Friday, March 25, 2011

જૂનાગઢના જામકામાં દીપડાનો આતંક, ત્રણ ખેડૂતો પર હુમલો.

જૂનાગઢ, તા.૨૩
જૂનાગઢ તાલુકાના છેવાડાના ગામ જામકામાં આજે સવારમાં ધોળા દિવસે આવી ચડેલા એક દીપડાએ ખેતરમાં પાણી વાળી રહેલા ત્રણ ખેડૂતો પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા સમગ્ર પંથકમાં ભયનું મોજુ પ્રસરી ગયું છે. ઈજાગ્રસ્ત ત્રણેય ખેડૂતને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે. જ્યારે બનાવને પગલે વનવિભાગે પણ ઘટનાસ્થળે દોડી જઈને કાર્યવાહી હાથ ધરી છે. વિગત મૂજબ જામકાની સીમના ત્રણ વોકળી વિસ્તારમાં આવેલ ખેતરમાં તલના પાકમાં પાણી વાળી રહેલા રમેશભાઈ નાથાભાઈ ઠુંમર નામના ૪૦ વર્ષના ખેડૂત પર ક્યાંકથી આવી ચડેલા એક દીપડાને ઢોર તરફ જતો રોકવા માટે રાડો પાડતા દીપડાએ અચાનક જ હુમલો કરી દીધો હતો. બચાવામાં રમેશભાઈએ વચ્ચે બે હાથ નાખતા દીપડાએ તેના હાથ મોઢામાં પકડી લીધા હતાં.
  • પાણી વાળી રહેલા ખેડૂતના બન્ને હાથ મોઢામાં પકડી લીધા 
દરમિયાન, આસપાસના ખેતરોમાં કામ કરી રહેલા વજૂભાઈ લાલજીભાઈ રાદડીયા નામના ૪૦ વર્ષના ખેડૂત બચાવમાં દોડી આવતા દીપડાએ તેના પર પણ હુમલો કરીને માથામાં જોરદાર પંજો મારી દીધો હતો. દરમિયાન, મૂળાભાઈ હમીરભાઈ ગોહિલ નામના પ૦ વર્ષના ખેડૂત પણ મદદ માટે દોડી આવતા દીપડાએ તેના પર પણ હુમલો કરીને હાથમાં ઈજા પહોંચાડી હતી. ત્રણ ખેડૂતોને ઈજા પહોંચાડયા બાદ દીપડો નાસી છૂટયો હતો. તથા ત્રણેય ઈજાગ્રસ્ત ખેડૂતોને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે જૂનાગઢ વનવિભાગના આર.એફ.ઓ. દીપક પંડયા સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=273865

No comments: