Thursday, February 18, 2010

ડાંગમાં વાઘનો ખોરાક બનતાં નાનાં પ્રાણીઓની તંગી છે.

અમદાવાદ સમાચાર
આના લેખક છે GS NEWS
બુધવાર, 17 ફેબ્રુઆરી 2010

અમદાવાદ,
કેન્દ્રિય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ગઇકાલે ગુજરાતના ડાંગ જિલ્લામાં વાઘના પુનઃસ્થાપન માટેનો પ્રસ્તાવ મૂકયો છે. ગુજરાતમાં આ વિષયના જાણકારોનું કહેવું છે મંત્રીશ્રીએ સિંહના બદલામાં વાઘની મૂકેલી 'એક્ષચેંજ ઓફર' નવી છે અનેે મધ્યપ્રદેશને સિંહ આપવાની વાતમાં ગુજરાતનો વિરોધ છે પરંતુ ગુજરાતમાં વાઘના પુનઃસ્થાપન માટેની ઓફર નવી નથી. પાછલા વર્ષે ઓગષ્ટના ગાળામાં કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ શ્રી રમેશે ગુજરાતના પ્રતિનિધિઓને ગુજરાતમાં વાઘના પુનઃસ્થાપન માટે દરખાસ્ત કરી હતી. ગુજરાતના વન વિભાગે આ પછી રાજ્યમાં વાઘનું પુનઃસ્થાપન ક્યાં અને કઇ રીતે થઇ શકે એ વિશે વિસ્તૃત સર્વે અને અભ્યાસની કાર્યવાહી આરંભી હતી જે આજે પણ ચાલુ છે.

વન વિભાગ રાજ્યમાં નર્મદા અને ડાંગનાં જંગલોમાં વાઘના પુનઃસ્થાપનની શક્યતાઓનો અભ્યાસ કરી રહ્યો છે

ગુજરાતમાં વાઘના પુનઃસ્થાપનની બાબતે ગુજરાતના વન વિભાગના વડા શ્રી ખન્નાનો સંપર્ક કરતા તેમનું કહેવું છે કે ગુજરાતમાં ડાંગ અને શૂલપાણેશ્વરના નર્મદા નજીકના જંગલોમાં વાઘના પુનઃસ્થાપનની શક્યતા છે. એંશી-નેવુના દશકમાં ગુજરાતના જંગલોમાં વાઘ હતા જ પરંતુ ત્યારે પરિસ્થિતિ જુદી હતી અને અત્યારે જુદી છે. વાઘનું પુનઃસ્થાપન અશક્ય નથી પરંતુ તે માટે પહેલા એ વાતનો અભ્યાસ કરવો પડે કે વાઘ કેમ લુપ્ત થઇ ગયા. જ્યાં સુધી એમના લુપ્ત થવાના કારણોનું સમાધાન ન કરીએ ત્યાં સુધી તેનું પુનઃસ્થાપન ન કરી શકાય. વન વિભાગ વાઘના પુનઃસ્થાપન માટે શું કરવું પડે, ક્યાં શક્ય બને, લોકો પર શું અસર પડે જેવી બાબતોના તલસ્પર્શી અભ્યાસ માટે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટયૂટની પણ સર્વે અને ડેટા હેતુથી મદદ લેશે.

તો ગુજરાતના ડાંગમાં વાઘના પુનઃસ્થાપન અંગે વન્યપ્રેમીઓ અને નિષ્ણાતો તથા લાગતાવળગતાઓ માને છે કે પુનઃસ્થાપનનું કામ લાંબા સમયની ધીરજ માંગી લે એવું છે. ડાંગના જંગલોમાં પ્રત્યેક વર્ષે દીર્ધ સમય માટે કેમ્પીંગ કરીને રહેતા પ્રકૃતિપ્રેમી શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક કરતા તેમનું કહેવું છે કે ડાંગનું જંગલ સમૃદ્ધ છે પરંતુ 'લાઇફ' વિનાનું છે. અહીં વાઘના પુનઃસ્થાપન સામેનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાઘને ખાવા માટે જોઇએ એવો ખોરાક વિપુલ માત્રામાં ઉપલબ્ધ નથી. ડાંગના જંગલોમાં દિવસો સુધી રહેવાના ક્રમમાં ક્યારેય હરણું કે સસલું સુદ્ધા દેખાયું નથી.જો વાઘનુ પુનઃસ્થાપન કરવું હોય તો પહેલા વાઘનો ખોરાક એવા પ્રાણીઓ નાની ઉંમરમાં જ બીજેથી પકડી લાવીને ડાંગના જંગલમાં છોડવા પડે અને તેમનો કુદરતી ઉછેર થવા દેવો પડે. થોડા વર્ષોની કુદરતી સાઇકલને અંતે જ પ્રાણીઓનું સંતોષકારક પ્રમાણ વધે તો વાઘને છોડી શકાય. આ માટે લોકો કેટલા તૈયાર છે એ પણ પ્રશ્ન છે.
ડાંગમાં વાઘનું પુનઃસ્થાપન થાય તો ત્યાંના લોકોનો મત કેવોક હોય એ અંગે ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઇ પટેલનો સંપર્ક સાધતા તેમનું કહેવું છે કે ડાંગમાં જંગલ વિસ્તારમાં દરેક પાંચ-સાત કિલોમીટરના અંતરે નાની નાની માનવ વસાહતો છે. વાંસના જંગલો કુદરતી ક્રમમાં જ આછા થયા છે. જિલ્લામાં જંગલ વિસ્તાર વિપુલ છે પણ જિલ્લો પોતે જ કદમાં સાવ નાનો છે. દિપડા તો સસલા તથા જળકિનારાના મોટા દેડકાં ઉપરાંત ગામના બકરા ખાઇને જીવી જાય છે પણ વાઘ માટે જે વ્યવસ્થિત ખોરાક જોઇએ એ માટેની વિપુલ પ્રાણીસંપદા જિલ્લામાં છે નહીં. ઉલ્લેખનીય છે ક બુધવારે ચેન્નઇમાં કેન્દ્રિય પર્યાવરણ મંત્રીએ ફરીથી કીધું છે કે પશ્ચિમ ભારતમાં માત્ર ગુજરાતમાં વાઘ નથી અને વાઘનું પુનઃસ્થાપન થવું જરૃરી છે.
Source: http://www.gujaratsamachar.com/beta/content/view/56419/

No comments: