Friday, March 25, 2011

સિંહણ બે સિંહ બાળ સાથે પાંજરે પૂરાઇ.

Friday, March 25
ઊના તાલુકાનાં ગુંદાળામાં ધોળે દિવસે ગાયનું મારણ કરી મિજબાની માણનાર સિંહણ પોતાનાં બે સિંહબાળ સહિત આજે પાંજરે પુરાઇ ગઇ છે. જોકે, હાલની શાંતિને ગ્રામજનો કામચલાઉ માની રહ્યા છે.
ઊના તાલુકાનાં ગુંદાળા ગામે એક દિવસ પહેલાં સિંહણ અને તેનાં બે સિંહ બાળ ગામની સીમમાં આવી ચઢ્યા હતા. અને બપોરનાં સમયે એક રેિઢયાળ ગાયનું મારણ કર્યું હતું. વનવિભાગે તુર્તજ તેનું લોકેશન મેળવી રાત્રિનાં સમયે પાંજરૂં મુકી દીધું હતું. શિકારની શોધમાં નીકળેલી સિંહણ મોડી રાત્રે પોતાનાં બે બચ્ચાં સાથે પાંજરામાં કેદ થઇ જતાં વનવિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. વનવિભાગનાં સૂત્રોનાં કહેવા મુજબ, પાંજરે પુરાયેલી સિંહણે ૩ દિવસ પહેલાં ખિલાવડ ગામનાં ખેડૂત પર હુમલો કર્યો હતો. જેને પાંજરે પુરવામાં આખરે સફળતા મળી છે. જ્યારે ગ્રામજનોનાં કહેવા મુજબ, વનવિભાગ દ્વારા સાવજો પકડાય એ મહત્વનું નથી.
આજે પકડાયેલી સિંહણ પાછી માનવ વસાહત તરફ આવી જશે. પરંતુ વનખાતા દ્વારા નિયમિત ફૂટ પેટ્રોલિંગ થાય એ મહત્વનું છે. કારણકે, સિંહો જંગલમાં જેટલો સમય પસાર કરે છે તેના કરતાં વધારે સમય માનવ વસાહતમાં પસાર કરે છે. આ રીતે ઊના તાલુકાનાં જંગલની સરહદને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં વનવિભાગે નિયમિત ફૂટ પેટ્રોલિંગ રાખવું જોઇએ.
જેથી ગ્રામજનોને સુરક્ષિતતાનો અહેસાસ થાય. હજુ ગ્રામ્ય પંથકમાં સિંહ દર્શન થતાં હોય છે ત્યાંજ ગત રાત્રિનાં સ્યુગર ફેક્ટરી નજીક આવેલી વાડીમાં એક દીપડાએ ગાયનું મારણ કરતાં આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભયનું મોજું ફેલાયું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-cage-with-two-child-lion-1959456.html

No comments: