Tuesday, March 29, 2011

સિંહોની તરસ છીપાવવા માટે ૩૭પ કૂંડીઓમાં ભરાતું પાણી.

જૂનાગઢ, તા.૨૮
ઉનાળો બેસતા જ આકરો તાપ અનુભવાઈ રહ્યો છે.  ગિર અને ગિરનાર જંગલ વિસ્તારમાં સિંહો સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા વનવિભાગ દ્વારા કૃત્રિમ રીતે બનાવેલા ૩૭પથી વધુ કુંડીઓમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. આવતા દિવસોમાં હજૂ પણ ૭પ વધારાના સ્ત્રોત્રમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવશે. ઉનાળામાં જંગલ વિસ્તારમાં નદી-નાળા સુકાઈ જતા હોય છે. ડેમ અને નાના તળાવો પણ ખાલી થઈ જાય છે. ગિર જંગલ અને ગિરનાર જંગલમાં વિહરતા વનરાજો સહિતના વન્ય પ્રાણીઓની તરસ છીપાવવા માટે વનવિભાગ દ્વારા દર વર્ષે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ૧૪૧ર ચો.કિ.મી.માં પથરાયેલા ગિર જંગલમાં પાણીના ૪પ૦ જેટલા કૃત્રિમ સ્ત્રોત્ર બનાવવામાં આવ્યા છે. ડી.સી.એફ. ડો. સંદિપકુમારે જણાવ્યું છે કે, ફેબ્રુઆરી માસની શરૃઆતથી જ તબક્કાવાર કૃત્રિમ સ્ત્રોત્રમાં પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. પાણીના કુદરતી સ્ત્રોત્ર જ્યાં વહેલા સુકાઈ ગયા છે, ત્યાં શરૃઆતથી કૃત્રિમ સ્ત્રોત્રમાં પાણી ભરવામાં આવી રહ્યું છે. હજી પણ આગામી સમયમાં વધારની જરૃરિયાત પ્રમાણે પાણી ભરવાની શરૃઆત કરી દેવામાં આવશે. ગિરનાર જંગલમાં પાણીના ૬ર કૃત્રિમ સ્ત્રોત્ર ભરવાની શરૃઆત કરી દેવામાં આવી છે. એ.સી.એફ. કે.એ.ગાંધીએ જણાવ્યું છે કે, વન્યપ્રાણીઓને પાણીની અછત ન વર્તાય તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તથા પાણીના તમામ સ્ત્રોત ભરવાની બે દિવસથી શરૃઆત કરી દેવામાં આવી છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=275350

No comments: