Saturday, November 5, 2011

ગીરનાં જંગલમાં મંગલ : રોજ ઉમટતા ૭૦ હજાર પ્રવાસીઓ.

અમરેલી તા.૩૧
દિવાળીનાં વેકેશનમાં ગીરનું જંગલ સહેલાણીઓથી છલકાઈ ગયું હતું. અમરેલી જિલ્લાના ગીરમાં પ્રવાસીઓનો ભારે ધસારો રહ્યો હતો. ગીરમાં ફરવાલાયક સ્થળોએ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તૂલસીશ્યામ, દલખાણીયા, ધારી, ગળધરા, ખોડિયાર, ભીમચાસ, ચિખલકુબા, જયપુર ધોધ તરફ જતા માર્ગો પ્રવાસીઓના વાહનોના અવાજથી ગૂંજી ઉઠયા હતાં. દિવાળીની રજાઓમાં રોજ ૭૦ હજારથી વધુ સહેલાણીઓએ જંગલમાં મંગલ કર્યું હતું.
  • તૂલસીશ્યામ, દલખાણીયા, ધારી, ગળધરા ખોડિયાર, ભીમચાસ, ચિખલકુબામાં મેદની
પ્રકૃતિને માણવા સહેલાણીઓની સંખ્યા એટલી વધી ગઈ કે, જંગલમાં રોજ સિંહની ડણક સંભળાતી તે વાહનોના અવાજ વચ્ચે દબાઈ ગઈ હતી.
કદાચ આટલા વાહનો અને લોકોના ધસારાના કારણે જંગલી જીવો ડીસ્ટર્બ થયા હોય તેમ તેઓ પોત પોતાના નિવાસસ્થળે જ પડયા રહ્યા હશે. કારણ કે, જંગલના રસ્તામાં સિંહ તો ઠીક વાંદરા, પક્ષીઓ, હરણાં પણ જોવા નહીં મળતા લોકોએ કચવાટ અનુભવ્યો હતો.
મધ્ય ગીરમાં આવેલા તૂલસીશ્યામ મંદિર ટ્રસ્ટનાં મેનેજર રણજીતભાઈ વાળાએ જણાવ્યું કે, આ વેકેશનમાં રોજ ૬૦ થી ૭૦ હજાર લોકોએ દર્શન કર્યા હતાં. રોજ ૧ર હજાર લોકોએ પ્રસાદી લીધી હતી. ટીંબરવા ચેક પોસ્ટ પર બે દિવસમાં ર૬૦૦ વાહનો(ફોર વ્હીલ)ની એન્ટ્રી નોંધાઈ હતી.
પ્રવાસીઓની અવર-જવર વધતાં ગીરનાં દુધાળા(ગીર), જીરા, સરસીયા, દલખાણીયા ગામોમાં નાની-નાની હાટડીઓ દિવસ રાત સતત ધમધમતી રહી હતી. ખાણીપીણીમાં ર૦ ટકાનો ભાવ વધારો દેખાયો હતો. છતાં લોકોએ જંગલમાં મંગલ કર્યુ હતું. જંગલમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ વિસ્તારમાં ધારી ગીર પૂર્વના ડીએફઓ રાજા અને સબ ડીએફઓ ધામીએ પૂરતા તકેદારીનાં પગલા લીધા હતા.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=343312

No comments: