Saturday, February 13, 2010

કુદરતનો કરિશ્મા(ચંદરવો).

બાર વર્ષની નાની છોકરી જીવ મુઠ્ઠીમાં લઈ દોડી રહી હતી, પણ એ થાકી ગઈ હતી. અપહરણકર્તા ચાર જબરા પુરુષોએ તેને આઠ દિવસ ખૂબ મારી હતી અને તેને ચૂંથી નાંખી હતી.

તોય હૈયામાં હામ ભરી એ વહેલી સવારના ઘન અંધકાર અને ઠંડીમાં કેદમાંથી ભાગી અપરિચિત રસ્તે ઠેબાં ખાતી દોડી રહી હતી. જરા ભળભાખળું થતાં એને ઝાડીમાં ગુફા દેખાઈ, એમાં પેસી જઈ ગુફાના મુખ પાસે અશક્ત હાથોએ થોડાં ઝાંખરા ઢસડી લાવી, મુખ ઢાંકવા જેવું કરી ઢગલો થઈ ગઈ. માંડ હવે રડવાનો સમય મળ્યો. એણે પોક મૂકી રડવા માંડયું. તેને ઉઠાવી જનારા અવાજ સાંભળી આવી પહોંચશે એનો ય ખ્યાલ બાળકીને ન રહ્યો.

વાત ઈથોપિયાના અંતરિયાળ ગામડાંની છોકરીની છે.

વહેલી સવારે રંગબેરંગી ફૂલો જોતી, પતંગિયા પાછળ દોડતી એ સ્કૂલે જઈ રહી હતી અને ચાર હટ્ટાકટ્ટા પુરુષોએ તેને ઘેરી લીધી અને તેમાંના એક સાથે લગ્ન કરવાનું કહ્યું. પેલીએ ના પાડી અને એ પુરુષોએ તેની પર સતત બળાત્કાર ગુજારી મારી છતાં એ મક્કમ રહી.

ઈથોપિયાની નાની છોકરીઓના નસીબમાં જ લખાયું હોય છે. એ સવારે શાળાએ જવા નીકળે ત્યારે પુરુષો ત્રાટકે, બળાત્કાર કરે અને છોકરીના ઘરે જાય. છોકરીને કુટુંબ પાછી સ્વીકારે એ તો શરમજનક ઘટના કહેવાય ! પુરુષ પચાસ ડોલર આપે એ મા-બાપ કુટુંબના ભરણપોષણ માટે લઈ લે અને આમ મા-બાપ રિવાજને નામે છોકરીને ભયંકર ભાવિ તરફ સાવ અજાણ્યા પુરુષને દહેજને નામે વેચી દે. ૫૦ ડોલર પૂર્વ આફ્રિકાનાં અંતરિયાળ ગામડાંઓમાં તો બહુ મોટી રકમ ગણાય.

છેલ્લી થોડી સદીઓથી ઈથોપિયામાં આવો રિવાજ - પરંપરા ચાલી આવે છે. અને ભયંકર વાત તો એ છે કે કાયદો પુરુષોને કોઈ શિક્ષા નથી કરતો. અપહરણ થયેલી છોકરી પોલીસ ફરિયાદ કરી શકતી નથી, એટલે આવી અમાનુષીય અને જંગલિયત પરંપરાને તાબે થયા વિના છોકરીઓનો છૂટકો નથી.

જો છોકરી આવા ફોર્સ્ડ મેરેજને તાબે ન થાય તો ઘરે પાછી ફરેલી છોકરી માટે ઘરનાં બારણાં બંધ છે. કુટુંબ અને સમાજ તેને સ્વીકારતાં નથી. એક તો એ પોતાના પતિને માટે પોતાનું કૌમાર્ય સાચવી શકી નથી અને બીજું માથે એઈડ્સની લટકતી તલવાર લઈને એ ઘરે પાછી ફરી છે જે કુટુંબ માટે નાલેશીભરી ઘટના છે.

બાર- તેર વર્ષની ગામડાની છોકરી જાય તો ક્યાં જાય ? શું કરે ? એટલે એ ભયંકર ભાવિને હવાલે થઈ જાય છે. જીવનભર જુલમ, મારપીટ અને ઢગલોએક કામ, સંતાનો અને એઈડ્સ.

આ છોકરીઓની આયુષ્ય મર્યાદા વધુમાં વધુ ૫૦ વર્ષની, જેમાં મરી મરીને એ જીવે અને જીવતાં જીવતાં મરે.

રસ્તે ચાલી જતી છોકરીને ધરાર ઉપાડી જવી એ હીચકારી ઘટનાનો એક લીલોછમ્મ અંકુર એ છે કે સ્વયંસિદ્ધા બનવું અને પોતે જ પોતાની મદદ કરવી એવા સંકલ્પબળથી છોકરીઓ લોંગ ડિસ્ટન્સ રનિંગની જાતે પ્રેક્ટિસ કરી જબરદસ્ત દોડવીર બની રહી છે, તેમના અપહરણકર્તાઓથી ભાગવા માટે.

એક પરંપરા અને પ્રથા તરીકે ઈથોપિયાના પુરુષો લોંગ ડિસ્ટન્સ રનર્સ તરીકે પ્રખ્યાત છે અને મહિલાઓનું તેમાં ક્યાંય સ્થાન નહોતું.

પણ હવે મહિલાઓ માત્ર રમત માટે નહીં પણ પોતાનો જીવ - જિંદગી બચાવવા માટે ગજબનું દોડી રહી છે.

આ પરંપરા ઝટ અદૃશ્ય થાય એવા કોઈ ચિહ્ન દેખાતાં નથી કારણ કે છેલ્લા ઘણા લાંબા સમયથી ઈથોપિયા ભૂખમરો અને દુકાળમાં સપડાયેલું છે. દુકાળ અને એઈડ્સ જેવા માણસખાઉ રોગ પણ એમાં ભળ્યા છે. આખી દુનિયામાં એઈડ્સ સાથે જીવનારા દેશોમાં ઈથોપિયાનો છઠ્ઠો ક્રમ છે. વરસે દિવસે હજારો લોકો મૃત્યુ પામે છે અને અગણિત બાળકો અનાથ બની રઝળે છે. એમાં એક બાળકીની વેદનાભરી ચીસ કોણ સાંભળે ?

હવે પેલી, ચાર ઢાંઢા પુરુષોના સંકજામાંથી માંડ આઠ દિવસે છટકીને ભાગેલી છોકરીની વાત કરીયે.

એ છોકરી ઉઝરડાયેલી, ઝખમી, થાકેલી, પડતી આખડતી જંગલ રસ્તે ભાગી અને ગુફા જોતાં એમાં પેસી ગઈ અને કોકડું વળી ભીંતે અઢેલી જોર જોરથી રડવા માંડી.

ગુફાની બહાર પાંદડાં- ઝાંખરા પર ચાલવાનો અવાજ થતાં એ બાળકીએ ડરીને ચીસ પાડીને ઊંચુ જોયું, એેને થયું પેલા પુરુષોએ એને શોધી કાઢી હવે બચવાનો કોઈ આરોવારો નહોતો. એણે જે દૃશ્ય જોયું તો એની આંખો ફાટી ગઈ, ચીસ ગળામાં રુંધાઈ ગઈ.

ગુફાના દ્વાર પર વિકરાળ સિંહ અને બે સિંહણો તેને તાકતાં ઊભાં હતાં.

સવારના ઉઘડતા પહોરના તેજમાં વિશાળ કદના સિંહની કેશવાળી આગના ભડકા જેવી ચમકતી હતી. ગુફામાં એણે પગ મૂક્યો. છોકરીએ બળપૂર્વક આંખો મીંચી દીધી. શયતાનોના હાથમાંથી એ બચી ગઈ હતી, એનાથી યે ભયંકર પ્રાણી ઘડીમાં તેનો કોળિયો કરી જશે. થોડીવાર થરથરતી બેસી રહી, પછી ફટ આંખ ખૂલી ગઈ.

અરે ! હજી એ જીવતી હતી !

સિંહ અને સિંહણો બરાબર ચોકીદારની જેમ બાળકીની રક્ષા કરતાં ગુફાના દ્વાર પાસે જ બેસી ગયાં હતાં.

પૂરા બાર કલાક સિંહદંપતી હલ્યાચાલ્યા વિના ત્યાં બેસી રહ્યું. ગુફાથી થોડે દૂર ઝાડીમાં છૂપાઈને પેલા ચાર પુરુષો રાહ જોતાં રહ્યા, કે સિંહ હટે તો છોકરીને ઊંચકી જવાય અને આ તરફ છોકરીને ખાતરી થઈ ગઈ કે ભગવાને સિંહને બચાવવા મોકલ્યા છે.

પોલીસ ટુકડી આવી પહોંચી ત્યાં સુધી બાર કલાક સિંહોએ ચોકી ભરી. પોલીસે પછીથી વર્ણન કરતાં કહ્યું, જે દેશમાં અત્યંત કરુણ ઘટનાઓ બનતી રહે છે ત્યાં સિંહ જેવાં પ્રાણીએ છોકરીને જીવનની અદભુત ભેટ આપી તે મેં જોયેલો એક સાચો ચમત્કાર છે.

બાર કલાક સુધી માણસખાઉ સિંહો શિકારની સામે તાકીને, એના શરીરની ગંધ, નસકોરાંમાં ભરતા બેસી રહે તે ચમત્કાર નહીં તો બીજું શું ?

ચમત્કારની વ્યાખ્યા છે એવી ઘટના જે કુદરતના નિયમોને આધિન સમજાવી શકાતી નથી. એક મનુષ્યને બીજા મનુષ્યથી બચાવવા મનુષ્યભક્ષી પ્રાણી કલાકો સુધી તેનું રક્ષણ કરે તે કુદરતનો કરિશ્મા જ ને !

(‘મિરેકલ્સ’ નામના પુસ્તકમાં આવી અદ્ભુત ચમત્કારિક બચાવની ઘટનાઓ છે, જે સત્યઘટનાઓ છે ટ્રુ સ્ટોરીઝ ઓફ સર્વાઈવલ. સંપાદકે ઘણી મહેનતથી આવી ઘટનાઓ ભેગી કરી તેની ચકાસણી કરી અને અત્યંત રસપ્રદ પુસ્તક તૈયાર કર્યું છે. તમને આ પ્રસંગ ગમ્યો હશે તો ફરી આવા પ્રસંગો તમારા સુધી પહોંચાડીશ.)
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=112636

No comments: