાં વધુ પૂણ્ય મેળવ્યાનો અહેસાસ કરે છે. લખ્ખો યાત્રિકોને ભોજન કરાવવા માટે અનેક અનામી દાતાઓ છૂટ્ટા હાથે દાન આપે છે. ઘણા દાતા પણ અન્નક્ષેત્રના સેવાયજ્ઞામાં ઉત્સાહભેર જોડાય છે. સંખ્યાબંધ મુસ્લિમ કાર્યકરો સેવા કરવા માટે નિઃસ્વાર્થ ભાવે આવી પહોંચે છે.

લાખ્ખો યાત્રિકોના ભોજન માટે શું કેટલું વપરાશે ??

* ચણાનો લોટ - ૮૦ ટનથી વધુ

* તેલના ડબ્બા - ૩ થી ૪ હજાર

* ચોખ્ખા ઘી ના ડબ્બા - પ૦૦ જેટલા

* શાકભાજી/બટેટા - ૧ હજાર કિલોથી વધુ

* ખિચડી - ૧પ૦૦ કિલો

* ચોખા(ભાત) - પ૦૦ કિલો

* છાશ(કઢી માટે) - ૩ હજાર લીટરથી વધુ

* ઘંઉ - પ૦૦ થી ૬૦૦ કિલો

* બાજરો - ૭૦૦ થી ૮૦૦ કિલો

* રવો - રપ૦ કિલો

અન્નક્ષેત્રોની અવનવી વાનગીઓનો રસથાળ

* પંજાબી શાક

* લાઈવ ઢોકળા

* પાંઉ-ભાજી

* ઉત્તપમ

*વણેલા ગાંઠીયા

* જલેબી

* મરચી વડા

* બટેટા વડા

*મેથીના ભજીયા

* ફરસાણ

* પાપડ

* ચોખ્ખા ઘી નો શીરો

* ચૂરમાના લાડું

* રોટલી

* રોટલા

* કઢી-ખિચડી

* દાળ-ભાત

*જુદા જુદા શાક

* બુંદી

* મોહનથાળ

* બુંદીના લાડુ

* છાશ