Tuesday, February 16, 2010

રેકર્ડબ્રેક ૮ લાખ શ્રદ્ધાળુંઓનો સાગર ઊમટ્યો

Bhaskar News, Junagadh

સવારે ૯-૩૦ વાગ્યાથી જ ભરડાવાવથી વાહન પ્રવેશ બંધ
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં આજે વિક્રમજનક સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં. નાગાબાવાનું સરઘસ નિહાળવા અને મહાશિવરાત્રીના દિવસે ભવનાથ મહાદેવના દર્શન કરી પૂણ્યનું ભાથું બાંધવા વહેલી સવારથી જ ભાવિકોનો એકધારો પ્રવાહ ભવનાથ તળેટી તરફ શરૂ થયો હતો, જે રાત્રે નાગાબાવાઓનાં સરઘસ સુધી ચાલું રહ્યો હતો.

દિવસ દરમ્યાન મેળામાં આશરે આઠ લાખથી વધુ ભાવિકો ઉમટી પડયા હોવાનું નોંધાયું હતું, જે આજ સુધીનો રેકોર્ડ છે. ગયા વર્ષે સાતથી સાડાસાત લાખ લોકો મેળામાં શિવરાત્રીને દિવસે આવ્યાં હોવાનું નોંધાયું હતું. લોકોની ભીડને ઘ્યાનમાં લઇને પોલીસે સવારે ૯-૩૦ વાગ્યાથી જ ભરડાવાવથી તમામ વાહનો માટે પ્રવેશ બંધ કરી દીધો હતો.

મહાશિવરાત્રીના દિવસે મેળામાં આ વર્ષે ગત મહાશિવરાત્રીના દિવસની સરખામણીએ એક લાખ લોકોનો વધારો થયો છે. મેળાનાં પ્રારંભથી લઇ ગઇકાલ સુધીમાં કુલ ૧૦,૨૦,૦૦૦ ભાવિકોની હાજરી રહી હતી. આજના દિવસે ૮ લાખ ભાવિકો ઉમટી પડતાં ૨૦૧૦ના શિવરાત્રી મેળામાં ભાવિકોનો કુલ આંક ૧૮ લાખ ૨૦ હજારને આંબી ગયો છે.

નાગાબાવાઓનાં સરઘસ પૂર્વે ૬ વાગ્યાથી જ માર્ગ ઉપર બેરીકેટ બાંધી તેની આસપાસ ભાવિકોને બેઠક લેવા જણાવી દેવાયું હતું. સાંજે સાડાછ વાગ્યાના અરસામાં રૂપાયતનના પાટિયા નજીક સરઘરનાં રૂટ પાસે લોકોની ભીડને કાબૂમાં લેવા અને ધક્કામુક્કીને અટકાવવા હળવો લાઠીચાર્જ કરવાની પોલીસને ફરજ પડી હતી.

ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધીનાં સમગ્ર માર્ગ ઉપર જાણે કે માનવ કિડીયારૂં ઉભરાયું હોય તેવું લાગતું હતું. લોકોને એટલું અંતર કાપવામાં એકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો.

ઠાઈ કાલે મેળામાં આવેલાં સાણંદના ભરતભાઈ બચુભાઈ પટેલે જણાવ્યું હતું કે ‘‘હું છેલ્લાં ૧૦ વર્ષથી રાત્રે મારા ગામથી નીકળી બસમાં ભવનાથ દાદાના દર્શને આવું છું. છેલ્લાં દિવસે ભીડ તો હવે સ્વાભાવિક થઇ ગઇ છે.’’ મોટા દડવાના મનજીભાઈ બાબરીયાએ મેળાના ધાર્મિક મહત્ત્વ વિશે જણાવતાં કહ્યું હતું કે ‘‘મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ ગિરનાર તળેટીમાં વિતે એટલે બેડો પાર થઇ ગઈ સમજજો.’’ મેળામાં છેલ્લાં દિવસ(શિવરાત્રી)નો લાભ લેવાં આવેલાં વિસાવદર તાલુકાના લેરિયા ગામના મથુરભાઈ ઉમરેટીયાએ કહ્યું હતું કે ‘‘અમારું ગામ તો નજીક જ હોઇ સવારે અહીં આવી મેળામાં ફરી નાગાબાવાનું સરઘસ જોઇ રાત્રે જ પરત ફરી જઇએ છીએ.’’

મનપાને મેળામાં રૂ.૯ લાખની આવક

જૂનાગઢ મનપાને આ વષે ફજેત ફાળકાની આવક નથી થઇ, પરંતુ અન્ય સ્ત્રોતમાંથી અંદાજે રૂ. ૮ લાખ ૯૦ હાજરની આવક થઇ છે. મનપાને ગત વર્ષે કુલ રૂ. ૧૧.૩૫ લાખની આવક થઇ હતી. ગત વર્ષે દવા, સફાઇ, સિકયોરિટી, ટોઇલેટ બ્લોક, સહિતનો ખર્ચ રૂ.૧૭ લાખ થયો હતો, જયારે આ વર્ષે રૂ. ૧૬ લાખને આંબી જવાની શકયતા છે.

૮૨ બાળકો વિખૂટાં પડી ગયાં

આજે મહાશિવરાત્રીના દિવસે મેળાની હકડેઠઠ ભીડમાં ૮૨ બાળકો વિખૂટાં પોતાના માતા-પિતાથી વિખૂટાં પડતાં મનપાના માહિતી કેન્દ્ર ખાતે મેળાપ કરાવાયો હતો. અમુક બાળકો અને મોટી વયના લોકો વિખૂટાં પડી જતાં મોબાઈલ ફોન ઉપર પણ માહિતી કેન્દ્રનાં માઘ્યમથી સંપર્ક કરાવાયાનું કેન્દ્રનાં ઇન્ચાર્જ કિશોર ભટ્ટે જણાવ્યું હતું. ગત વર્ષે મેળાનાં અંતિમ દિવસે ૭૩ બાળકો વિખૂટાં પડી ગયાં હતાં, એમ પણ તેમણે જણાવ્યું હતું.

મનપાની આવક (અંદાજે)

વાહન પાર્કિંગ રૂ.૧.૯૦ લાખ
સ્ટોલ-પ્લોટ રૂ.૪ લાખ
રેંકડી, પાથરણાં રૂ.૨ લાખ
ઊતારાનાં વિવિધ રૂ.૭૫ હજાર
ચાર્જ
વોટર વર્કસ રૂ.૨૦ હજાર.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/13/100213003111_mahashivratri_mela.html

No comments: