Friday, March 25, 2011

ગીર જંગલમાં હજારો કહેવાતા પ્રવાસીઓનો અનઅધિકૃત પ્રવેશ.

જૂનાગઢ, તા.૨૩
વન્યપશુઓ જંગલની બહાર આવીને માનવી પર હૂમલા કરી રહ્યા હોવાના બનાવોની સંખ્યા રાજાની કુંવરીની પેઠે દિવસે ન વધે એટલા રાત્રે અને રાત્રે ન વધે એટલા દિવસે વધી રહ્યા છે. આવા બનાવો પાછળ એક વાત સ્પષ્ટ છે કે, હિંસક વન્યપશુઓને પહોંચાડવામાં આવતી ખલેલના કારણે આવા બનાવો બની રહ્યા છે. દરમિયાનમાં બહાર આવેલી ચોંકાવનારી હકિકતો અનુસાર તાજેતરમાં ગયેલા હોળીના પર્વના દિવસોમાં ગિર જંગલ અને બોર્ડર વિસ્તારમાં બેફામપણે શરાબ અને કબાબની મહેફિલો યોજાઈ હતી. જેને લીધે સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓ ભયંકર હદે ડિસ્ટર્બ થઈ ગયા છે. અને આ બાબત ખુદ વનખાતાના સુત્રોએ ખાનગીમાં સ્વિકારી છે. સિંહોના નિવાસસ્થાન તરીકે ગિર જંગલ વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું છે. એક તરફ સિંહોના રક્ષણ માટે ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ તહેવારોના સમયે સિંહ, દીપડા સહિતના વન્યપ્રાણીઓને ગેરકાયદેસર રીતે વનપ્રવેશ કરીને ભારે ખલેલ પહોંચાડવામાં આવી રહી છે. તાજેતરમાં જ ગયેલા હોળીના તહેવારોની રજામાં ગિર જંગલમાં મોટી સંખ્યામાં કહેવાતા પ્રવાસીઓએ અનઅધિકૃત રીતે ધામા નાખ્યા હતાં. ખુદ વનવિભાગના જ સુત્રોએ આપેલી વિગતો અનુસાર બે દિવસની રજામાં ગિર જંગલ અને બોર્ડર વિસ્તારના ગામડાઓમાં મોટા પ્રમાણમાં લોકો વાહનો લઈને ગેરકાયદેસર સિંહ દર્શન માટે પહોંચી ગયા હતાં.
  • વન્યપ્રાણીઓને ભારે ખલેલ પહોંચી : કડક પગલા લેવા ઉચ્ચ અધિકારી સમક્ષ માગણી
ખાસ કરીને જંગલમાં આવતા તાલાળા તથા ધારી તાલુકા અને બોર્ડર સાથે જોડાયેલા મેંદરડા, વિસાવદર, માળિયા, સુત્રાપાડા, કોડીનાર વગેરે તાલુકાના અનેક ગામડાઓમાં સગા વહાલાઓ શોધીને લોકો રજાઓ ગાળવા માટે પહોંચી ગયા હતાં. બોર્ડર વિસ્તારમાં આવેલા અનેક ફાર્મ હાઉસમાં મટન અને શરાબની મહેફિલો યોજાઈ હતી. દિવસે આરામ કરીને લોકો રાત્રીના સમયે જંગલમાં ઘુસણખોરી કરી હતી. વનવિભાગના હાથે ઝડપાઈ ન જવાય તેની તકેદારી માટે કેટલાક લોકો પગપાળા જંગલમાં પ્રવેશ્યા હતાં.
આવી રીતે અનઅધિકૃત જંગલમાં પ્રવેશેલા લોકોએ બેલગામ બનીને બેફામપણે વન્ય પ્રાણીઓને પરેશાન કર્યા હતાં. પરિણામે જંગલમાં શાંતિથી રહેતા સિંહ, દીપડા સહિતના પશુઓ ડિસ્ટર્બ થયા છે.
એક તબક્કે ગિર જંગલ તહેવારોના સમયે આવી રીતે ફરવા માટે લોકોમાં કૂખ્યાત બની રહ્યું છે. કાયદેસર રીતે તો જંગલમાં ચોક્કસ સંખ્યામાં જ પ્રવાસીઓને પ્રવેશવા દેવાય છે. તથા સાંજે ૬ વાગ્યા પછી પ્રવાસીઓને ફરજીયાત બહાર નિકળી જવાનું હોય છે. પરંતુ બોર્ડર વિસ્તારમાંથી છીંડા શોધીને અનઅધિકૃત રીતે પ્રવેશેલા લોકો માટે કોઈ રોકટોક હોતી નથી. સિંહો દેખાયા હોવાની વાત તરત જ આસપાસના વિસ્તારોમાં વગેવગે પહોંચી જતી હતી. અને બાદમાં આસપાસમાંથી અહી લોકોના ટોળા એકત્ર થઈ જતા હતાં.
વનવિભાગના  અધિકારીઓ પર રખાતી ખાસ વોચ
જૂનાગઢઃ ગિર જંગલમાં અનઅધિકૃત રીતે પ્રવેશનારા તત્વો દ્વારા વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પર ખાસ વોચ રાખવામાં આવતી હતી. ઉચ્ચ અધિકારીઓ અચાનક ચેકિંગ માટે નિકળે અને ઝડપાઈ ન જવાય તે માટે બાતમીદારો સક્રિય રાખવામાં આવે છે. અને અધિકારી ચેકિંગ માટે નિકળે એટલે તરત જ જે તે વિસ્તાર ખાલી થઈ જાય છે. આ બાબતમાં સ્થાનિક સ્ટાફની મિલીભગત હોવાનો આક્ષેપ પણ સુત્રો કરી રહ્યા છે.
સિંહ જોવા એક સાથે રપ૦ લોકો એકત્ર થતાં હતાં
જૂનાગઢઃ જંગલમાં કોઈ સ્થળે સિંહ કે ગૃપ દેખાયું હોવાનું વાત વાયુવેગે પ્રસરી ગયા પછી ગણતરીના સમયમાં જ અહી ર૦૦ થી રપ૦ લોકોના ટોળા એકત્ર થઈ જતા હતાં. કોઈ સિંહ જંગલની બહાર આવી ગયો હોય ત્યારે પણ આવી હાલત સર્જાતી હતી. સિંહોનું મેટીંગ અત્યારે સિઝનલ રહ્યું નથી. પરિણામે મેટીંગમાં રહેલા સિંહોને જોવા માટે પહોંચી જતા લોકો સિંહ યુગલને ખલેલ પહોંચાડે છે.
ખાનગી ફાર્મ હાઉસોમાં મહેફિલો મંડાઈ હતી
જૂનાગઢ : ગિર જંગલની બોર્ડર પર આવેલા ખાનગી ફાર્મ હાઉસોમાં મહેફિલો મંડાઈ હતી. સંબંધો શોધીને અહી લોકો પહોંચી જતા હતાં. અને કેટલાક ફાર્મ હાઉસોમાં તો દરરોજ ૧પ ફોરવ્હિલ જોવા મળતી હતી. આ તમામ લોકો રાત્રીના સમયે શામ, દામ, દંડ અને ભેદના નિયમને અનુસરીને જંગલમાં પ્રવેશ મેળવી લેતા હતાં. ગિર જંગલની બોર્ડરમાં અનેક ફાર્મ હાઉસો છેલ્લા થોડા સમયમાં બની ગયા છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273846

No comments: