Tuesday, March 15, 2011

સાસણમાં 8 ડાલામથ્થાને જોઈ દેવ પટેલ અભિભૂત.

Tuesday, March 15, 2011 

- સ્લમ ડોગ મિલિયોનર યુવા અભિનેતાએ માણી સોરઠની મહેમાન ગતિ- જુનાગઢની ટુંકી મુલાકાતે આવેલા દેવે ઉપરકોટ, નરસિંહ મહેતા ચોરો, દરબાર હોલ મ્યુઝીયમ સહિત ઐતિહાસિક સ્થળો જોયા - કૃષિ યુનિ.નાં ઓડીટોરિયમમાં જુવાનો સાથે વાર્તાલાપ
સ્મલડોગ મિલિયોનર ફિલ્મથી ખ્યાતનામ બનેલા મૂળ ગુજરાતી યુવા અભિનેતા દેવ પટેલ આજે સોરઠનો મહેમાન બન્યો હતો. સવારે ૮:૩૦ કલાકે પોતાની માતા સાથે જુનાગઢ આવી પહોંચેલા દેવ પટેલે નરસિંહ મહેતાનો ચોરો, ઉપરકોટ સહિતનાં શહેરનાં ફરવા લાયક સ્થળોને જોઈ પ્રભાવિત થયો હતો. જ્યારે સાસણ ગીર ખાતે અભ્યારણમાં આઠ સિંહને જોઈ આ યુવા અભિનેતા અભિભૂત થઈ ગયો હતો.
રાજકોટમાં એક બ્લડ બેન્કનાં ઉદ્ઘાટન પ્રસંગે આવેલા યુવા અભિનેતા દેવપટેલ આજે જુનાગઢનો મહેમાન બન્યો હતો. સવારે તેમનુ આગમન થતા પૂર્વ સાંસદ ભાવનાબેન ચિખલીયા અને ડૉ.ડી.પી.ચખિલીયા પરિવાર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
દેવપટેલે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર આવવાનો મુળ હેતુ બ્લડ બેન્કનું ઉદ્ઘાટન છે. મનુષ્યનું લોહી જ બીજા મનુષ્યને કામ લાગે છે. માટે રકદાન અંગે લોકોમાં જાગૃતી આવે તે જરૂરી છે. જુનાગઢમાં દેવ પટેલે નરસિંહ મહેતાનો ચોરો, ઉપરકોટ, દરબારહોલ મ્યુઝીયમ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. આ સ્થળો જોઈને તે અત્યંત પ્રભાવિત થયો હતો. ખાસ કરીને દરબાર હોલ મ્યુઝીયમમાં નવાબીકાળની વિરાસતો તેણે અત્યંત બારીકાઈ અને રસપૂર્વક નિહાળી અને વિઝીટબુકમાં નોંધ કરી હતી કે આ અદભૂત જગ્યા છે.
જુનાગઢની મુલાકાત સમયે દેવ પટેલે કૃષિ ઓડીટોરીયમમાં વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પુછયા હતા. જેના જવાબો આપતી વખતે તેના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓને તેણે લક્ષ્ય પ્રાપ્ત કરવા આત્મવિશ્વાસ સાથે સખત મહેનત કરવા જણાવ્યું હતું. દરમ્યાન બપોર બાદ આ યુવા અભિનેતા કાફલા સાથે સાસણ ગીર પહોંચ્યા હતા અને ત્યાં ડેડકડી રેન્જનાં પારવીયા વિસ્તારમાં બે પછી ચાસાના હિલ વિરડી વિસ્તારમાં બે અને દાજીયાનો હીલ વિસ્તારમાં ચાર મળી કુલ આઠ સાવજો જોઈ ગીરનાં આ વિસ્તારમાં દેવ આનંદીત થઈ ઉઠયો હતો. દેવ પટેલે વાઈલ્ડ લાઈફની દુનિયા એકદમ નજીકથી નિહાળી મનભરીને એશિયાટીક લાયનની ફોટોગ્રાફી પણ કરી હતી.
સ્લમ વિસ્તારની શાળાની મુલાકાત લીધી દેવ પટેલે જુનાગઢનાં આંબેડકર નગરની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને ભૂલકાઓને કિટનું વિતરણ કર્યું હતું. દેવપટેલે પછાત વિસ્તારનાં બાળકોને વધુમાં વધુ શિક્ષણ મેળવવા જણાવ્યું હતું.
સ્વપ્ન જોવો સાકાર થશે : જમાલ અને દેવ વચ્ચેનું સામ્ય સ્લમ ડોગ મિલિયોનર ફિલ્મમા જમાલની દેવ પટેલ વચ્ચે સામ્ય શું છે ? તેવા સવાલનાં જવાબમાં દેવે કહ્યું કે, એ એક કાલ્પનિક પાત્ર હતું. આ મારી રિયલ લાઈફ છે હા સ્વપ્ન જોવો અને એ સ્વપ્ન સાકાર થશે એ જમાલ અને દેવ વચ્ચેનું સામ્ય છે.
દેવે સ્લમ ડોગની ઓડિશન ટેસ્ટ આપવાની ના કહી હતી સ્લમડોગ મિલિયોનર ફિલ્મના જમાલ મલેકનાં પાત્રની ઓડીશન ટેસ્ટના બીજા દિવસે દેવપટેલની પરીક્ષા હતી. જેથી તેણે ઓડીશન ટેસ્ટ આપવાની ના કહી હતી. પરંતુ તેની માતા આરતી પટેલે તેને પ્રોત્સાહન આપ્યું અને પોતાને રસના ક્ષેત્રમાં આગળ વધવા જણાવતા તેણે ઓડીશન ટેસ્ટ આપ્યો અને પસંદગી પણ થઈ સાથો સાથ પરીક્ષામાં પણ ટોપ ગ્રેડ મેળવ્યો.
ગરીબી બતાવવાનો નહીં દુનિયા કેટલું શીખે તે હેતુ હતો દેવ પટેલે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, સ્લીમડોગ મિલિયોનર ફિલ્મનો હેતુ ગરીબી બતાવવાનો નહી પરંતુ આમાંથી દુનિયા કેટલુ શીખે છે તે હતો. એક સંદેશ આપવાની વાત હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-dev-patel-happy-to-seen-8-lion-in-sasan-gir-1934337.html?HF=

No comments: