Thursday, November 17, 2011

તાલાલા પંથકની શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી.


તાલાલા તા.૧૬,

તાલાલા ગીર અને આસપાસના ગીર વિસ્તારમાં છેલ્લા એક માસથી સતત આવી રહેલા ભુકંપના આંચકાઓના કારણે લોકો ચિંતિત બન્યા છે. બે દિવસ પહેલા શાળા કોલેજોમાં વેકેશન પુરૂ થતાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાયો છે. પણ ભુકંપના સતત ડરના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી રહે છે.
  • આપતિ વ્યવસ્થાપન માટે તાલાલા તાલુકાના આચાર્યો, સંચાલકોની બેઠક મળી
અવિરત આવી રહેલા આંચકાઓ અંગે મંથન કરવા અને ભુકંપની સ્થિતિને પહોંચી વળવા આપતિવ્યવસ્થાપન માટે તાલુકાના અસરગ્રસ્ત ગામોની માધ્યામિક શાળાઓના આચાર્યો તેમજ સંચાલક મંડળના આગેવાનોની તાલાલા ખાતે બેઠક મળી હતી. જેમાં ભુકંપની સ્થિતિ સામે ઝુઝવા સરકાર તરફથી સાધનસામગ્રી સહિતની સુવિધાઓ આપવા માંગ ઉઠાવવામાં આવી હતી.
 વેકેશન પુરૂ થતાં સોમવારથી શાળાઓમાં શિક્ષણ કાર્ય ચાલુ થયું છે. પરંતુ ભુકંપના ભયથી વાલીઓ બાળકોને શાળાએ મોકલવામાં ભારે હિચકિચાટ અનુભવે છે.
આ સ્થિતિમાં શું કરવુ અને ભુકંપના કારણે શાળાના મકાનોને થયેલા નુકસાન અંગે શિક્ષણ વિભાગને વાકેફ કરવા અને યોગ્ય માર્ગદર્શન માટે રજુઆત કરતો ઠરાવ આ બેઠકમાં કરાયો હતો. તાલાલા પંથક ભુકંપનું એપી સેન્ટર હોય આ વિસ્તારમાં ભુકંપની વધુ અસર થતી હોવાથી શાળા કક્ષાએ દરેક સંસ્થાઓએ ભુકંપ અંગે સાવચેત રહેવા અને
આપતિ નિવારણ માટે શકય તેટલી વ્યવસ્થા કરવા ઉપરાંત બાળકો અને વાલીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન સહિત કુદરતી આફતો સામે સાવચેતીની કાર્યવાહી કરવા નકકી કરાયુ હતું.
આ અંગે એક આવેદનપત્ર તૈયાર કરી તાલાલા મામલતદારને આપી ગીરના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ભુકંપને કારણે પ્રવર્તતી વર્તમાન પરિસ્થિતિની જાણ કરી હતી.
 આ બેઠકમાં તાલાલા, મોરૂકાગીર, બોરવાવ, માધુપુર ગીર , રામપરા ગીર, જેપુર ગીર, જસાધાર, હડમતીયા ગીર, વીરપુર ગીર, ધાવા ગીર, આંબળાશ ગીર, મંડોરણા ગીર સહિતના તમામ અસરગ્રસ્ત ગામોના આચાર્યો હાજર રહયા હતા.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=8934

No comments: