Monday, March 21, 2011

ઢોર ચરાવતા ખેડૂત પર 5 સિંહનો હુમલો

 Sunday, March 20
Source: Bhaskar News, Bhesan
- લોકોનાં ટોળાઓ બનાવ સ્થળે એકઠા થઈ જતા સિંહોનું ટોળુ ઝાડી-ઝાખરા પાછળ બેસી ગયું
- ત્યાંથી ખસેડવા ફોરેસ્ટ તંત્રએ કવાયત હાથ ધરી
ભેંસાણનાં છોડવડી નજીક નવા પીપળીયા ગામની સીમમાં આજે સવારે આવી ચઢેલા પાંચ સિંહોનાં ટોળાએ ઢોર ચરાવી રહેલા ખેડૂત પર હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડતા તેને જુનાગઢની સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો છે. જ્યારે અન્ય એક ખેડૂત સિંહોને જોઈ ભાગવા જતા તેને પણ ઈજા પહોંચી હતી.
આજે સવારે આઠ વાગ્યે નવા પીપળીયા ગામનાં બાવકુભાઈ નાગભાઈ ચાંદુડ નામનો યુવાન ખેડૂત પોતાના માલઢોર લઈને છોડવડી અને નવાપીપળીયાની વચ્ચે આવેલી ગૌચરની જમીનમાં ઢોર ચરાવી રહ્યો હતો ત્યારે બે સિંહ, બે સિંહણ અને ૩ સિંહ બાળનું ટોળુ ઓચિંતુ આવી ચઢતાં બાવકુભાઈ ગભરાઈ ગયા હતા. પરંતુ હિંમતભેર પોતાનો અને ઢોરનો બચાવ કરવા પ્રયાસ કર્યો હતો.
છતા આ યુવાન પર પાંચ જેટલા સિંહોએ ઓચિંતો હુમલો કરી દેતા તેણે હિંમત હાર્યા વગર સિંહો સાથે બાથ ભીડી સંકજામાંથી છુંટવામાં સફળ રહ્યો હતો. દરમ્યાન બાજુનાં ખેતરમાં કામ કરી રહેલા મનસુખભાઈ રણછોડભાઈ સાંકરીયા નામના ખેડૂત પણ સિંહોને જોઈને ડરના માર્યા ભાગવા જતા તેમને પણ ઈજા થઈ હતી.
આ સમગ્ર બનાવની જાણ ભેંસાણ તાલુકાના સામાજીક અગ્રણી ચંદ્રેશભાઈ ધડૂકને થતા તેઓએ ફોરેસ્ટ વિભાગને જાણ કરતાં ડિએફઓ અનિતા કર્ણ, એસીએફ ઠુંમર, આરએફઓ પંડયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લોકોનાં ટોળાઓ બનાવ સ્થળે એકઠા થઈ જતા સિંહોનું ટોળુ ઝાડી-ઝાખરા પાછળ બેસી ગયું હતું. સાંજ સુધી ત્યાં બેસી રહેતા તેને ત્યાંથી ખસેડવા ફોરેસ્ટ તંત્રએ કવાયત હાથ ધરી હતી.

source: http://www.divyabhaskar.co.in/article/SAU-five-lion-attack-on-farmer-in-bhesan-1948845.html?HT1=

No comments: