Friday, November 4, 2011

બે સિંહ અને એક દીપડા વચ્ચે થયું યુદ્ધ, કોણ જીત્યું હશે ?

Source: Bhaskar News, Dhari | Last Updated 2:13 AM [IST](03/11/2011)
 
- પાણિયાની સીમમાં બે સિંહે દીપડાને ફાડી ખાધો

- મારણ સમયે દીપડો દેખાતા સાવજો વિફર્યો

ગીર જંગલ પર સાવજોની આણ વર્તાઇ રહી છે. દિપડો પણ અહિંનો હિંસક અને ઝનુની પ્રાણી જરૂર છે પરંતુ જંગલનો રાજા તો સિંહ જ છે. તેની પ્રતિતી કરાવતા અનેક બનાવો સમયાંતરે બનતા જ રહે છે. આવી જ એક ઘટનામાં ચીંકારાના મારણ વખતે બાધારૂપ બનનાર એક દિપડાને બે સાવજોએ મારી નાખ્યો હતો. આ ઘટના ગીર પૂર્વની પાણીયા રેંજમાં બની હતી.

સિંહ અને દિપડા વચ્ચેની ફાઇટમાં વધુ એક વખત મોત દિપડાના ભાગે આવ્યુ છે. ગીર પૂર્વની પાણીયા રેંજમાં પાણીયા ગામની સીમમાં બીડ વિસ્તારમાં ગઇરાત્રે બે સાવજોએ આક્રમક બની એક દિપડાને મારી નાખ્યો હતો. આશરે બે થી અઢી વર્ષની ઉંમરના દિપડાનો મૃતદેહ બીડ વિસ્તારમાં મળી આવતા પાણીયાના આરએફઓ યુ.એન. લલીયા સ્ટાફ સાથે અહિં દોડી ગયા હતા.દિપડાને પીઠના ભાગે કોઇ હિંસક પશુએ ગંભીર પશુએ ઇજા પહોંચાડી હોય તેવા નિશાન હતા. આસપાસના વિસ્તારમાં બે સિંહની હાજરીના સગડ પણ મળી આવ્યા હતા.

નજીકમાં જ એક ચીંકારાનું મારણ કરવામાં આવ્યુ હતુ જેને પગલે જંગલખાતાએ એવું અનુમાન લગાવ્યુ હતુ કે ચીંકારાના મારણ માટે બન્ને સાવજોએ દિપડા પર હુમલો કરી તેના રામ રમાડી દીધા હતા. અને બાદમાં બન્ને વિજયી સાવજો ત્યાંથી ચાલી નીક્યા હતા.

વન વિભાગે દિપડાના મૃતદેહનું સ્થળ પર જ પોસ્ટ મોર્ટમ કર્યું હતુ અને વિશેરાના જરૂરી નમુના લઇ મૃતદેહના નીકાલ માટે તજવીજ હાથ ધરી હતી. સિંહ અને દિપડા વચ્ચે આ પ્રકારની ફાઇટની ઘટના અવાર નવાર બનતી જ રહે છે. લગભગ દરેક કિસ્સામાં વિજય સિંહનો જ થાય છે. અને આ કિસ્સામાં પણ તેવું જ બન્યું હતું.

No comments: