Tuesday, March 29, 2011

બચ્ચાં દીપડીના બદલે બિલાડીના નિકળ્યા.

વેરાવળ તા.૨૮
પશુઓ પણ એપ્રિલફુલ બનાવી શકે છે તેમ હજુ તો પહેલી એપ્રિલ આવી નથી ત્યાં વેરાવળ નજીક પંડવા ગામે એક ખેડુતની વાડીમાં બે બચ્ચા જોવા મળતા વનવિભાગને દીપડીના બચ્ચાં છે તેવુ જણાવતા વનવિભાગે ત્યાં દોડી જઇ એક દિવસ સુધી પાંજરામાં રાખ્યા હતા પણ આ બચ્ચાં દીપડીના બદલે બિલાડીના  નિકળ્યા હતા.વનવિભાગના જણાવ્યા અનુસાર બિલાડી અને દીપડીના બચ્ચાં જોવામાં સરખા લાગતા હોય છે તેથી વાડી માલિકના પરિવારની શંકાનુ સમાધાન કરવા માટે જ પાંજરામાં રાખ્યા હતા.
હજુ તો ૧લી એપ્રિલ આવી નથી ત્યાં જ વનવિભાગને એપ્રિલફુલ બનાવાનો વારો આવ્યો હોય તેમ ગઇ કાલે પંડવા ગામે વાડી વિસ્તારમાં રામશી નારણ વાળાની વાડીમાં  દીપડા જેવા લાગતા બે બચ્ચા મળી આવ્યા હતા.
જેના પગલે વેરાવળ વનવિભાગને જાણ કરાતા સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને આ બચ્ચાંને પાંજરામાં રાખવામાં આવ્યા હતા.બાદમાં આ પાંજરા ફરતે એક બિલાડી ચક્કર લગાવતી હતી પરંતુ દીપડી ક્યાંય નજરે ચડી ન હતી. ત્યારે આજરોજ આ બચ્ચાંને બિલાડી ભગાડીને લઇ ગઇ હતી અને આજુબાજુ વનવિભાગે તપાસ કરતા ક્યાંય પણ કોઇ અવશેષ ન જણાતા અંતે આ બચ્ચાં બિલાડીના હોવાનુ સ્પષ્ટ થયું હતું.
ફોરેસ્ટર વિનુભાઇ અપારનાથીના જણાવ્યા અનુસાર અમે ગઇકાલે સ્થળે ગયા બાદ વાડી માલિકને જણાવ્યા છતાં નવી માનતા  તેમની શંકાનુ સમાધાન કરવા માટે આ બચ્ચાંને પાંજરામાં મુક્યા હતા.પરંતુ દીપડી આવી ન હતી અને આજે કોઇ બિલાડી આ બચ્ચાંને લઇને ત્યાંથી નાસી ગઇ હતી.
એક બિલાડી બીજી બિલાડીના બચ્ચાંને મારી નાખે  છે તેથી બચ્ચાં હતા તેની નજીક દરેકમાં તપાસ કરી પણ અવશેષ ન મળતા બચ્ચાંની માતા બિલાડી જ બચ્ચાંને લઇ ગઇ હતી તેવુ સ્પષ્ટ થયુ હતુ. આમ, બચ્ચાં  બિલાડીના નિકળતા વનવિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275318

No comments: