Tuesday, March 15, 2011

દીપડાનો શિકારી પકડાયો, બીજો ફાંસલો પણ મળ્યો.

જૂનાગઢ, તા.૧૨
જૂનાગઢના ઈવનગર પાસે પ્લાસવાની સીમમાં ચેકડેમ નજીક ફાંસલો ગોઠવીને દીપડાનો શિકાર કરાયો હોવાની ઘટનામાં ગઈ કાલે આખી રાત વનવિભાગે દોડધામ કરી ઈવનગરમાં રહેતા શિકારીને ઝડપી લીધો છે. જો કે, ફાંસલામાં દીપડો ફસાઈ જતા મોતને ભેંટયો હોવાની આ શખ્સને જાણ થઈ ગઈ હતી. અને તે નાસી છૂટે તે પહેલા જ વનવિભાગે તેને દબોચી લીધો છે.
જૂનાગઢના પ્લાસવા ગામની સીમમાં સાવ છેવાડે ઈવનગરથી દોઢેક કિ.મી. દૂર એક ચેકડેમ પાસેથી ગઈ કાલે દીપડાનો ફાંસલામાં ફસાયેલો મૃતદેહ મળી આવ્યાની ઘટના બાદ વનવિભાગ ચોંકી ઉઠયું હતું. તથા ડી.સી.એફ. અનિતા કર્ણની સુચના અને એ.સી.એફ. કે.એ.ગાંધીના માર્ગદર્શન હેઠળ ડુંગર દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. દિપક પંડયાએ તપાસ હાથ ધરી હતી. ગઈ કાલે વનવિભાગે પ્રથમ નજીકની વાડીના ખેતમજૂરની પુછપરછ કરી હતી. જેમાં ઈવનગરના બે શખ્સોના નામ બહાર આવ્યા હતાં. આ બન્ને શખ્સોને પણ બોલાવીને વનવિભાગે પુછપરછ કરતા આ બનાવમાં ઈવનગરનો પરમીશ નાગજી કણસાગરા નામનો શખ્સ સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું. તથા વનવિભાગે ગઈકાલે રાત્રે જ આ શખ્સને ઝડપી લીધો હતો. જો કે આ શખ્સે ફાંસલો ભુંડના શિકાર માટે ગોઠવ્યો હોવાની કબૂલાત આપી છે. પરંતુ ફાંસલામાં ફસાઈને દીપડાનું મોત થતા વનવિભાગે આ શખ્સ સામે શિકારનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ સ્થળની થોડે દૂરથી શિકાર માટે ગોઠવાયેલો બીજો એક ફાંસલો પણ વનવિભાગની તપાસમાં મળી આવ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=270393

No comments: