Saturday, November 5, 2011

પોરબંદરમાં કુંજ પક્ષીઓનો થઇ રહેલો બેફામ શિકાર.

પોરબંદર, તા. ૪
દર વર્ષે શિયાળાની ઋતુમાં ઓસ્ટ્રેલિયા તથા ઠંડા દેશોમાંથી લાખોની સંખ્યામાં કુંજ (પક્ષી)ઓ પોરબંદર વિસ્તારમાં ઉતરી પડે છે. પરંતુ તેમનો શિકાર વનવિભાગની મીઠી નજર હેઠળ જ થતો હોવાની ચોંકાવનારી રજૂઆતો કરવામાં આવી છે અને જો વનવિભાગ નહીં જાગે તો તેની સામે ઉપવાસની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.
વનવિભાગ સામે ઉપવાસની ચિમકી
પોરબંદરના એડવોકેટે અગ્ર મુખ્ય વનસંરક્ષકને પત્ર પાઠવી જણાવ્યું છેકે પોરબંદર વનવિભાગના અધિકારીઓની મીઠી નજર તળે પક્ષીઓનો બેફામ શિકાર થાય છે. આસપાસના જળપ્લાવિત વિસ્તારો જેવા કે મોકર રણ, કર્લી જળાશય, બરડાસાગર ડેમ, કુછડી ખાડી, વિસાવાડા તળાવ, મ્યાણી ટુકડા, સુકાળા તળાવ, કોલીખડા તળાવ, બાપોદરા પાદરડીના તળાવો અને બખરલા સહિતના વિસ્તારોમાં કુંજ અને કર્કરા પક્ષીઓ મોટા પ્રમાણમાં ઉતરી આવ્યા છે.
પરંતુ વન વિભાગના અમુક અધિકારીઓ તથા કર્મચારીઓના પાપે રાત્રે માછીમારીના બહાના તળે કેટલાક શિકારીઓ માછલાના શિકાર કરે છે અને પોરબંદર તથા જામનગર વિસ્તારની મોટી રેસ્ટોરન્ટમાં નંગદીઠ પક્ષીની લાશના રૃપિયા મેળવે છે અને પક્ષીના માંસને આરોગવાના શોખીનો મોં માંગ્યા પૈસા આપી દે છે.
શિકારીઓ ઝેરી મગફળીના દાણા દ્વારા તથા જાળમાં ફસાવીને અને પતંગનો ફાંસલો બનાવી કુંજ પક્ષીઓને ફસાવે છે. જો વનવિભાગની બેદરકારીથી આ વર્ષે એકપણ કુંજ પક્ષીનો શિકાર થશે તો તેની લાશને સાથે રાખીને વનખાતાની ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી અપાઇ છે.

No comments: