Saturday, March 26, 2011

ખાંભામાં છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ ગાયોનાં મોત.

ખાંભા, તા. ર૫:
ખાંભામાં રસ્તાઓ પર પડી રહેલા કચરા અને પ્લાસ્ટિકના ઝબલાઓ ખાવાથી ગૌમાતાઓ મોતને ભેટી રહી છે. છેલ્લા એક વર્ષમાં ૧૦૦થી વધુ ગાયો આ રીતે મોતને ભેંટી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ જાતના પગલાં લેવામાં નહીં આવતા ગૌભકતોમાં રોષની લાગણી ફેલાઈ છે. ખાંભામાં ભગવતીપરા, આશ્રમપરા, જીનવાડી તથા ગાંધી ચોકમાં અંદાજે એક હજાર ગૌમાતાઓ રખડતી ભટકતી કચરો, પ્લાસ્ટિક સહિતની વસ્તુઓ ખાઈને જીવન ટકાવવા હવાતિયા મારી રહી છે. અખાદ્ય પદાર્થા ખાવાથી છાશવારે મોતને ભેટી રહી છે.
છેલ્લા એકાદ વર્ષમાં લગભગ ૧૦૦ જેટલી ગાયો આફરો ચડવાથી, ફૂડ પોઈઝન થવાથી, પ્લાસ્ટિક પેટમાં જવાથી તેમજ સડી ગયેલા અને જીવાતવાળા, બગડેલા શાકભાજી ખાવાથી મોતને ભેટી છે. ખાંભા પોલીસ અને ખાંભા ગૌસેવાના પ્રમુખ ચંદ્રસિંહ રાઠોડ, દશરથસિંહ રાઠોડ વગેરે દ્વારા અનેક વખત પગલાં લેવા માટે રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. પગલાં લેવામાં આવતા નહીં હોવાથી રસ્તા પર અડિંગો જમાવીને બેસેલી ગાયો મોટા વાહનોનો ભોગ બને છે. અવારનવાર ટ્રાફિક સમસ્યા અને નાના મોટા અકસ્માતના બનાવો બને છે.
ગૌમાતાઓના મૃતદેહની સંભાળ રાખનારા લોકો પાસેથી જાણવા મળ્યા મુજબ ગૌમાતાઓના મોત બાદ તેના શરીરમાંથી આઠથી દસ કિલો પ્લાસ્ટિક, બસ્સોથી અઢીસો ગ્રામ વાળ તેમજ ચારસોથી પાંચસો ગ્રામ ખીલી, બ્લેડ, પીન, ટાંચણી અને લોખંડ નિકળે છે. ખાંભામાં રખડતી ભટકતી ગાયોના રક્ષણ માટે ઘટતાં પગલાં લેવા માગણી ઉઠવા પામી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274301

No comments: