Tuesday, March 29, 2011

ઝેરી મારણ ખાવાથી બબ્બે સિંહણનાં મોત થયાની શંકા.

Tuesday, March 29

- ભૂંડે ઝેર ભેળવેલા લાડવા ખાધા બાદ તેનું
- મૃત્યુનું કારણ સ્પષ્ટ થયા બાદ પગલાં : ડીએફઓ
- અન્ય પાંચ સાવજો સલામત
ગીરપૂર્વની તુલશીશ્યામ રેન્જમાં કંટાળા ગામની સીમમાં ૨૪ કલાકનાં ગાળામાં બે સિંહણના મૃતદેહ મળી આવ્યા બાદ બન્ને સિંહણના મોતનું રહસ્ય હજુ પણ અકબંધ રહ્યું છે. બન્ને સિંહણે ભૂંડનું મારણ કર્યું હોય કોઇએ ભૂંડને ઝેરી પદાર્થ ખવડાવ્યો હોય તેવી શક્યતા પણ વનતંત્ર માની રહ્યું છે. અહિંથી ભૂંડના અવશેષો પણ મળી આવ્યાં હતાં.
કંટાળાની સીમમાં માલણ નદીનાં કાંઠેથી બે સિંહણનાં મૃતદેહો મળવાની ઘટનાએ વનતંત્રને દોડતુ કરી દીધુ છે. બન્ને સિંહણનાં મોતનું કારણ સ્પષ્ટ થઇ ન શકતા આ ઘટના અંગે ઘેરૂ રહસ્ય સર્જાયુ છે. બન્ને સિંહણનું મોત કઇ રીતે થયું તે અંગે તરેહતરેહની ચર્ચા જાગી છે.
જે સિંહણનો મૃતદેહ ચેકડેમનાં પાણીમાંથી મળી આવ્યો છે. તે સિંહણનું મોત ડૂબી જવાનાં કારણે થયું ન હતું. વળી બન્ને મૃતદેહ પર ઇજાના કોઇ નિશાન ન હતાં કોઇ ગંભીર બિમારીનાં ચિહ્નો પણ દેખાયા ન હતાં. બન્ને સિંહણ યુવાન હોય વૃધ્ધાવસ્થાથી મોત થવાનો પણ કોઇ સવાલ રહેતો નથી. પોસ્ટ મોર્ટમ દરમીયાન પ્રાથમિક દ્રષ્ટિએ પણ મોતનું કારણ સ્પષ્ટ ન થતાં હવે વિશેરાના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આગામી ત્રણ દિવસમાં આ રિપોર્ટ આવી જવાની શક્યતા છે.
ધારીના ડીએફઓ મનિશ્વર રાજાએ જણાવ્યુ હતું કે બન્ને સિંહણના પેટમાંથી ભૂંડના માંસના અવશેષો મળી આવ્યા હતાં. વળી એક સિંહણ પાણીમાં ગઇ હોય તેવા પગના નિશાન મયા હતાં. ઘટનાસ્થળેથી ભૂંડના અવશેષો પણ મળી આવ્યા હતાં. વિશેરાનો રિપોર્ટ આવ્યા બાદ ભૂંડનું મારણ કરવાના કારણે બન્નેનું મોત થયું હતું કે કેમ તે સ્પષ્ટ થશે.
દરમ્યાન સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર અહિં ખેડૂતોએ સિંહણોને ભૂંડનું મારણ કરતા જોઇ હતી. ઘણી વખત ખેતિવાડીમાં ભૂંડનો ત્રાસ રહેતો હોય ખેડૂતો ભૂંડને ઝેરી લાડવા કે અન્ય ખાદ્યપદાર્થો ખવડાવતા હોય તેવું બને છે જ્યારે અહિં આ પ્રકારની ઘટના બની છે કે કેમ તે દિશામાં તંત્રએ તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે ગાંધીનગરથી એસીએફ પણ ખાંભા દોડી આવ્યા હોવાનું જાણવા મળેલ છે.
અન્ય પાંચ સાવજો સલામત
આ વિસ્તારમાં સાત સાવજોનું ગ્રુપ આટા મારે છે. બે સિંહણોનું ભેદી સંજોગોમાં મોત થયા બાદ વનતંત્રની તપાસમાં અન્ય પાંચ સાવજો સલામત મળી આવ્યા હતાં. બીજી તરફ જો ભૂંડના શિકારમાં કોઇ ઝેરી પદાર્થ હોય તો અન્ય પાંચ સાવજોને કેમ કોઇ અસર ન થઇ તે સવાલ વન અધિકારીઓને મુંજવી રહ્યો છે.
મૃત્યુનું કારણ સ્પષ્ટ થયા બાદ પગલાં : ડીએફઓ

બે સિંહણોના મોત અંગે કોઇ વન કર્મચારી સામે પગલા લેવાશે કે કેમ તેવા સવાલનો જવાબ આપતા ડીએફઓ મનશિ્ર્વર રાજાએ જણાવ્યુ હતું કે મૃત્યુના કારણ સ્પષ્ટ થાય પછી કોઇની જવાબદારી નકકી કરી પગલા લેવા માટે વિચારણા કરાશે.

No comments: