Friday, November 4, 2011

તાલાલા પંથક વધુ ૧૨ આંચકાથી ધણધણ્યો.

Source: Bhaskar News, Talala | Last Updated 1:01 AM [IST](03/11/2011)

- ધાવા (ગીર), જેપુર, અબુડીનેશ, ગાભાગીર ઉતર, પશ્ચિમ દિશામાં એપી સેન્ટર અનીડા, ટોબરા, પીખોર, વલાદળ, પાવટી - દક્ષિણ પૂર્વ દિશાનાં એપી સેન્ટર બન્યા

તાલાલા પંથક ભૂકંપ ઝોન બની ચૂકયો હોય તેમ સતત ચૌદ દિવસથી ધરા ધ્રુજી રહી છે. બે દિવસથી ભૂકંપનાં આંચકા આવવાનું પ્રમાણ ઓછુ થયુ હતું ત્યારે મંગળવારે મધરાતે ૧૨:૦૫ કલાકે ધરતીમાંથી ભારે ધડાકા સાથે ૩ ની તિવ્રતાનો આંચકો આવતા નિંદ્રા અવસ્થામાં સૂતેલા લોકો ભયભીત બની ઘર બહાર નીકળી ગયા હતાં.

ત્યારબાદ બે આફ્ટરશોક સાથે વધુ ૯ આંચકા રાત દિવસ આવતા રહેલા ગઇકાલથી આવેલા આંચકામાં તાલાલા પંથકની ઉતર-પશ્ચિમ દિશામાં એપી સેન્ટર નોંધાયુ હતું જ્યારે અત્યાર સુધીમાં આવતા આંચકા દક્ષિણ-પૂર્વ દિશામાં નોંધાયા હતા. હવે ધરતીકંપથી તાલાલા પંથકની ચારે’ય દિશા ખળભળવા લાગતા લોકો ભયભીત બન્યા છે. તાલાલા પંથકમાં ભૂકંપરૂપી કુદરતી આફત ચારે’ય બાજુથી ધરતી ધ્રુજવા લાગી છે. મંગળવારે મધરાત્રે ૩ ની તિવ્રતાથી હચમચી ઉઠેલા તાલાલા પંથકમાં લોકો તિવ્રતાથી આવેલા આંચકાથી ફફડી ઉઠ્યા હતાં. તાલાલાનાં ધાવા (ગીર), બોરવાવ, ચિત્રાવડ, રમરેચી, હરીપુર, જેપુર, ઘુંસીયા, ગુંદરણ, વીરપુર સહિતનાં ગામોમાં આંચકો ભારે તિવ્રતાથી અનુભવાયો હોય લોકો બીકનાં માર્યા નિંદરમાંથી ઘર બહાર નીકળી ગયા હતાં. ત્યારબાદ બે હળવી ધ્રુજારીથી ધરા ધ્રુજયા બાદ બપોર સુધીમાં વધુ ત્રણ આંચકા આવેલ.

બપોર બાદ ભૂકંપે દિશા બદલતા ૧૨:૨૯ ૧.૫ ની તિવ્રતાથી ધરા ધ્રુજેલ જેનું એપી સેન્ટર ઉતર-પશ્ચિમ દિશામાં નોંધાયેલ ૧૨:૫૮ બપોરે ૨.૫ની તિવ્રતા સાથે વધુ આંચકાથી ધરા ધ્રુજતી રહી. અત્યાર સુધી આવતા આંચકા દક્ષિણ-પૂર્વ દિશામાં આવતા હતાં. હવે ઉતર-પશ્ચિમ દિશામાં ભૂકંપનાં આંચકાનું એપી સેન્ટર જોવા મળતા ગીરવાસીઓ ચારે’ય દિશામાંથી ઉઠી રહેલી ધ્રુજારીથી ધ્રુજી ઉઠ્યા છે.

તાલાલા પંથકમાં આવેલા ૨૪૦ આંચકાઓનું એનાલીસીસ -

તાલાલા પંથકમાં ૧૪ દિવસથી સતત આવી રહેલા ભૂકંપનાં આંચકાઓની સર્જાયેલી હારમાળામાં અત્યાર સુધીમાં ૨૪૦ આંચકા નોંધાઇ ચુક્યા છે. જેમાં ભૂસ્તર નિષ્ણાંતોનાં મતે ૩ કે ૩ થી ઉપરની તિવ્રતાનો આંચકાને ગંભીર ગણી શકાય. ગાંધીનગર સ્થિત ડેટા સેન્ટરમાં હળવા આંચકા પણ નોંધાઇ છે. જ્યારે દિલ્હી નેશનલ ડેટા સેન્ટરમાં ૩ કે તેથી ઉપરની તિવ્રતાનાં આંચકા નોંધાય છે. તાલાલા પંથકમાં આવેલા ૨૪૦ આંચકામાં અત્યાર સુધીમાં ૮ તિવ્ર આંચકા આવ્યા છે.

તિવ્રતા...........કુલ આંચકા
૦.૫થી ૨.૦...........૧૭૭
૨ થી ૨.૯...........૫૫
૩ થી ૩.૯...........૬
૪ થી ૪.૯...........૧
૫ થી ૫.૯...........૧ (૫.૩) જોઇન્ટ ઇવેન્ટ

No comments: