Monday, March 28, 2011

કરમદડી જંગલ આઠમી વાર દવની લપેટમાં

Monday, March 28
- ટૂંકા ગાળામાં દવની આઠ ઘટનાઓએ શંકા ઉભી કરી
- પ્રેટ્રોલીંગ ન થતું હોવાની ફરીયાદ
ઉનાળાના પ્રારંભ સાથે જ ગીરજંગલ અને ગીરકાંઠાનાં વિસ્તારમાં દવની ઘટનાઓ શંકાસ્પદ રીતે વધવા પામી છે થોડા દિવસોનાં સમયગાળામાં જ જુદા જુદા આઠ સ્થળે દવ લાગ્યાની ઘટના બની છે. તેમાં પણ એકલા કરમદડી રાઉન્ડમાં જ ચાર દિવસમાં ચાર વખત દવ લાગતા અનેક ચર્ચા ઉઠી છે. દવની ઘટનાનાં આ સીલસીલની ઉંડી તપાસ થવી જોઈએ તેવું પ્રકૃતિ પ્રેમીઓ માંની રહ્યાં છે.
ગીર જંગલમાં દવની ઘટનાઓ આમ તો દર વર્ષે બને છે. પરંતુ અસાધારણ રીતે આવી ઘટનાઓ વધી પડે તેવું ભાગ્યે જ બને છે. વળી અનેક શંકાઓ પણ જન્માવે છે. ગીરપૂર્વ વનવિભાગ હેઠળનાં વિસ્તારમાં ખૂબ જ ટૂંકા ગાળામાં દવની આઠ ઘટના નોંધાતા જંગલ ખાતાનો સ્ટાફ પણ દોડતો થઈ ગયો છે. ભૂતકાળમાં ઘાસચારો બારોબાર પગ કરી જતો હોય તે કૌભાંડને ઢાંકવા દવની ઘટનાઓ ઉભી કરાયાનાં આક્ષેપ થયા હતા. રોપાઓનાં ઉછેરમાં કૌભાંડને છૂપાવવા પ્લાન્ટેશનમાં આગની ઘટનાઓ ઉભી કરાયાનાં આક્ષેપો પણ થયા હતા. ત્યારે હવે ફરી દવની ઘટનાઓ વધી પડતા લોકોમાં અનેક ચર્ચા જાગી છે.શિયાળો ઉતરતા ગીરમાં ઘાસ સુકાવા લાગે છે. ઝાડ-વેલાનાં સુકા પાદડાઓથી પણ જંગલ ઉભરાવા લાગે છે. ઊનાળાનાં પ્રારંભના સમયમાં દર વર્ષે દવની ઘટના બને છે.
ગીર પૂર્વમાં થોડા સમય અગાઉ તુલશીશ્યામ રેંજમાં બોરાણા નજીક દવ લાગતા આઠ હેકટર વિસ્તારમાં ઝાડ પાન બળી ગયા હતા. ત્યાર બાદ લાયાળા વિસ્તારમાં પંદર દિવસ પહેલા નાનુડી નજીક-ડુંગરમાં દવ લાગ્યો હતો. ખાનગી વીડીમાં લાગેલા આ દવે ઘણા વિસ્તારને તેની ઝપટમાં લીધો હતો. આ દવ તેની મેળે જ ઠરી ગયો હતો.હડાળા રેન્જમાં વાંકાજાબું જંગલમાં જંગલખાતાનો સ્ટાફ ફાયર કરતો હતો ત્યારે દવ લાગતા પાંચેક હેકટર વિસ્તારમાં ઘાસ બળી ગયું હતું. જ્યારે દલખાણીયા રેન્જમાં સુયાપુર વીડીમાં રોપાઓ વાવેલા હતા ત્યાં ભેદી સંજોગોમાં આગ ફાટી નીકળી હતી. વનખાતાનાં સુત્રોએ વજિતારમાંથી તણખા ઝરતા આગ લાગ્યાનો લૂલો બચાવ કર્યો હતો. પાછલા ચાર દિવસથી દલખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં તો દવની હારમાળા સર્જાઈ છે.
ગૂરૂવારે અહી સવારે અને સાંજે એમ બે વખત દવની ઘટના બની હતી. જેમાં બાર હેકટર જંગલ નાશ પામ્યું હતું. શુક્રવારે ફરી દવની ઘટના બની હતી. મજુરોએ અહિં જો કે તુરંત દવને કાબુમાં લીધો હતો. આમ છતાં ત્રણેક હેકટર જંગલ બળી ગયું હતું. રવિવારે ચોથી વખત દવ લાગતા ખાતાનો જંગી કાફલો દવને કાબુમાં લેવા સવારથી કામે લાગ્યો હતો. ગામનાં સરપંચ લાલાભાઈ પાટડીયાએ ગામનાં ૨૫ જેટલા યુવાનોને વનતંત્રની મદદે મોકલ્યા હતા. રવિવાર સાંજ સુધી આ દવ કાબુમાં આવ્યો ન હતો. જંગલનાં દરેક વિસ્તારમાં સ્ટાફ નિયમિત પેટ્રોલીંગ કરવાનો નિયમ છે. આમ છતાં ટૂંકાગાળાનાં દવની આઠ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે.
અધિકારીઓને અજાણ રખાતા ખૂલાસો પૂછાયો –
અડાણા રેન્જમાં વાંકા જાંબૂ વિસ્તારમાં વનખાતાનો સ્ટાફ ફાયર કરતો હતો. ત્યારે દવ લાગતા જતા અહીં ઘાસચારો અને ઝાડપાન બળી ગયા હતા. પાંચ હેકટર જંગલ નાશ થવા પામ્યો હોવા છતાં નીચેનાં સ્ટાફ દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરાઈ ન હતી. ડી.એફ.ઓ. દ્વારા આ અંગે નીચેના સ્ટાફનો ખૂલાસો પૂછવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-8th-time-fire-in-forest-in-karamadadi-forest-1969542.html

No comments: