Thursday, November 17, 2011

ગાગડીયો નદીનાં પુલ પર ૧૧ જંગલના રાજાનાં ધામા.

 Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:25 AM [IST](17/11/2011)
- સાવજોના ધામાથી થોડોક સમય વાહન વ્યવહાર થંભી ગયો
લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારમાં વસતા સાવજો ગમેત્યારે ગમે તે વિસ્તારમાં લટાર મારવા નીકળી પડે છે. એક સમયે જંગલના રાજા ગણાતા સાવજો હવે આ વિસ્તારના પણ રાજા છે. આજે લીલીયા-ક્રાંકચ રોડ પર સવારના સમયે ગાગડીયો નદીના પુલ પર એક સાથે અગીયાર સાવજોના ટોળાએ વિહાર કરતા વાહન વ્યવહાર થંભી ગયો હતો. આજુબાજુની વાડીઓ વાળા પણ ભયભીત થઇ ગયા હતા. જો કે લાંબુ રોકાણ કર્યા વગર સાવજો અહિંથી આગળ નીકળી ગયા હતા.
લીલીયા તાલુકામાં ખારાપાટ વિસ્તારમાં સાવજો રસ્તા પર આવી જઇ ધામા નાખે તે ઘટના હવે નવી નથી રહી પરંતુ આજે તો એક સાથે અગીયાર સાવજોનું ગૃપ રસ્તા પર આવી ગયુ હતુ.
સવારે સાડા સાતેક વાગ્યાના સુમારે લીલીયા-ક્રાંકચ રોડ પર ગાગડીયા નદીના પુલ પર એક સાથે અગીયાર સાવજો આવી ગયા હતા જેને પગલે અહિંનો વાહન વ્યવહાર થંભી ગયો હતો. ખાસ કરીને મોટર સાયકલ જેવા નાના વાહનોને તો સાવજોથી ઘણે દુર ઉભુ રહી જવુ પડયુ હતુ.
જો કે આ સાવજો પુલ પર લાંબો સમય રોકાયા ન હતા પરંતુ સાવજો પોતાના વાડી-ખેતરો તરફ આવશે તેવા વિચારે આજુબાજુના વાડી-ખેતરોના માલીકો પણ ડરી ગયા હતા. આ ઉપરાંત સીમમાં માલ ઢોર ચરાવનારા લોકોને પણ વાયુવેગે સંદેશો મળી જતા તેઓ માલઢોર લઇ ગામમાં પરત ફરી ગયા હતા. થોડા સમય બાદ સાવજોએ અહિંથી આગળની દિશામાં પ્રયાણ કર્યું હતુ જેને પગલે આ રોડ પરનો વાહન વ્યવહાર પણ પૂર્વવત થયો હતો. સાવજો બાવળની કાંટમાં જંગલ તરફ નીકળી જતા ખેડૂતોએ હાંશકારો અનુભવ્યો હતો.

જંગલના રાજા રહેણાંક વિસ્તારનાં પણ રાજા બન્યા -

લીલીયાનાં ખારાપાટા વિસ્તારમાં સાવજોની સંખ્યા પ્રતિદિન વધી રહી છે ત્યારે આ સાવજો આ વિસ્તારની આજુબાજુ આવેલી રહેણાંક વિસ્તારોમાં પણ ઘુસી આવતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે આ સાવજો ફકત જંગલનાં જ રાજા રહ્યાં નથી હવે રહેણાંક વિસ્તારનાં પણ રાજા બની બેઠા છે.

No comments: