Wednesday, November 9, 2011

ઈકો ફ્રેન્ડલી અન્નક્ષેત્ર, ભાવિકોને ભોજન સાથે પ્રકૃતિનું કરાતું જતન.

જૂનાગઢ, તા.૮:
પરિક્રમા દરમિયાન ગિરનાર જંગલમાં ઉમટી પડતા લાખ્ખો યાત્રિકોની સેવા કરવા માટે અનેક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્રો ચલાવવામાં આવે છે. પરંતુ બોરદેવી વિસ્તારમાં ચાલતા એક અન્નક્ષેત્રમાં યાત્રિકોની સેવા સાથે પર્યાવરણ અને જંગલની જાળવણી કરવાનું અનેરૂ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અહીના કાર્યકરો પાણી દૂષિત ન થાય તેનું ધ્યાન રાખવાથી માંડીને દરરોજ જંગલમાં પડેલું પ્લાસ્ટિક વિણવા માટે નિકળી પડે છે.

આખો દિવસ કાર્યકરો પાણીને દૂષિત થતું બચાવી પ્લાસ્ટિકનો કચરો પણ એકત્ર કરે છે
પરિક્રમા માર્ગ પર વિસ્તારમાં જાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઈકો ફ્રેન્ડલી અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે. બોરદેવી રોડ પર ખોડિયાર ઘોડી ખાતે ગણદેવી નાલા પાસે આ ટ્રસ્ટ દ્વારા પરિક્રમાર્થીઓને ભોજન કરાવવાની સાથે સાથે પ્રકૃતિનું જતન પણ કરવામાં આવી રહ્યું છે. અહીથી પસાર થતા નાલાનું પાણી દૂષિત ન થાય તે માટે કાર્યકરો વહેલી સવારથી મોડી રાત સુધી નાલા પાસે ઉભા રહીને લોકોને સાબુ, પાઉડરનો ઉપયોગ કરતા અને પાણીને દૂષિત કરતા રોકે છે. અહીના પુલ પર આ અન્નક્ષેત્રના કાર્યકરો દ્વારા બેરીકેટ બનાવવામાં આવી છે. જેથી કરીને કોઈ નાલામાં જઈને પાણીને દૂષિત ન કરે. આ ઉપરાંત વહેલી સવારે બન્ને તરફના રસ્તે પ૦૦ મીટર જેટલા અંતરમાં ફરીને જંગલમાં પડેલો પ્લાસ્ટિકનો તમામ કચરો કાર્યકરો એકત્ર કરી લે છે. જયંતિલાલ બચુભાઈ દેવમુરારી,
મયુરભાઈ, ભીખુભાઈ અને કિશોરભાઈ દેવમુરારીના માર્ગદર્શન હેઠળ પ૦ જેટલા કાર્યકરો આ સેવાયજ્ઞામાં જોડાયા છે. ભાવિકોને ભોજન કરાવવાની સાથે તેઓ પર્યાવરણના રક્ષણની નૈતિક જવાબદારી નિભાવી રહ્યા છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ આ સેવા પ્રવૃતિ નિહાળીને પ્રભાવિત થયા છે.

No comments: