Friday, March 25, 2011

રે મારા પ્રિયતમ..21 વર્ષ સાથ આપ્યો અને હવે!

Friday, March 25, 2011
Source: Agency, New York
- સિંહને ‘દયામૃત્યુ’ અપાતાં ર૧ વર્ષ સાથે રહેલી સિંહ-સિંહણની જોડી વિખૂટી પડી - સિંહ જુમાના અંતિમ સમય સુધી સિંહણ શિબાએ રાત-દિન દરકાર લીધી : જુમાના વિરહમાં શિબાએ ખોરાકનો ત્યાગ કર્યોવર્તમાન સમયમાં પરિણીત દંપતીઓ વચ્ચે લાગણી શૂન્યવત થતી જાય છે ત્યારે અમેરિકાના એક ઝૂમાં ર૧ વર્ષ સાથે રહેલા સિંહ (જુમા) અને સિંહણ (શિબા) વચ્ચેનો પ્રેમ દાખલારૂપ બન્યો.
અમેરિકાના ઓહિયો રાજ્યના પિટ્સબર્ગ ઝૂનું સિંહ જુમાનું ઉંમરને લીધે થતો રોગ ડિમેન્સિઆથી મૃત્યુ થયું. જુમાને ૧૯૯૦માં પિટ્સબર્ગ લવાયો હતો. ૧૯૯૧થી જુમા અને શિબા સાથે હતા. ત્યારથી બન્ને એક બીજાની ખુબ દરકાર લેતા હતા.
જુમાનું ડિમેન્સિઆ સહિત વૃધ્ધત્વમાં થતી વિવિધ બીમારીથી શરીર નખાઇ ગયું હતું. અતિ અશક્ત થઇ ગયેલા જુમા પર કોઇ સારવાર કે દવા કારગત ન નિવડતાં અંતે તેને દયામૃત્યુ (દર્દીને પિડાથી મુક્તિ આપવા સામેથી મૃત્યુ આપવું) અપાયું હતું.
જુમાના મુત્યુ બાદના અઠવાડિયાઓ સુધી શિબા પતિના વિરહમાં ઝૂરી હતી. તેણે ભાગ્યે જ કંઇ ખાધું હતું. તેણે પતિ જુમાની સાથે જ તેના અંતિમ દિવસોમાં ખૂબ સેવા કરી હતી. તે ઘડીભર પણ જુમાને એકલો છોડતી નહીં. બન્નેના સૂવાના પ્લેટફોર્મ અલગ હોવા છતાં તે જુમા પાસે રાતભર જાગતી પડી રહેતી.
અંતિમ દિવસોમાં બીમાર જુમા કંઇ ખાઇ શકતો નહીં. આથી પતિને થતી પીડા પોતે પણ વેઠવાના ભાગ રૂપે શિબાએ પણ ખોરાકનો ત્યાગ કર્યો હતો. ઝૂના અધિકારીઓએ કહયું કે, બન્ને એક બીજાને હંમેશા અનુકૂળ થઇને રહેતા.
છેલ્લે છેલ્લે તો બન્ને ખૂબ જ પીઢ યુગલની માફક વર્તન કરતા હતા. જેનું અમને સુખદ આશ્ચર્ય થતું. જુમા આથ્રૉઇટિસનો ભોગ બન્યો ત્યારે તેના માટે વાંસની સળીની ખાસ પથારી બનાવાઇ હતી. શિબા પણ પતિને સાથ આપવા પ્લેટફોર્મ છોડીને તેની સાથે જ રાતના આરામ કરતી અને દેખભાળ રાખતી હતી.
જુમાના મૃત્યુ બાદ શિબા એ અઠવાડિયા સુધી પોતાના પીંજરામાં સૂનમૂન કેદ રહી હતી. જોકે હવે તે નોર્મલ થતી જણાય છે.
અંતે દયામૃત્યુ આપવાનો આકરો નિર્ણય લેવો પડ્યો
પિટ્સબર્ગ ઝૂના બ્લોગમાં જુમાના મૃત્યુના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જેમાં જણાવાયું હતું કે , પીટ્સબર્ગ ઝૂ ઘોષણા કરે છે કે જુમા હવે આપણી વચ્ચે નથી. તે વિવિધ રોગથી પીડાતો હોય તેને દયામૃત્યુ આપવાનો આકરો નિર્ણય લેવો પડયો હતો.
ઝૂના કર્મચારીઓ પણ વ્યથિત
ઝૂકી પર કેથી સુથાર્ડે કહયું કે જુમાની વિદાયથી માત્ર શિબા જ નહીં ઝૂના સમસ્ત કર્મચારીઓને ભારે દુ:ખ થયું હતું. જુમાની ખાસિયત એ હતી કે, તે મુલાકાતીઓને પ્રેમથી તસવીરો લેવા દેતો. તે ઝૂનું આકર્ષણરૂપ બની ગયો હતો. મુલાકાતીઓને પણ અન્ય પ્રાણીઓની તુલનામાં જુમા અને શિબાનો ઈતિહાસ જાણવાની વધુ ઉત્સુકતા રહેતી.

No comments: