Friday, November 4, 2011

સમય પહેલા પરિક્રમા શરૂ ન કરવા યાત્રિકોને તાકીદ.

જૂનાગઢ, તા.૨
પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. પરિક્રમા રૂટ પર સફાઈ વ્યવસ્થા સહિતની તમામ કામગીરીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે દેશ-વિદેશથી પરિક્રમા અર્થે આવતા પરિક્રમાર્થીઓને વન્ય પ્રાણીઓને ન છંછેડવા, જંગલ વિસ્તારમાં ચુલા કે તાપણા ન સળગાવવા તેમજ જંગલમાં પ્રદુષણ ન ફેલાવવાનની અપિલ કરવામાં આવી છે.
  • જંગલમાં છકડો રિક્ષા લઈ જવા પર પ્રતિબંધ
ગિરનારના પ્રાકૃતિક વાતાવરણમાં યોજાતી પરંપરાગત પરિક્રમામાં દર વર્ષે લાખોની મેદની ઉમટી પડે છે. દેશ કક્ષાએ પ્રચલિત આ પરિક્રમામાં આવતા યાત્રિકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વન વિભાગ સહિતના તંત્ર દ્વારા તમામ રૂટની સફાઈ, પાર્કિગ વ્યવસ્થા, પાણી, અન્નક્ષેત્રો સહિતની તમામ કામગીરીનો મહિના પહેલા જ પ્રારંભ કરી દેવામાં આવે છે.
દર વર્ષે હજારો પરિક્રમાર્થીઓ નિયત સમય પહેલા જ પરિક્રમા પુરી કરી દે છે. ત્યારે આગામી તા.૬ થી ૧૦ દરમિયાન યોજાનાર ગરવા ગિરનારની પરિક્રમામાં નિયત સમય પહેલા વ્યવસ્થાના અભાવે કોઈ અણબનાવ ન બને તે માટે સમય પહેલા પરિક્રમા શરૂ ન કરવાની પરિક્રમાર્થીઓને અપિલ કરવામાં આવી છે.
દરમિયાનમાં છકડો રીક્ષામાંથી ખુબજ પ્રમાણમાં ધુમાડો નીકળે છે. જેને કારણે ઉડતી ધુળની ડમરીઓમાંથી પ્રદુષણ ફેલાય છે.
ત્યારે ગિરનાર જંગલ વિસ્તાર પ્રદુષણ મુક્ત બને તેમજ પરિક્રમા રૂટ અતિશય ઢોળાવ વાળી હોવાથી લોકોની તેમજ વન્ય પ્રાણીઓની સલામતિને ધ્યાને લઈ આ રૂટ પર છકડો રીક્ષાની અવર-જવર પર ગત તા.૧૦ના રોજ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવાયો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=343886

No comments: