Friday, March 25, 2011

ગિરનાર રોપ-વે હાલની સાઈટ પર જ બનાવાશે.

જૂનાગઢ, તા.૨૪
ગિરનાર રોપ વે માટે દોઢેક માસ અગાઉ કેન્દ્ર સરકારે સૈદ્ધાંતિક મંજૂરી આપ્યા બાદ પ્રથમ નંબરની મુખ્ય શરત સહિતની તમામ બાબતો માટે રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરી લેવામાં આવ્યો છે. તથા કેન્દ્રની સુચના પ્રમાણે રાજ્ય સરકારે કરેલા રિપોર્ટમાં સ્પષ્ટ નિર્ણય લેવાયો છે કે, ગિરનાર રોપ વે તેની વર્તમાન સાઈટ પરથી જ બની શકે છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે કેન્દ્ર સરકારની આખરી મંજૂરી તરફ સૌરાષ્ટ્રના પ્રજાજનોની મીટ મંડાઈ છે.
ગિરનાર રોપ વે માટે ગત તા.૭ ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા છ શરતો સાથે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. જેમાં પ્રથમ શરતમાં ગિરનાર રોપ વે દાતાર કે ભેંસાણ તરફથી શક્ય હોય તો તેની ચકાસણી કરવા જણાવાયું હતું. તેમજ યોજના માટે બે માસમાં રિપોર્ટ તૈયાર કરીને મોકલવા માટે કેન્દ્ર સરકારને સુચના આપવામાં આવી હતી.
છ પૈકીની સૌથી મહત્વની એવી પ્રથમ શરત માટે તો ઘણા સમય પહેલા જ ઉષા બ્રેકોએ નિર્ણય જણાવી દીધો હતો કે, રોપ વે અન્ય સાઈટ પરથી શક્ય નથી. દરમિયાનમાં ઉષા બ્રેકોએ ગઈકાલે રાજ્ય સરકારને યોજના માટેનો સર્વેનો આખરી રિપોર્ટ આપી દીધો છે. આ વિશે જૂનાગઢના અગ્રણી પ્રદિપભાઈ ખિમાણીએ જણાવ્યું છે કે, ગઈકાલે વનવિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી એસ.કે.નંદાએ તેના નિવેદનમાં કહ્યું છે કે, ગિરનાર રોપ વે તેની ઓરીજનલ સાઈટ પરથી જ બનવો જોઈએ. હવે રાજ્ય સરકાર એકાદ દિવસમાં કેન્દ્ર સરકારને રોપ વે નો રિપોર્ટ મોકલી દેશે. એટલે કેન્દ્ર સરકાર આખરી મંજૂરીની મહોર મારશે. રાજ્ય સરકારની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અને સૌરાષ્ટ્ર માટે મહત્વકાંક્ષી એવા આ પ્રોજેક્ટ માટે કેન્દ્રના નિર્ણય તરફ લોકોની મીટ મંડાઈ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274053

No comments: