Tuesday, March 22, 2011

ગિરનારની પરિક્રમા

 - અંશુમાન
દવનાં નિવાસસ્થાને પરિક્રમા કરવાનું અનેરૂં માહાત્મ્ય છે. તેથી જ શ્રદ્ધાળુઓ મંદિરોને પ્રદક્ષિણા કરે છે.ગિરનાર ક્ષેત્રની પરિક્રમાની માફક યાત્રિકો ગોકુળ મથુરાનાં પ્રવાસ વેળાએ ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા કરે છે. તો વળી બીજી પરિક્રમા નર્મદા મૈયાની થાય છે. ગિરનાર ક્ષેત્રમાં નવનાથ ચોરાસી સિદ્ધનું બેસણું છે જેની પરિક્રમા કરવાથી ગીરીનારાયણ ભગવાન સૌની મનોકામના પૂર્ણ કરે છે. તેથી જ પહેલાં જ્યાં એક દોઢ લાખ યાત્રિકો પરિક્રમા અર્થે આવતાં હતાં ત્યાં આજે પાંચ-છ લાખ લોકો ઉમટી પડે છે. બદલાતા સમયની સાથે પરિક્રમામાં પણ ઘણું પરિવર્તન જોવા મળે છે.
ઓછા પડાવ વઘુ પ્રવાસ
આજના વિકસતા યુગમાં સૌની પાસે સમયનો અભાવ છે. પછી તે ગ્રામ્ય પ્રજા હોય કે શહેરી. અરે કોઇની મહેમાનગતી પણ પહેલાં દિવસોમાં થતી તે આજે ટંક બે ટંક કે કલાકોમાં થવા લાગી છે. સમયની કટોકટીની અસર પરિક્રમામાં પણ દેખાય છે. પહેલાં જે યાત્રા ચાર રાત્રી અને પાંચ દિવસમાં પૂર્ણ થતી તે આજે ઘણાં લોકો તળેટી અને માળવેલાની બે રાત્રી સાથે પૂર્ણ કરે છે. તો વળી, કોઇ શ્રદ્ધા નહીં પણ સાહસિકતા ચકાસવા નીકળેલાં હોય તેઓ એક દિવસમાં અંદાજે ત્રીસ કિ.મી.નું ટ્રેકીંગ પણ પૂર્ણ કરે છે. અગિયારસને દિવસે શરૂ કરવાની અને કાર્તિકી પૂનમે પૂર્ણ કરવાની આ યાત્રાની પ્રણાલિકા પણ હવે તૂટી છે. ઘણાં લોકો અગિયારસ પહેલાં યાત્રા આરંભી દે છે અને તેરસ ચૌદસનાં તો પૂર્ણ કરી દે છે જેથી પડાવની સમસ્યા અને દેવભૂમિમાં ફેલાયેલી ગંદકીથી બચી શકે.
સગવડતામાં વધારો શ્રદ્ધામાં ઘટાડો
કુદરતનો એક નિયમ છે કે જ્યાં કષ્ટ છે ત્યાં સિદ્ધિ છે. ગિરનાર કે પાવાગઢની યાત્રા રોપવે મારફત કરનાર અને પગે ચાલીને કરનારની શ્રદ્ધામાં ઘણો ફરક વર્તાય છે. એવું જ આજે પરિક્રમાનું છે. પહેલાં કોઇ યાત્રિક ખાવા પીવાનાં કે ઓઢવા-પાથરવાના પોટલા વિના નહોતા જોવા મળતા તેને બદલે આજે ખભે માત્ર એક થેલો ટીંગાડીને નીકળતા ઘણાં લોકો જોવા મળે છે. કારણ કે પહેલાં પરિક્રમાનાં ઉતારા દુર્ગમ સ્થાન ગણાતા. આજે તો જીણાબાવાની મઢી અને બોરદેવીથી નળપાણી સુધી તો વાહનો જાય છે.જેને લીધી ખાવાપીવાની સગડવાળી હોટેલો અને અનેક અન્નક્ષેત્રો પ્રત્યેક ઉતારે જોવા મળે છે. આજનાં ઇસ્ટંટ યુગમાં તૈયાર ચા-નાસ્તા કે ભોજનની સાથે કોઇને અહીં જાતે રસોઇ બનાવવી હોય તો ચા,દૂધ,કોફી, ખાંડ, ખીચડી, લોટ, મસાલો, તેલ અને લીલા શાકભાજી આજે દુર્ગમ ગણાતા માળવેલાનાં ઉતારે પણ મળે છે. ડીટર્જન્ટ સાબુ કે પાવડરવાળું કે ક્યાંક ક્લોરીનયુક્ત પાણી અને જંગલનું લીલું સૂકું બળતણ મળી જાય એટલે ભોજનનો થાળ તૈયાર. અને કશું જ ન કરવુ ંહોય તો પૈસા દઇ પરોઠા હાઉસમાં જમી શકાય છે અને હોટેલમાં ચા-નાસ્તો લઇ શકાય છે. એ પણ ન કરવું હોય તો અનેક સેવાભાવી સંસ્થાઓ ચા-નાસ્તો અને ભોજન આગ્રહપૂર્વક સૌ ભાવિકજનોને કરાવે છે.તેનો લાભ પણ લઇ શકાય છે. અલબત, વધતી જતી સઘળી સવલતોમાં શ્રદ્ધા ઓસરતી હોય તેવું સ્પષ્ટ અહીં વર્તાઇ આવે છે.
પરિક્રમાના માર્ગે બમણા ભાવ સાથે બટાકા તથા બિસ્કિટ સહિત અન્ય ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ છે. અરે તૂટેલાં બૂટ ચપ્પલ રીપેર કરનાર કે નવાં ચપલ સ્લીપર વેચનાર પણ મળી રહે છે, તો વળી નાનકડા હેર કટીંગ સલૂનો પણ હોય છે.સાબુ, પાવડર અને કાચો સીધો વેચનારની હાટડીઓ પણ અહીં હોય છે. લીલા શાકભાજી અને ફળફળાદી પણ અહીં મળે છે. અરે બિમાર પડો તો સારવાર માટે ડોકટરો પણ અહીં હાજર હોય છે. બસ, સાથે લઇ જવાના માત્ર એક જોડી કપડાં અને ઓઢવા-પાથરવાનું. કહો, આટલી સગવડ જ્યાં હોય ત્યાં શ્રદ્ધા અને કુતુહલ સાથે પાંચ-છ લાખ માણસો કેમ ઉમટી ન પડે ! આવતીકાલે કોઇ કોઇ સ્થળે ભાડેથી ઓઢવા-પાથરવાનું પણ મળી રહે તો આશ્ચર્ય ન પામશો. અલબત, આ સઘળી સવલતોની સાથે શ્રદ્ધા અને ભક્તિ વધતી રહે તે જરૂરી છે.
પ્રદૂષિત ધાર્મિકતા
લાખો માણસો નિર્મળ ભક્તિ ભાવના સાથે ભેગા થાય તેનો આનંદ અદભૂત હોય તે સ્વાભાવિક છે. પચ્ચીસ પચાસ માણસોની સમૂહ પ્રાર્થનાનું પણ અનેરૂં મહત્વ છે. ત્યાં શ્રદ્ધા સાથે લાખો લોકો એકત્રિત બની ભક્તિ કરે તો દેવોને પણ દિવ્ય સ્વરૂપે પધારવું પડે. પરંતુ આજની પરિક્રમાને પણ આઘુનિકતાનો રંગ લાગ્યો છે તે દુઃખદ છે. પહેલાં જ્યાં યાત્રિકો રામઘૂન બોલાવતા પરિક્રમાની વાટ કાપતા ત્યાં આજે અંતાક્ષરી રમાય તે કેવું ? ઉતારા પર રહેલાં જ્યાં રાસ-ગરબા અને ભજનોની રમઝટ બોલાતી તે આજે ઓસરતી જોવા મળે છે. તેને બદલે હોટેલોમાં અને પાન માવાનાં થડા ઉપર ગાજતું ફિલ્મી સંગીત વાતાવરણને વઘુ ઘોંઘાટવાળું બનાવે છે. વનને અને પરિક્રમાના વાતાવરણને પ્રદૂષિત કરતી કોઇ પણ પ્રવૃત્તિ પર નિયંત્રણ જરૂરી છે. એ માટે સરકાર અને સંતો સાથે બેસી પરિક્રમા પહેલાં તંદુરસ્ત આયોજન કરે તે અત્યંત જરૂરી છે.
વિનાશ પામતી વન્ય સંપત્તિ
ગુજરાતમાં જ્યાં આજે જૂજ જંગલો બચ્યા છે ત્યાં તેના વિકાસને લગતા કામો સરકાર અને સમાજે કરવા જરૂરી બને છે. તેને બદલે લાખો માણસો પ્રકૃતિમાં પણ શિવ છે તે ભૂલી તેનાં વિનાશમાં સહભાગી બને તે યોગ્ય નથી. ઉતારા કરવા માટે લાખો લોકોએ કૂમળા છોડને જડમૂળથી ઉખેડી નાખ્યા. તો વળી, કેટલાંય લોકોએ કૂહાડી લઇ માળવેલાનાં ઘટાટોપ વાંસનાં જંગલનો ખૂડદો બોલાવી દીધો. જેનો અણસાર તળેટીમાં જંગલ ખાતાની રાવટી પાસે એકઠી કરાયેલી લાકડીનાં ઢગલાં ઉપરથી સૌ કોઇને આવી શકે. હજારો માણસો શરીર ઘસીને સાબુથી નદી-ઝરણામાં નહાય છે. જાણે પ્રત્યેક પરિક્રમાએ જ નહાતા ન હોય ! કેટલાયે સાબુથી કપડા ધોવાથી ધોણ કાઢે છે. હોટેલોવાળાએ ઘસી ઘસીને તેમનાં ટોપ, તપેલા, છીબા, ઝારો, કડાઇ, તાવીથા અને ચોકીઓ ઘુએ છે. એ જ પાણી નજરે જોવા છતાં લાખો લોકોએ જળમાં મળ ન હોય તેમ માની પીએ છે. જેતપુર પાસેનાં પીઠડીયા ગામનાં ૬૫ વર્ષના ઉંડી આંખ ઉતરી ગયેલાં શંભુભાઇ ગોંડલીયા તેમનાં ૩૦ વર્ષની પરિક્રમાના સંસ્મરણોને યાદ કરતાં કહે છે કે પહેલાં તો અહીં નદીઓમાં સાબુથી નહાવાની મનાઇ હતી. પોલિસ અને જંગલ ખાતાની ઘણી કડકાઇ હતી. આજે આટલા માણસોમાં કોણ કોને કહેવા જાય ? સત્તર વર્ષથી તેમનાં પિતાને યાત્રા કરાવવા સામાન ઉપાડવા સાથે આવતા તેમનાં ભજનિક પુત્રએ કહ્યું કે અમે તો આજે પણ કાચો સીધો સામાન લઇ આવી જાતે જ રસોઇ બનાવી જમીએ છીએ. કષ્ટ વિના સાધના ન હોયજ!
સંતો અને સંગઠનોની અપીલ જરૂરી
આજના બદલાતા યુગમાં પ્રકૃત્તિની રક્ષા અને પરિક્રમાની સંસ્કૃતિની સુંદરતા ટકાવી રાખવાની સૌ કોઇની ફરજ છે. પ્રકૃતિની રક્ષા કાજે ગિરનારને સુંદર રાખવા જૂનાગઢની એક નેચરલ નેચર એજ્યુકેશન ફાઉન્ડેશન નામની સંસ્થા સેંકડો કિલો કચરો પરિક્રમા બાદ એકઠો કરી નાનકડું પણ ઉમદા કાર્ય કરે છે.પરંતુ લોકો જ્યાં સ્વચ્છતા છે ત્યાં પ્રભુતા તે સૂત્ર જાતે સમજી તેનો અમલ નહીં કરે ત્યાં સુધી સઘળું અર્થહિન છે.
ગિરનારનાં પ્રાકૃતિક સૌંદર્યને ટકાવી રાખવા બજરંગદાસ બાપાના ટ્રસ્ટ દ્વારા તેમની ગિરનાર પરિક્રમા માહાત્મ્ય નામની બૂકલેટમાં સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે. આના પરથી દસેક સંસ્થા અને સંગઠનોએ તેમના ઉતારામાં તપોભૂમિ ગિરનારની સુંદરતા જાળવી રાખવાની પ્રતિજ્ઞા ભોજનપ્રસાદી પીરસ્યા પહેલાં જ લેવડાવે તે જરૂરી છે.
ભજન મંડળીઓ અને ભજનિકો પણ તેમનાં ઉતારાના ભાવિકોને પરિક્રમા માહાત્મ્ય સમજાવી પ્રકૃતિ સંરક્ષણનો બોધ આપે તે આવશ્યક છે. એટલું જ નહીં સર્વે સંતો, મહંતો પરિક્રમા પહેલાં ગિરનારનાં પ્રાકૃતિક સૌંદર્યને અને પરિક્રમાના માહાત્મ્યને ટકાવી રાખવા ભક્તિ ભાવના સાથે અખબારોમાં અને પરિક્રમાનાં સ્થળે જાહેર અપીલ કરે તો જ વનનો વિનાશ અને ધાર્મિકતાનો થતો લોપ આપણે અટકાવી શકીશું. એ સાથે પ્રજા સ્વયંશિસ્ત જાળવી ધાર્મિક માહાત્મ્યને સમજે અને તેને અનુસરે તો જ તપોભૂમિ ગિરનાર સાચા અર્થમાં દેવભૂમિ બની રહેશે.ે
Source: http://www.gujaratsamachar.com/20110320/purti/ravipurti/ravi33.html

No comments: