Tuesday, March 15, 2011

દી૫ડાના આતંકથી ફફડતા ખાંભા પંથકના ગ્રામજનો.

ખાંભા, તા.૧૨
ખાંભા પંથકમાં દીપડાનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. છેલ્લા સાત દિવસમાં દીપડા દ્વારા માનવ પર હુમલાનો બીજો બનાવ બન્યો છે અને દોઢ માસના ગાળામાં ત્રણ પુરૃષો અને બે મહિલાઓ ઉપર થયેલા હુમલાના કારણે ખાંભા પંથકમાં લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યાં છે. આદમખોર બનેલી દીપડીને પાંજરે પૂરવા લોકોની માગણી ઉઠી છે. ખાંભાના મતીયાળા અભ્યારણમાં બે બચ્ચા સાથે ફરતી એક દીપડી માનવ લોહી ચાખી જતા આદમખોર બની ગઈ હોય તેમ માનવીઓ પર અવાર નવાર જાનલેવા હુમલા કરી રહી છે. સાત દિવસ પહેલા ખાંભાના દાઢીયાળી ગામે ઓસરીમાં સુતેલા ૭૦ વર્ષના પાર્વતીબેન બાબર પર મધરાતે દીપડાએ હુમલો કર્યો હતો. આ બનાવ હજુ તાજો છે ત્યાં ખાંભાના જૂના ગામ વિસ્તારમાં હડીયા નદીના કાંઠે રહેણાંક ધરાવતા પ૦ વર્ષના કુંભાર મહિલા ત્રિવેણીબેન નાથાભાઈ ઘોવારી ઉપર ગઈ રાત્રે દીપડાએ હુમલો કરી ઘાયલ કર્યા હતાં. આ અગાઉ રાત્રિના સમયે પોતાની વાડીમાં સુતેલા વિમલ રાઠોડ પર દીપડાએ હુમલો કર્યો હતો. ત્યાર બાદ પોતાની વાડીમાં પાણી વાળતા કનુ રામજીભાઈ કાકલોતર ઉપર હુમલાનો બનાવ બન્યો હતો.
છેલ્લા દોઢ માસમાં ત્રણ પુરૃષો અને બે મહિલાઓ મળી પાંચ વ્યક્તિ દીપડાના હુમલાનો ભોગ બનતા લોકોમાં ભય ફેલાયો છે. જાણવા મળતી વિગત મુજબ બે બચ્ચા સાથે ફરતી દીપડી માનવ લોહી ચાખી ગયાં બાદ અવાર નવાર માનવીઓ પર હુમલા કરી રહી છે. માનવ પરના હુમલાઓથી ગ્રામ્ય પંથકમાં ભયનું વાતાવરણ ઉભુ થયું છે. લોકો પોતાના માલ-ઢોર સાથે ઘરમાં પૂરાઈને સુવા લાગ્યા છે. આમ છતાં રાત્રિના સમયે બહાર સુતેલા તેમજ સીમ વાડીમાં કામ કરતા માણસો પર હુમલા થતાં હોય આ આદમખોર બનેલી દીપડીને પકડી લેવા ગ્રામ્ય પ્રજામાંથી માંગણી ઉઠી છે.
દીપડી ને બદલે દીપડા પકડાય છે
ખાંભા : દીપડાના માનવ પર વધેલા હુમલાના બનાવો બાદ જંગલ ખાતા દ્વારા આ દીપડાને પકડવા પાંજરૃ ગોઠવવામાં આવે છે પણ ચાલાક અને ચતુર આદમખોર દીપડી પકડાવાને બદલે દીપડા પકડાતા હોઈ આ દીપડી જંગલ ખાતા માટે માથાના દુઃખાવારૃપ બની ગઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=270305

No comments: