Thursday, November 17, 2011

હિંમત ને સલામ: ગિરમાં ત્રણ વર્ષની ‘મર્દ’ કન્યા !


 Source: Nimish Thaker, Junagadh   |   Last Updated 2:32 AM [IST](15/11/2011
- બપોરે માતાને શોધવા નીકળેલી બાળકી આખી રાત જંગલમાં ચાલતી રહી
‘ચૌદ વરસની ચારણ કન્યા’. ઝવેરચંદ મેઘાણીની આ અમર કવિતા ગુજરાતીમાં ભણતું બાળક જીવનભર યાદ રાખે એ રીતે આલેખાયેલું છે. ત્યારે હવે જો ઝવેરચંદ મેઘાણી હયાત હોય તો તેને ફરીથી એવી કવિતા લખવાનું મન થઇ જાય એવી ઘટના પ્રકાશમાં આવી છે. 

આ વાત છે, ગિર પંથકમાં ડેડકિયાળીનાં જંગલમાં વાણીયાવાવ ચેકપોષ્ટ નજીક કાંઠાળા નેસમાં રહેતી ૩ વર્ષીય માલધારી કન્યાની. નામ એનું ‘પાંચી’, પિતાનું નામ ડાયાભાઇ. કાંઠાળ નેસમાં માલધારીઓનાં ૧૫ ખોરડાં છે. 
અહીંંનાં બાળકોને મન જંગલ, સિંહ,દીપડા, એટલે આંગણે ખેલતા ‘જીવો’. આપણને સિંહ-દીપડાનો ડર લાગે. પરંતુ વનમાં ઉછરેલાં માલધારીઓનાં બાળકોને તે મિત્ર જેવા લાગે. વાત જાણે એમ બની કે, ગઇકાલે પાંચી તેની માતા સાથે ડંકીએ પાણી ભરવા ગઇ હતી. માતાએ જતી વેળા કહ્યું, ‘ઝટ ઘેર આવી જજે. મારે વાડીએ જવું છે.’ પાંચીનો જીવ રમવામાં હતો. તેણીને ખબર ન પડી રમતમાં કેટલો વખત નીકળી ગયો. અંતે થાકીને તે ઘેર આવી. પરંતુ માતા બહાર ગઇ હતી. પાંચીએ સીધો જ વાડીનો ‘કેડો’ પકડયો. પરંતુ વાડીએ જવાનો રસ્તો ક્યાંથી ફંટાય એ તે ભૂલી ગઇ. હાથમાં શાકની તપેલી સાથે તેણી ચાલતી જ રહી... ચાલતી જ રહી... તે છેક સવારે પાંચ વાગ્યે નેસડાથી પંદરેક કિ.મી. દૂર જલંધર ગામે આવેલી જેન્તીભાઇ ઝાલાની વાડી પાસે જઇ પહોંચી.
ઉઘાડા પગે અને કાંટાળા માર્ગે ચાલીને પાંચીનાં કૂમળા પગમાંથી લોહી વહી રહ્યું હતું. ખેતરમાં કામ કરતા લોકોએ તેને નામ-ઠામ પૂછ્યું. પાંચીને ફકત પોતાનું નામ આવડતું હતું ઠેકાણું નહીં. બીજી બાજુ મોડે સુધી પાંચી ઘેર ન આવતાં તેણીનાં ઘરનાં સભ્યોએ શોધખોળ આદરી. જંગલમાં સંભવિત સ્થળોએ શોધખોળ કરી. પરંતુ પાંચીનો પત્તો ન ખાધો. આ તરફ જેન્તીભાઇએ પાંચી કોઇ નેસમાંથી આવી હોવાનું ધારી નેસડાઓમાં તપાસ કરી. અંતે કાંઠાળ નેસમાંથી એ આવી હોવાનું સ્પષ્ટ થતાં તેણીનાં માતા-પિતાને જલંધર બોલાવી પાંચીની સોંપણી કરી.
અહીં રસપ્રદ બાબત એ છે કે, દિવસનાં સમયે પણ એકલદોકલ માનવીને જતાં ડર લાગે એવા સિંહોનાં વસવાટવાળા આ વિસ્તારમાં એક ત્રણ જ વર્ષની બાળા રાતભર ચાલતી જ રહે અને એ પણ કોઇ જાતનાં ડર વિના, તેને આપણે ઝવેરચંદ મેઘાણીની ‘ચારણકન્યા’ સાથે ન સરખાવીએ તો જ નવાઇ.

No comments: