Wednesday, March 16, 2011

હિંગોળગઢ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલો વાજસૂર ખાચરનો આ કિલ્લો આજેય બેજોડ ગણાય છે.

ગઢનું નામ સાંભળતાં જ આપણને શિવાજી મહારાજની યાદ આવી જાય. તેમણે દક્ષિણ બાજુ ઘણાં ગઢ જીત્યા હતા અને ઔરંગઝેબને હેરાન-પરેશાન કરી નાખેલો.
સોળમી-સત્તરમી સદીમાં ગઢનું મહત્વ ઘણું જ હતું. જ્યારે દુશ્મનો ચડી આવે ત્યારે ઊંચા ટેકરા પર મજબૂત બાંધેલા ગઢમાં ગામના લોકો રક્ષણ મેળવતા અને ગઢની રાંગ ઉપરથી દુશ્મનોને માથે હુમલો કરતા. ગરમ તેલ કે પાણી રેડીને દુશ્મનોને ભગાડી મૂકતા. મોટા મોટા પથરા કે લાકડાના ટુકડા ફેંકતા, અવરોધો ઊભા કરતા.
યુરોપની સંસ્કૃતિમાં નબળા લોકોના રક્ષણ માટે જબરા કિલ્લેદાર ગઢની રચનાઓ કરવામાં આવતી હતી. ગઢ દૂરથી જોતાં ખૂબ જ સોહામણો લાગે છે. પેલી પરીકથાની વાર્તામાં આવતી સ્વપ્નસૃષ્ટિ સમાન લાગે છે. આપણાં ભારતમાં ઘણાં મોટાં ગઢો આવેલા છે. તેમાં સૌરાષ્ટ્રની માથે સત્તરમી સદીમાં જ્યારે મુસ્લિમ રાજાઓની સેના ચડી આવતી ત્યારે લોકોના જાન-માલનું રક્ષણ કરવા કેટલાંક રાજવીઓએ સંરક્ષણની દ્રષ્ટિએ ગઢ બંધાવેલા હતા. તેમાં જસદણ દરબાર શ્રી વાજસુ ખાચરે 'હિંગોળગઢ'ની રચના કરેલી  તે ખરેખર જોવા લાયક છે.
રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકો. આ જસદણ ગામથી વિંછીયા જતાં રસ્તામાં ઊંચા ટેકરા પર એક ગઢ દેખાય છે. આ ગઢ એજ હિંગોળગઢ. રાજકોટથી બોટાદ જતાં રસ્તામાં ૭૭ કિ.મી. દૂર અને જસદણથી ૧૮ કિ.મી. દૂર આ હિંગોળ ગઢ આવેલો છે.
આ હિંગોળગઢની રચના કેવા અરસામાં થઇ તેનો થોડો ઇતિહાસ જાણવા જેવો છે. પંચાળ પંથકમાં કોલીથડ બાજુથી ભાકુંભાજી જાડેજાએ કોળીની વસતિને તગેડી મુકેલી જેને જસદણના ખાચર દરબારોએ આશરો આપીને પોતાના પંથકમાં વસાવેલી.
કોળી-પટેલોની વસતિ એ જમાનામાં ભારે ખેપાની ગણાતી. આંખે અને પગે ઊપાડી જાય એવા અઠંગ તરકીબ બાજો હતા. પરંતુ ઇ.સ. ૧૭૯૫ની આસપાસ ભોંયરા ગામ જે હાલ હિંગોળગઢની તળેટીમાં આવેલું છે. ત્યાંના ઓઢા ખાચરના દીકરા વાજસૂર ખાચરને જસદણની બાગદોર સંભાળવા વિનંતી કરી. સેલા ખાચરે ઘોડી અને તલવાર વાજસૂર ખાચરને  સોંપી જસદણની ગાદીએ બેસાડયા. વીર વાજસૂર ખાચર તે જમાનાના કાઠી સરદારોમાં મુખ્ય હતા અને તેમણે હામ,દામ, શામ અને દંડથી અરાજક તત્વોને દાબીને જસદણના બેતાલીસ ગામોમાં શાંતિ સ્થાપી હતી.
પોતાના પંથકમાં લોકો સુખ-શાંતિથી જીવે એટલા માટે વાજસૂરે જસદણ અને વીંછીયા વચ્ચે આવેલી મોતીસરીની વીડ તરીકે પંકાતા ઊંચા ટેકરા ઉપર જબરો ગઢ બાંધવાનું નક્કી કર્યું.
પ્રથમ વખત કહેવાય છે કે જે ટેકરા પર ગઢ બાંધવાની વાજસૂર ખાચરે શરૃઆત કરેલી ત્યાં જામનગરના સેનાધિપતી મેરૃ ખવાસે જામ જસાજીને ચડાવીને ગાયકવાડી લશ્કરની મદદથી ગઢ તોડાવી પાડેલા તેમ છતાં વીર વાજસૂર ખાચર હતાશ બન્યા નહીં.
જામ જસાજીના લગ્ન ધાંગધ્રાના પ્રધાન રાજા સાહેબ શ્રી ગજસિંહજીના કુંવરી બા સાથે થયા ત્યારે મૈત્રાચારીનો હાથ લંબાવતા જસદણ બાજુ આવેલા આટકોટ ગામ જામ જસાજીએ હાથ ઘરણામાં ભેટ ધર્યું અને જામનગર સાથેજસદણની ભાઇબંધી પાકી થઇ.
એક અવરોધ દૂર થયો એટલે ઇ.સ. ૧૮૦૧ની સાલમાં શુભ મુર્હતે વાજસૂર ખાચરે મોતીસરીની વીડના બીજા ડુંગર પર ગઢ બાંધવાની શરૃઆત કરી.
શ્રી વાજસૂર ખાચર માતા હિંગળાજના ભક્ત હતા એટલે હિંગળાજ માતાનું અધિષ્ઠાન કરી હિંગળાજ માતાના નામ પરથી ગઢનું નામ હિંગોળગઢ રાખ્યું. હિંગોળગઢ આટલા પંથકની શોભારૃપ ગણાય છે.
સૌરાષ્ટ્રમાં આવો લડાયક ગઢ ભાગ્યે જ હશે. દૂરથી કળાતો હિંગોળગઢ જાણે આકાશથી વાતો  કરતો હોય એવો દીસે છે. આ ગઢ દરિયાની સપાટીથી ૩૩૫ મીટર ઊંચો છે (૧૧૦૦ફૂટ) ચારે બાજુ અસંખ્ય વૃક્ષોની ઝાડી ગઢની શોભામાં અભિવૃદ્ધિ કરે છે.
આ હિંગોળગઢની શોભા ચોમાસાની ઋતુમાં ખુબ જ અનોખી હોય છે. ચારેકોર લીલીછમ ચાદર પ્રકૃત્તિએ બિછાવેલી હોય અને ઊંચા ટેકરા પર મોરની કલગી સમાન તે જમાનાની યાદ આપતો ઉન્નત મસ્તકે હિંગોળગઢ લોકોને આવકાર તો હોય તેવું લાગે છે.
આ હિંગોળગઢની રચના યુદ્ધની દ્રષ્ટિએ અને વ્યુહાત્મક રીતે ઘણી ઉત્તમ છે. જાણે યુરોપની ધરતીનો નમૂનો જ જોઇ લ્યો. આ ગઢને ફક્ત પશ્ચિમે જસદણ બાજુ એક જ દરવાજો છે. દરવાજો વટાવીને અંદર પ્રવેશતાંની સાથે જ મોટો ચોક આવે છે. ત્યાં ઊંચા લીમડાના વૃક્ષ વિંઝણા નાખતા પર્યટકોનું સ્વાગત કરે છે.
આ ગઢમાં વાજસૂર ખાચર વખતની જુનવાણી તોપો જોવા મળે છે. એ જમાનામાં બસો જેટલા આરબોની ચોકડીના હુમલાનો ભય આ ગઢ માથે રહેતો.
અનાજના મોટા કોઠારો, પાણીના મોટા ટાંકાઓ વગેરે દરેક જાતની સગવડો અહીં છે. લડાઇના વખતમાં આ કિલ્લો દરેક રીતે સંપૂર્ણ નિર્ભય બનાવે તેવી ઢબે બાંધેલો છે.
કહેવાય છે કે, કાઠિયાવાડમાં આવા બીજા પાંચ કિલ્લા આવેલા છે. તેમાં એક ખીરસરાનો, બીજો જામનગરનો બરડા ધક્કામાં મોડ પરનો, ત્રીજો રાજપરાનો, ચોથોગોંડલ તાબાના અનળગઢનો અને પાંચમો ભિમોરાનો ગઢ આ બધામાં 'હિંગોળગઢ આજની તારીખમાં અડીખમ ઊભો છે. તેની એક કાંકરી પણ ખરી નથી એવુ ંબાંધકામ કરવામાં આવેલું છે.
હિંગોળમાતાની મેડીમાં મોટા વાજસૂર ખાચરના હથિયારો તે વખતમાં રાખવામાં આવતા હતા. વીંછીયાથી આવતા સામા દેખાતા રાજહેલસમાં હિંગોળગઢની શોભા જોવા જેવી છે. ઝરૃખાઓ અને રંગબેરંગી કાચની બારીઓ તથા બારણાઓ ખુબ જ સુંદર લાગે છે.
હિંગોલગઢની રચનામાં બન્ને છેડે ગોળાકાર આકારમાં ગઢ બાંધાવામાં આવ્યા છે. નૈઋત્ય ખુણાના કોઠારમાં હજુરની ઓફિસ રાખવામાં આવતીહતી.
હિંગોળગઢ ઉપર તળાવ પણ બનાવેલું છે જેમાં રંગ-બેરંગી માછલીઓ નૃત્ય કરતી જોવા મળે છે. લીલા નાળિયા આ હિંગોળગઢની ખાસ વિશિષ્ટતા ગણાય છે. ધુમ્મસની વેળાએ આ ગઢ નજીકથી અતિ સુંદર દેખાય છે.
જસદણના દરબાર આલાખાચર બીજા ચોમાસું બેસતાં જ અહીંચાર માસ મુકામ કરતા અને દશેરાએ ધામધૂમથી માતા હિંગળાજની પૂજા કરતાં આ ગઢ બાંધવામાં આવ્યો ત્યારે ખુબ જ ગાઢ જંગલ હતું. મુખ્યત્વે ગોરડ, બાવળ, ગુગળ, કરોળી જેવા ઝાડ અને ટૂંકા ઘાસના વીડથી આખો વિસ્તાર છવાયેલો રહેતો. પરંતુ રેસીડન્સીના વખતમાં દુર્લક્ષને કારણે ઘણાં બધાં વૃક્ષો કપાઇ ગયા.
કહેવાય છે કે, પચીસ વર્ષ પહેલાં આ જંગલમાં પંચાળના પંથકના દીપડા, વરૃ, સુવ્વર, ચિંકારા, નીલગાય વગેરે સારી સંખ્યામાં પ્રાણીઓ હતા. મોટા પ્રમાણમાં જંગલ વિસ્તાર પાખો થઇ જવાથી પ્રાણીઓની સંખ્યા ઓછી થતી જાય છે.
છેલ્લાં દસેક વરસથી હિંગોળગઢ પક્ષીઓનાં શોખીનો માટે અનેરૃં ધામ બન્યું છે. પ્રાકૃતિક સંપત્તિથી ભરપુર હિંગોળગઢનો વિસ્તાર અનેક જાત-જાતનાં પંખીઓથી શોભી ઊઠે છે. ચોમાસા અને શિયાળામાં ખૂબ જ દૂરથી પંખીઓ અહીં આવે છે.
ભારતના પક્ષી વિશારદ ડો. સલીમ અલીને આ સ્થળ ખૂબ જ ગમી જવાથી તેમની હયાતીમાં દર વર્ષે શિબિર યોજવામાં આવતી. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ તેમ જ પક્ષી પ્રેમીઓનો મેળો હજુ જામે છે. વિદ્યાર્થીઓને પક્ષીઓની ખાસિયતો તથા રૃપ-રંગ વિશે ઓળખાણ આપવામાં આવે છે.
ગુજરાત સરકારે આ વિસ્તાર અભયારણ્ય તરીકે જાહેર કર્યા બાદ પશુ-પંખીઓનો શિકાર કરવાની મનાઇ ફરમાવી. ખાસ કરીને હિંગોળગઢ પરિસરનું આખું  ય વાતાવરણ પક્ષીઓના કિલ્લોલથી સંગીતસભર બન્યું છે.
હિંગોળગઢની તળેટીમાં હિંગોળ ગામ અને એક મંદિર વસાવવામાં આવ્યું છે. રબારી, કોળીઓની વસતિ ખાસ રહે છે. હવે તો હિંગોળગઢની વીડી ઘેંટાઉછેર કેન્દ્ર તરીકે જાણીતી બની છે. મેરીના ઘેટાં અહીં લવાયાં છે. જસદણથી જતાં અને વિંછીયાથી આવતા રસ્તામાં હિંગોળગઢ આપણું ધ્યાન ખાસ ખેંચે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે શિબિર યોજવા અને પર્યટન માટે નજીકમાં ત્રણ કિ.ંમી. દૂર બિલેશ્વર મહાદેવની જગા જંગલમાં મંગલનો અનુભવ કરાવે તેવી રમણીય છે.
કમળાપુર, લાલાવદર, ખડકાણા, ભોૅયરા, કડકા ગામથી હિંગોળગઢનું દ્રશ્ય સુંદર લાગે છે. જ્યારે હિંગોળગઢ પર ચઢીને નજર કરતાં નદી-તળાવો કાચની જેમ ચમકે છે. નાનાંગામડાંઓ કુદરતની ગોદમાં પંખીના માળા પેઠે દેખાય છે. હિંગોળગઢની એક વખત મુલાકાત લેવા જેવી ખરી.
પ્રકૃતિની ગોદમાં કુદરતી સૌંદર્યથી તરબતર એવું હિંગોળગઢ રાજકોટથી થોડું દૂર જસદણની સમીપ આવેલું છે. જસદણની આજુબાજુના વિસ્તારમાં ચોતરફ જે હરિયાળી દ્રષ્ટિગોચર થાય છે. જે જંગલ અવલોકી શકાય છે, તેજંગલની બારી એટલે હિંગોળગઢ.ખૂબ જ સુંદર જગ્યા છે. પ્રકૃત્તિપ્રેમીને આ જગ્યા મોહી લે છે. હિંગોળગઢમાં એક પ્રાચીન કિલ્લાની આસપાસ મોટું બધું જગંલ વિસ્તરેલું છે. ઓખામંડળના વિસ્તારમાં આવડું મોટું જંગલી વૃક્ષોથી તરબતર એકેય જંગલ નથી.
હિંગોળ ગઢ એક મોટા ટેકરા પર આવેલો છે. એટલો બધો ઊંચે છે કે તેને ચારે બાજુથી નિહાળી શકાય છે. પુરાણકાળની ઇમારત અધ્યતન યુગમાં તેનું સાત્વિક તેજ પ્રસારતી ઉભી છે. વચ્ચોવચ સરસ મજાનો બગીચો ને હોજ તેની સુંદરતામાં ઓર વધારો કરે છે.
હિંગોળગઢનું જંગલ ખૂંદવા નીકળો તો ચારેબાજુ ગોરડ, બાવળ, આંબલી, કચેરાં ને જંગલી વૃક્ષોનું જ સામ્રાજ્ય દેખાય. રસ્તો પણ ખરબચડો ને પથરાળ તો ક્યાંક માખણ જેવો મુલાયમ. જેટલાં ઝડપથી ચડો તેટલાં જ ઝડપથી ઉતરી જવાય. પક્ષીઓનો કલરવ જાણે દિવ્ય સંગીત. બપોરના જ્યારે સૂર્ય તપતો હોય ત્યારે પણ ત્યાં મીઠી છાંય આપવાવાળા વૃક્ષો થાક લાગવા જ ન દે. રસ્તે ચાલતાં ક્યાંક ક્યાંક ચિંકારા, હરણ,નીલગાય, સસલાં તમન અવશ્ય દેખાવાના જય પણ જો આજુબાજુમાં ક્યાંક અવાજ થાય તો વીજળીની જેમ તેજ લિસોટો કરી ચાલી જાય. પછી દેખાય જ નહીં. વૃક્ષો પર ક્યાંક ક્યાંક કબૂતર, હોલાં, મોર, ઢેલ, લક્કડખોદ, બુલબુલ ચકલીઓ ગુંઝતા નજરે પડે. રંગબેરંગી પતંગિયાઓ ને કળા કરતાં મોરને જોવા હોય તો હિંગોળગઢમાં જ જોઇ શકાય. ક્યાંક ક્યાંક વીંછી, સર્પ, કાનખજૂરા પણ જોવા મળે.
હિંગોળગઢમાં રાત્રિ રોકાણ કરવું એ અદભૂત અનુભવ લેવા જેવું છે. માથે ખુલ્લું આકાશ, આજુબાજુ વૃક્ષો, ઝબૂકતાં તારલાઓ અને બોલતા તમરાંઓ, તો વળી આગિયાઓની કતાર નીકળી પડેલી દીસે. આવા કુદરતી સ્થળે ઊંઘ આવવી પણ મુશ્કેલ બની જતી હોય છે.તંબુમાં રહેવાની મોજ ભીમકૂઇ જેવા સ્થળે માણવાની મળે. ભીમ જેવી કાયા ધરાવતું વયોવૃદ્ધ વડનું ઝાડ અસંખ્ય વડવાઇઓ ઝૂલાવતું ઉભું હોય તે જોવું જ મનોરમ્ય લાગે છે. વડની નીચે જ કૂવો છે જે તરસ્યાઓની પરબ સમો છે. તેના પાણીથી તરસ છીપાવીને શરીરનો થાક દૂર થઇ સ્ફૂર્તિલા થવાય છે. ભીમકૂઇથી ૧૫ કિ.મી. દૂર વાંસના બીડ આવેલાં છે. રસ્તે જતાં વચ્ચે એક ભોંયરા નામનું ગામ આવે છે જ્યાં ખરેખર એક ભોંયરું છે. જે જુનાગઢમાં ખુલે છે. તે પણ જોવા જેવું છે.ત્યાં બીલેશ્વર તળાવ અને મંદિર આવેલાં છે. મંદિરની જગ્યા તો એટલી બધી સુંદર છે કે ત્યાં જ રહેવાનું મન થઇ જાય. કુદરતની સાથે સાથે કુદરતના સર્જનહારનું સામીપ્ય તો ત્યાં જ થઇ શકે. નાળિયેરી ડુંગર પણ ખૂબ જ ઊંચો આવેલો છે. પણ આનંદને ઉત્સાહમાં આગળ વધીએ તો થોડી જ વારમાં મંઝીલે પહોંચી જવાય. આ સ્થાનનો એક વાર અનુભવ લેનારને એક વાતની તો ચોક્કસ ખાતરી થઇ જાય કે મૂંગા પ્રાણીઓને આપણે બિહામણા ને ભયંકર માનતા હોઇએ છીએ પંરતુ હકીકતમાં એ પ્રાણીઓ એવાં હોતા નથી. જ્યાં સુધી તેને છંછેડો નહીં ત્યાં સુધી તે મુશ્કેલી સર્જતા નથી. આવી સુંદર ભાવના તો મનુષ્યમાં સુદ્ધાં જોવા મળતી નથી.
પ્રકૃતિના તમામ રંગોથી સભર હિંગોળગઢ એક અદભૂત જગ્યા છે.
Source: http://www.gujaratsamachar.com/20110313/purti/ravipurti/ravi33.html

No comments: