Sunday, March 27, 2011

વન્યપ્રાણીઓ અને માનવી વચ્ચેનું ઘર્ષણ ટાળવા ખાસ ટીમની રચના

જૂનાગઢ, તા.ર૬:
વન્યપ્રાણીઓ અને માનવી વચ્ચેના વધી રહેલા ઘર્ષણના બનાવોને લઈને વનવિભાગ સક્રિય બન્યું છે. તથા ખાસ એક મોબાઈલ વાન સાથેની ટીમની રચના કરવામાં આવી છે. જંગલની બહાર નિકળી રહેલા વન્યપ્રાણીઓ અંગે પાયાના કારણો શોધીને આવા બનાવો અટકાવવા માટે આ ટીમ કાર્યરત રહેશે. તથા ગિર જંગલની બોર્ડર વિસ્તારના તમામ ગામડઓની મૂલાકાત લઈને ઉંડાણ પૂર્વકની જાણકારી મેળવશે. સિંહ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓ જંગલની બહાર નિકળીને પશુઓનું મારણ કરી રહ્યા છે. તેમજ છેલ્લા થોડા સમયથી માનવી સાથેના ઘર્ષણના બનાવો વધી રહ્યા છે. પરિણામે વનવિભાગ દ્વારા આવા બનાવો નિવારવા માટે મોબાઈલ વાન સાથેની ખાસ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ વન્યપ્રાણીઓ દ્વારા જંગલની બહારના વિસ્તારમાં કરવામાં આવતા મારણ અને હેલ્થના મોનીટરીંગની કામગીરી કરશે. ગિરનાર સરહદિય વિસ્તારમાં આવેલા ગામડાઓમાં આ ટીમ ક્રમશઃ સામેથી જઈને મૂલાકાત લેશે.તથા આગેવાનોને મળી અહી કાયમી આંટાફેરા મારતા વન્યપ્રાણીઓ વિશેની વિગતો મેળવશે.
વન્યપ્રાણીઓ દ્વારા થતા રંજાડની ફરિયાદો પણ આ ટીમ એકત્ર કરશે. તેમજ તેની નોંધ કરીને તેને દૂર કરવા રિપોર્ટ કરશે. ગામમાં કાયમી આંટાફેરા મારતા વન્યપ્રાણીઓની જાણકારી મેળવશે. મુખ્ય વન સંરક્ષક દ્વારા આ વાનનું ગઈકાલે લોકાર્પણ કરવામાં આવ્યું છે. તથા ટીમ દ્વારા કામગીરી શરૃ પણ કરી દેવામાં આવી છે.
 કોઈ વિસ્તારમાં મારણ થયું હોય તો આ ટીમ ત્યાં પહોંચી જઈને મારણનું નિરિક્ષણ કરશે. તથા મારણ કરનાર વન્યપ્રાણીઓનું મોનીટરીંગ કરશે. વન્યપ્રાણીઓ અને માનવીઓ વચ્ચેનું વધેલુ ઘર્ષણ નિવારવા માટે આ ટીમ કાર્યરત રહેશે.
ટીમ દ્વારા ખાસ રજીસ્ટર નિભાવવામાં આવશે
જૂનાગઢઃ મોબાઈલ વાન સાથેની આ ટીમ દ્વારા મૂલાકાત અંગેનું ખાસ રજીસ્ટર નિભાવવામાં આવશે. જેમાં મુલાકાતની તારીખ, રેન્જ, રાઉન્ડ, બીટ, ગામનું નામ, મૂલાકાત લીધેલ પદાધિકારી/આગેવાનનું નામ અને હોદ્દો, ફોન નંબર, રજૂઆતની વિગત, મારણની વિગત, વન્યપ્રાણી અંગેના અવલોકનની વિગત, વન્યપ્રાણીઓ દ્વારા કરાતા રંજાડની વિગત, અગાઉ કોઈ માનવી સાથે ઘર્ષણનો બનાવ બન્યો હોય તો તેની વિગત વગેરેની વિસ્તૃત નોંધ કરવામાં આવશે. તથા એક પ્રકારનો ડેટા ઉભો કરવામાં આવશે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=274681

No comments: