Thursday, November 17, 2011

પોલીસ મથકમાં સાપ ઘુસ્યો અને પછી થઈ જોવા જેવી.

 Source: Bhaskar News, Rajula   |   Last Updated 12:16 AM [IST](17/11/2011)
રાજુલા પોલીસ મથકમાં આજે સાંજના સુમારે એક ખુંખાર સાપ આવી ચડતા અને આ સાપ આરોપીઓની ઓરડીમા ધુસી જતા આરોપીઓ ભયના માર્યા સળીયાઓ પકડીને ટિંગાઇ ગયા હતા બાદમાં આ સાપ ઓરડીમાંથી બહાર આવતા પોલીસ પણ ઉભી પુછડીયે ભાગી હતી. થોડીવાર માટે દેકારો મચી જતા આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકોના ટોળા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા.
રાજુલામાં પોલીસ મથક હાલ ભાડાના મકાનમાં બેસે છે. તેમજ આરોપીઓને રાખવા માટે લોખંડની જાળીવાળી ઓરડી બનાવવામાં આવી છે અને પોલીસને બેસવા બે ત્રણ ટેબલો રાખવામાં આવ્યા છે.
ત્યારે આજે સાંજના ૭:૩૦ કલાકે એક ખુંખાર સાપ પોલીસ મથકમાં આવી ચડતા દેકારો મચી ગયો હતો. આ સાપ આરોપીઓને રાખવામાં આવતી ઓરડીમાં ઘુસી જતા આરોપીઓ લોખંડના સળીયાઓ પકડીને ટિંગાઇ ગયા હતા અને દેકારો મચાવી દીધો હતો.
સાપ ઓરડીમાંથી બહાર આવતા પોલીસ કર્મીઓમાં પણ નાસભાગ મચી ગઇ હતી. ત્યારબાદ આ સાપ એક ખાડામાં ઉતરી જતા મામલો શાંત થયો હતો. પોલીસ મથકમાં દેકારો મચતા લોકો જોવા માટે દોડી આવ્યા હતા. પી.આઇ હરેશ વોરાએ તુરત રાજુલા સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઇને જાણ કરતા તેઓ ટીમ સાથે આવી પહોંચ્યા હતા અને મહામહેનતે સાપને પકડી પાડયો હતો. અશોકભાઇએ જણાવ્યું હતું કે આ સાપ માદા હોય અને કાછળી ઉતારવા માટે તૈયારી કરતી હોય અને પીડા અનુભવી રહી હોય આ રીતે આમથી તેમ દોડે છે.
અશોકભાઇ ઘણા સમયથી સર્પ પકડવાની સેવા કરી રહ્યાં હોય આ સેવાને બિરદાવવા થોડા સમય પહેલા એક દાતા તરફથી તેઓને મોટર સાઇકલ ભેટ આપવામાં આવી હતી જેથી તેઓ સમયસર પહોંચી સર્પને પકડી શકે. તેઓએ સર્પને પકડી લેતા પોલીસ અને આરોપીઓએ હાશકારો અનુભવ્યો હતો.

No comments: