Saturday, February 13, 2010

હવે ચિત્તાને ગુજરાતમાં વસાવવા પ્રયાસો.

અમદાવાદ, તા. ૧૦

ચિત્તો દાયકાઓથી ભારતમાંથી નામશેષ થઈ ગયો છે. જો કે, આ સુંદર પ્રાણીનો ફરી ભારતમાં વસવાટ થાય તેના પ્રયાસો શરુ થયા છે. વાઈલ્ડ લાઈફ ગ્રૂપ ઓફ ઈન્ડિયા દ્વારા ચિત્તાના પુનઃપ્રવેશ માટે કેન્દ્ર સરકારને કરાયેલી ભલામણ સ્વીકારી લેવાઇ છે. ચિત્તાના વસવાટ માટે પસંદ કરાયેલી ચાર રાજયોની સાત સાઈટમાં ગુજરાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ચિત્તાનું લાંબા સમય સુધી અસ્તિત્વ જળવાઈ રહે તે સંદર્ભે ચાર મહિના સુધી સર્વેની કામગીરી કરવામાં આવનારી હોવાનું તાજેતરમાં કેન્દ્ર સરકારે સૂચવ્યુ છે.

ચિત્તા માટે પસંદ કરાયેલાં ચાર રાજયોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ ચાર રાજયોમાં ચિત્તા માટે કુલ સાત અનુકૂળ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે. પસંદ કરાયેલી તમામ સાઈટનો સર્વે કરવા માટે તાજેતરમાં કેન્દ્રએ લીલી ઝંડી આપી છે. ચિત્તાના પુનઃપ્રવેશ બાદ તેને શિકાર મળી રહેશે કે કેમ, ચિત્તાને સ્થાનિક વાતાવરણ અનુકુળ આવશે કે કેમ વગેરે મુદ્દાઓનો વિગતવાર સર્વે વાઈલ્ડ લાઈફ ગ્રૂપ ઓફ ઈન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવશે. આ અભ્યાસ બાદ ચિત્તાના લાંબા ગાળાના અસ્તિત્વ અંગે એક ચોક્કસ તારણ કાઢવામાં આવશે. એશિયામાં એકમાત્ર ઈરાનમાં જ ૧૦૦ ચિત્તા છે. ભારતમાં આફ્રિકાથી ચિત્તા લાવવામાં આવશે. જયાં ચિત્તાની સંખ્યા દસ હજાર જેટલી છે.

સદીઓ પૂર્વે સૌરાષ્ટ્ર-કચ્છમાં ચિત્તા જોવા મળતા હતાં

રાજયના વન અને પર્યાવરણ સચિવ એસ.કે.નંદાએ જણાવ્યું કે, નામશેષ થઈ ગયેલા ચિત્તાનો ભારતમાં પુનઃપ્રવેશ થવો જોઈએ તેવી એક વિચારણા ચાલી રહી છે. સદીઓ પૂર્વે સૌરાષ્ટ્ર અને કચ્છના ઘાસવાળા વિસ્તારોમાં ચિત્તા જોવા મળતા હતા. પરંતુ હાલમાં રાજયમાં ચિત્તાનો પુનઃપ્રવેશ થાય તે શકય નથી. કેમ કે, ચિત્તાનું અસ્તિત્વ ટકાવી રાખવા અનેક પરિબળો ભાગ ભજવે છે.

....તો ભારતમાં છ પ્રકારની કેટ જોવા મળશે

ચિત્તાને ભારતમાં નક્કી કરાયેલાં સ્થળોએ લાવવામાં આવશે તો સમગ્ર એશિયામાં એકમાત્ર ભારત એવો દેશ હશે જયાં છ પ્રકારની કેટ વાઘ, સિંહ, દીપડા, જેગુઆર, કુઘર (બિલાડીની જાતીનું હિંસક પ્રાણી) અને ચિત્તો નિહાળવા મળશે.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=121112

No comments: