Tuesday, November 29, 2011

ઉનાનાં ધોકડવાની વાડીએ વીજ શોક લાગવાથી સિંહણનું મોત.


ઉના, તા. ૨૮
ઉનાના ધોકડવા ગામની સીમમાં સિંહણનો મૃતદેહ મળી આવતા જંગલ ખાતાનાં કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. ધોકડવાની સીમમાં શાહી નદી કાંઠા વિસ્તારમાંનાં સામેની તરફ આવેલ જગદિશભાઇ વિરાભાઇ માળવીની વાડી પાસે એક અવાવરૃ કૂવા નજીક પીપળનાં ઝાડ ઉપર એક છ વર્ષની સિંહણનો મૃતદેહ લટકતો હોવાની ચોંકાવનારી વિગતની જાણ વન્ય વિભાગને થતા જસાધાર રેન્જના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા. ઝાડ પર લટકતો છ વર્ષની સિંહણનો મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારાયો હતો. સિંહણનું મોત વન ખાતાનાં અધિકારીને શંકાસ્પદ જણાતા ફોરેસ્ટ વિભાગની ડોકટરની પેનલ બોલાવી આ સિંહણના મોત અંગેની તપાસ હાથ ધરી મોત પાછળનું કારણ શોધવા પ્રયત્ન હાથ ધર્યા હતા.
  • સિંહણનો મૃતદેહને કૂવામાં નાખી બનાવ છૂપાવવા પ્રયાસ કર્યો પણ..
વનરક્ષકોના જણાવ્યા મુજબ ધોકડવાની સીમમાં શાહી નદીનાં કાંઠે વાડી ધરાવતા પંચોળા પરિવારનાં બે ભાઇઓની જમીન આવેલી હોય આ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોઈ પાકને જંગલી ભૂંડના ત્રાસથી સુરક્ષિત રાખવા વાડી ફરતે જીવતા વાયર મૂકવામાં આવ્યા હતા. ગત રાત્રીના આ વિસ્તારમાં આવી ચડેલી છ વર્ષની સિંહણ જીવંત વીજ વાયરને સ્પર્શી જતા જોરદાર ઇલે. શોક લાગવાથી સિંહણનું ઘટના સ્થળે તરફડીને મોત નિપજ્યું હતું. આ સિંહણનાં મોતને છુપાવવા આ વિસ્તારનાં ખેડૂતે આ સિંહણનાં મૃતદેહને ઢસડી બાજુમાં અન્ય વાડી નજીક અવાવરૃ કૂવામાં નાખી, બનાવ પર પડદો પાડી દેવાનાં પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિંહણનો મૃતદેહ કૂવામાં ન પડતા કૂવાની આસપાસ ઝાડ પર આ લટકતો રહ્યો હતો. રાત્રીનાં સમયે વન વિભાગનાં અધિકારી એ.સી.એફ. ધામી ડી.એફ.ઓ. રાજા તેમજ જસાધાર રેન્જના આર.એફ.ઓ. આહીર ઘટના સ્થળે દોડી જઇ આ બનાવના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી. આ બનાવની તપાસ હાથ ધરતાં જે સ્થળેથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો. એ જગ્યાએથી થોડે દૂર એક વાડીમાં ઇલેકટ્રીક વાયરો જેવા પુરાવા જોવા મળતા અને આ ઘટના ઇલેકટ્રીક વાયરના શોક સરકીટના કારણે બની હોય તેવું સ્પષ્ટ દેખાઇ આવતાં અને સિંહણનાં પગનાં નિશાનો પણ આ વિસ્તારની હદમાં જોવા મળતાં આ ઘટના સમગ્ર વનવિભાગ ચોંકી ઉઠયો હતો. સિંહણના મોત અંગે ઘટના સ્થળેથી પી.એમ. કરવાનું શરૃ થયું છે. વિવિધ પ્રકારનાં નમૂના લઇ એફ.એસ.એલ.ની મદદથી આ બનાવનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધરાશે.
પાપ ઝાડ પરથી પોકાર્યુ !
ઉના : સિંહણનો ભોગ લેવાયાનાં બનાવ પર ઢાંક પીંછોડો કરવા સિંહણને કૂવામાં નાખવાનું હીન કૃત્ય કર્યુ હતું. સિંહણને ઢસડી હોવાના અને નિશાન તથા ઇલેકટ્રીક વાયરો મૂકવાનાં નિશાન પણ વન ખાતાની નજરે ચડયા હતા. સિંહણનું મોત શોર્ટ સરકીટનાં કારણે થયું હતું અને ગુનાને દબાવી દેવા ખેડૂત દ્વારા પ્રયત્ન કરાયો હતો. સિંહણનો મૃતદેહને અવાવરૃ કૂવામાં નાખવા જતા કૂવાની ફરતે ઝાડ હોવાનાં કારણે સિંહણનો મૃતદેહ ઝાડ પર લટકતો રહ્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=12844

No comments: