Saturday, March 26, 2011

ગીરમાં બે ગામની વચ્ચે સાવજોએ કરેલાં મારણ.

Saturday, March 26
- ભોજદે અને નાની મોણપરીમાં સાવજોનો આતંક
- બળદને પણ ઘાયલ કરી દીધો : વન વિભાગની નિષ્ક્રિયતા સામે રોષ
ગીરમાં માનવ વસ્તીમાં ઘૂસી જઇ સાવજો તથા અન્ય જંગલી પશુઓ દ્વારા શિકાર કરવાની ઘટનાઓ વધી રહી છે. શુક્રવારે એક જ દિવસમાં ગીરના બે ગામમાં અંદર સુધી ઘૂસી જઇ સાવજોએ હુમલા કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
વિસાવદર તાલુકાનાં નાની મોણપરીમાં ગામની વચ્ચે જ સિંહે વાછરડાનું મારણ કરતાં અને એક બળદને ઘાયલ કરી દેતાં ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો. વન્ય પ્રાણીઓની અવર-જવરને રોકવામાં વન વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં રોષ ફેલાયો છે.
આ બનાવની મળતી વિગત મુજબ વિસાવદરથી ૧૫ કિ.મી.ના અંતરે નાની મોણપરી ગામમાં ગત રાત્રીનાં સિંહે આવી ચઢી બળદ ઉપર હુમલો કરતાં બળદનાં ભાંભરડાથી ખીમાભાઈ જાગી ગયા હતા. અને તેઓએ ઘરની બહાર શેરીમાં બાંધેલા બળદને સિંહ બટકાં ભરી રહ્યાંનું દ્રશ્ય નિહાળતાં ગભરાઇ ગયા હતા. દરમિયાન બે પાડોશી પણ આવી જતાં હાકલા-પડકારા કરી સિંહને ભગાડી દીધો હતો.
જો કે, આ સિંહે ત્યારબાદ નદીનાં સામેનાં વિસ્તારમાં એક ભરવાડનાં મકાનના ફિળયામાં ત્રાટકી વાછરડાનો શિકાર કરી તેને બાજુનાં ખેતરમાં ઢસડીને લઇ ગયો હતો. દરમિયાન માલઢોરનાં ભાંભરડાથી ભરવાડ પરિવાર જાગી જતાં અને હોહા દેકારો કરી મુક્તાં સિંહ ત્યાંથી પણ ભાગી ગયો હતો. ગત રાત્રીનાં આ બનાવથી લોકોમાં ભયની લાગણી છવાઇ જવા પામી હતી. છેલ્લાં ઘણાં સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની અવર-જવર અને હુમલાનાં બનાવ વધવા પામ્યા છે. ત્યારે તેને રોકવામાં વન વિભાગની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
ભોજદેમાં બે સાવજોએ વાછરડાનું મારણ કર્યું –
તાલાલા તાલુકાનાં ભોજદે ગીર ગામે ગુરૂવારે રાત્રે બે વનરાજો ત્રાટક્યા હતા. પીવાનું પાણી અને ખોરાકની શોધમાં બે સિંહોએ ગામમાં આવી ચઢી વાછરડાનું મારણ કર્યું હતું. ગામની બજારમાં રહેતા સુમારભાઈ આબાભાઈના વાછરડાનો વનરાજાએ શિકાર કરી નિરાંતે તેનું મારણ કરી વહેલી સવારે જંગલ તરફ ચાલ્યા ગયા હતા. ગીરનાં જંગલમાં ઉનાળાનાં કપરા દિવસોમાં પીવાનું પાણી અને ખોરાક વગર ટળવળતા વનરાજો માનવ વસતી તરફ પ્રયાણ કરી રહ્યા છે.
ત્યારે ઉનાળાની મૌસમ જેમ જેમ આગળ વધશે તેમ ભારે ગરમીથી બચવા હિંસક પ્રાણીઓની અવર-જવર ગામોમાં વધવાની સંભાવના છે. ગીરનાં બોર્ડર ઉપરનાં ગામોમાં જંગલી જાનવરોનાં હુમલા વધશે તેવી ભીતી તાલાલા પંથકની ગ્રામ્ય પ્રજા વ્યક્ત કરી રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-hunting-between-girs-two-village-1962536.html

No comments: